Home > ચપટી ભરીને વાર્તા > સાંકડ-મૂકડ

સાંકડ-મૂકડ

મોટરગાડી  ડામરરોડ છોડીને કાચા રસ્તા પર દોડવા લાગી ત્યારે રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી. જો કે મારા આનંદનો તો  પાર જ નહોતો. હું કેટલાય વર્ષો પછી વતનમાં જઈ રહ્યો હતો. મને તો મોટરમાંથી ઊતરીને ગામ સુધી ચાલીને જવાની ઇચ્છા થઈ આવી; પણ રાકેશની બીકે હું મારી ઇચ્છા મનમાં જ દબાવીને બેસી રહ્યો.

રાકેશ શહેરમાં રહેનારો મારો પિત્રાઈ હતો. સામાજિક કામને લીધે  બીજા ત્રણ સંબધીઓને લઈને મારા જ  જૂના ગામ જવા નીકળ્યો હતો. સંગાથ માટે મને સાથે લીધો હતો. મોટર એની હતી એટલે ધાર્યું પણ એનું જ થાયને?

નાનકડું વીસાવદર ગામ વીંધીને મોટર નદીનો ઢાળ ઉતરતી હતી ત્યાંજ  મેં જોયું કે નાગભાઈ દરબાર હાથ ઊંચો કરીને ઊભા હતા. હું પહેલી નજરે જ એમને ઓળખી ગયો.

“રાકેશ, ગાડી ઊભી રાખ.” મારાથી બૂમ પડાઈ ગઈ. રાકેશે કચવાતા મને ગાડી ઊભી રાખી.

નાગભાઈ દોડીને મોટર પાસે આવ્યા. મારા તરફ તો એમની નજર જ ન પડી. આજીજીભર્યા સ્વરે એમણે રાકેશને કહ્યું: “ભાઈસાબ, મારી હારે મેમાન છે. એને નાનીધારી સુધી બેહાડતા જાવ. એને ખૂબ તાવ ચડ્યો છે એટલે કહું છું.”

“ગાડીમાં જગ્યા જ નથી.” રાકેશે અણગમા સાથે જવાબ આપી દીધો.

“જરા સાંકડમૂકડ બેહાડી દ્યો તો મહેરબાની.”

“આ બળદગાડું નથી.આમાં પાંચથી વધારે ન સમાય.” રાકેશે મજાકભર્યા સ્વરમાં કહ્યું અને મોટર ઉપાડવાની તૈયારી કરી.

….. એ ક્ષણે તો મારી નજર સમક્ષ એક બળદગાડું જ તરવરતું હતું. માફાના રૂપવાળું  બળદગાડું![માફો= ઘૂમટ આકારે લાકડાના ઓઠાવાળી છાયા માટે છત્ર રાખેલું હોય એવી ગાડી.]  આ જ રસ્તો હતો અને આ જ નાગભાઈ માફો  લઈને ગામ તરફ જતા હતા. શનિવારનો દિવસ હતો હું બપોરના સમયે  નિશાળેથી છૂટીને ગામ તરફ જતો હતો. ધોમધખતો તાપ હતો. મારા ખભે વજનદાર દફતર હતું. હું બને એટલી ઝડપથી ચાલતો હતો. માફો મારાથી થોડોક આગળ હતો  અને  એમાં નાગભાઈના પરિવારના સભ્યો બેઠાં હતાં.

માફા સુધી પહોંચીને હું આગળ જતો હતો ત્યાં જ માફામાંથી નાગભાઈની બાના  શબ્દો મેં સાંભળ્યા: “અરેરે! આ બળબળતા તાપમાં આ છોકરો શેકાઈ જાશે! એને બિચારાને માફામાં  બેહાડી દે.”

“મનેય બેહાડી દેવાનું મન તો થ્યું જ  છે પણ તમને ફાવશે?” માફામાં  જગ્યા નહોતી એટલે નાગભાઈએ  અંદર બેઠેલાં કુટુંબીઓને પૂછ્યું.

“અરે! સાંકડમૂકડ સામી જાશે બિચારો. બેહાડી દે બેહાડી દે.”

“આવતો રે બાપલા આવતો રે. તું આવા તાપમાં હાલીને જાય