બ્લોગજગતનાં રાહતકામો
બ્લોગજગતનાં રાહતકામો.
પ્રકાર [1]
વર્ષો પહેલાંની વાત છે. સૌરાષ્ટ્ર પંથકમાં દુકાળ પડ્યો હતો. લોકોને રોજીરોટી મળી રહે તે માટે સરકારી રાહતકાર્યો શરૂ થઈ ગયાં. નવા રસ્તાઓ બનવા લાગ્યા. કેટલાક હકીકતમાં અને કેટલાક કાગળ પર. કેટલાક કામોનો કશો અર્થ હતો અને કેટલાકનો ન હતો.
અમારા નાનીધારી ગામથી ઈંગોરાળા ગામનો રસ્તો કાચોપાકો અને ખાડાટેકરાવાળો હતો. એ રસ્તો સુધારવાનું કામ થવા લાગ્યું. કામ એટલે કેવું? આજુબાજુમાંથી માટી ખોદી ખોદીને નાખવાની રસ્તા પર. તગારાં મોઢે માટી રસ્તા પર ઠલવાવા લાગી ભાઈ! ખાડા તો પૂરાવા લાગ્યા. રસ્તો ઊંચો પણ થવા લાગ્યો. ગામલોકોની સાથે અમે પણ રસ્તો જોવા ગયેલા. બધાંની માફક અમને પણ થયું હતું કે: વાહ રસ્તો વાહ! કહેવું પડે હો! હવે રસ્તા પર ચાલવાની ખરી મજા આવશે.
… પરંતુ ગામના બેચાર અનુભવી માણસોથી ચૂપ ન રહેવાયું. એ લોકોએ પોતાના મનની વાત કહી નાખી કે : આ અક્કલનું પ્રદર્શન છે. ઠીક છે કે લોકોની પાસે કામ કરાવ્યું છે. પણ આવાં કામો કરાવવાનો કોઈ અર્થ નથી. અત્યારે ભલે આ રસ્તો મજાનો લાગતો હોય પણ ચોમાસુ આવાવા દ્યો. પછી કેવી મજા આવે છે તે કહેજો.
..અને પછીના વરસે રિમજિમકે તરાને લે કે આઈ બરસાત! … એવો તો કાદવ થયો કે લોકો રાડ્ય નાખી ગયાં. કહેવા લાગ્યા કે આના કરતા તો જૂનો રસ્તો નક્કર અને સારો હતો.
અત્યારે બ્લોગજગતના અમુક પંથકમાં આવાં રાહતકામો ધમધોકાર ચાલી રહ્યાં છે. એ પણ માતૃભાષાને બચાવવાને બહાને! અન્ય બ્લોગર્સનો વગર પૈસે અને વગર કહ્યે પ્રચાર કરવાને બહાને! કેટલાય શ્રમિકો આગળ પાછળ જોયા વગર તગારાં પવડા લઈને આ સામુહિક રાહતકામમાં જોડાઈ ગયા છે. એમનું એકજ કામ છે કે જ્યાંથી મળે ત્યાંથી વગર પૂછ્યે ઉઠાવો માલ અને નાખો આપણા બ્લોગ પર. પછી ભલે ખાડાની જગ્યાએ ટેકરા થવા લાગે. આવા શ્રમિકોના મંડળો છે અને એમના મુકાદમો પણ છે.
વાંક શ્રમિકોનો નથી. એમના હાથોમાં COPY નામે પાવડા અને PASTE નામે તગારાં પકડાવી દેવામાં આવ્યાં છે. એમને કહી દેવામાં આવ્યું છે કે: તમારે કશું જ વિચારવાનું નથી. અક્કલ દોડાવવાની નથી. એ કામ અમે કરીશું. તમે તમને કહેવામાં આવ્યું છે તે કામ કર્યે જાવ. તમે કેટલા તગારાં માલ ઉપાડ્યો એનો હિસાબ અમે રાખીશું.
માર્ગોનાં નામ પણ અપાઈ ગયાં છે: માતૃભાષા વિકાસ માર્ગ. …ગુજરાતી બચાવ પંથ… .ગુજરાતી સંસ્કાર માર્ગ….
પછી ભલે માર્ગ જેવું કશું જ હોય નહીં. હોય તો જ્યાંત્યાંથી ઉઠાવેલા માલના ઢગલા…. ધૂળની ડમરીઓ…. અને ભવિષ્યનો કાદવ!
************************************
બ્લોગજગતનાં રાહતકામો.
પ્રકાર[2]
બ્લોગજગતમાં મનને ખરેખર રાહત પહોંચાડે એવાં કામો પણ થાય છે. એકલા હાથે પણ થાય છે.
કેટલાય બ્લોગર્સ એવા છે કે જેઓ સખત મહેનત કરવામાં મને છે. એમણે પોતાના બ્લોગ પોતાની મહેનતથી શણગારેલા છે. તેઓ અન્યની રચના લાવે છે તો જે તે બ્લોગરને પૂછીને લાવે છે. વળી,એ રચનાને વધારે ઓળખ મળે તે માટે એ બ્લોગર્સ પોતાની સૂઝનો ઉપયોગ કરીને એ રચનાને વધારે સુંદર ઓપ આપતા હોય છે.
કાચાપાકા લાગતા હોય પણ પોતાની ઓળખ જાળવી રાખવા માંગતા હોય એવા કેટલાય બ્લોગ્સ છે. જેમની નોંધ આજે નહીં તો કાલે લેવાશે જ. એવા કેટલાય બ્લોગર્સ છે જેમની ભાષા કાલીઘેલી લાગતી હોય પણ એમની પોતાની છે. એ લોકોને ઉઠાંતરી મંજૂર નથી. એ લોકોને જ્યાંત્યાંથી તગારાં ભરીને માલ લાવીને પોતાના બ્લોગમાં ઠાલવવો મંજૂર નથી.
એમણે પહેલેથી જ નક્કી કરેલું છે કે: પારકી સામગ્રી વડે બ્લોગ બનાવવો નથી. બ્લોગ એવો બનાવવો છે જેમાં અમારી પોતાની ઓળખ હોય. એક વખત અમારા બ્લોગ તરફ ભૂલો પડ્યો હોય તે બીજી વખતે હોંશેહોંશે મારા બ્લોગની મુલાકાત લેવા આવવો જોઈએ.
કેટલાય બ્લોગર્સ છે જે ધીરજ અને ખંતથી કામ લઈ રહ્યા છે. એમને ઉતાવળ નથી કે મુલાકાતીઓનો આંકડો મોટો થતો જાય. એમને વગર મહેનતના પ્રતિભાવોની ખપતા નથી. એમને પોતાની પોસ્ટ જલ્દી જલ્દી મૂકી દેવાની ઉતાવળ નથી. પણ જ્યારે મૂકાય છે ત્યારે ભયો ભયો થઈ જાય છે. એ લોકો પોતાનો તો વિકાસ કરે છે પણ બીજાને વિકાસ પામતા જોઈને પણ આનંદ પામે છે.
બ્લોગના હેતુને સમજવા માટે અભ્યાસથી વિશેષ કોઠાસૂઝની જરૂર છે. જે લોકો એ સમજી ચૂક્યા છે તેમને ક્યારેય બીજાના બ્લોગમાંથી ગુલાલનું પડીકું લાવીને પોતાના બ્લોગમાં મૂકવાની જરૂર લાગી નથી. એમની પાસે પોતાના જ મનનો ગુલાલ છે જ. પોતાના મલકની વાતો છે. પોતાના શહેરની વાતો છે. પોતાના કામધંધાને લાગતા અનુભવો છે. પોતાના વડીલોના મોઢેથી સાંભળેલી વાતો છે. પોતાના મિત્રવર્તુળમાં થતી ગમ્મતો છે. પળેપળ બદલાતી દુનિયા પડી છે, પછી સામુહિક ચોરીયજ્ઞમાં જોડાઈને સ્વાહા… સ્વાહા … કરવાની જરૂર એમને લાગતી નથી.
ભવિષ્યના સારા સારા લેખકો,કવિઓ,વાર્તાકારો, નિબંધકારો,કલાકારો એ તમામ બ્લોગર્સરૂપે બ્લોગજગતમાંથી બહાર પડશે ત્યારે બ્લોગજગતના આ પ્રકારના રાહતકામની કદર થશે.
તો અમે અટકીએ? છટકીએ? ભટકીએ? અને ફરી મળીએ?
જલસા કરો.
Chatki be jasho kya Yashwantbhai…….!!!?
Tamara otle avi ne alak malak ni vaato ane te pan sarad,sachot pan dankh vagar ni vanchi ne ane tena karane, kyaay nukshan thatu nathi dekhatu.
Saras udaharan apya che….aaj kahevay sarjan shakti!
Abhinandan.
“પછી ભલે માર્ગ જેવું કશું જ હોય નહીં. હોય તો જ્યાંત્યાંથી ઉઠાવેલા માલના ઢગલા…. ધૂળની ડમરીઓ…. અને ભવિષ્યનો કાદવ!”
વાહ શું લખ્યો છે આખો લેખ…માની ગયા બોસ.
સરસ એનાલોજી.
Yashwantbhia…blog na nava claver saras lage che!!
Kaiek navu joine ankh thari.
સાચી વાત છે. ઘણા દિવસોથી વિચાર હતો,પણ મેળ નહોતો પડતો.આજે મન માની ગયું.
excellent work
“એમની પાસે પોતાના જ મનનો ગુલાલ છે.”
મેં તો આ ગીત બ્લૉગજગતને જ સમર્પિત કરી દીધું છે !!
http://webmehfil.com/?p=2116
blog’s new theme is very good !!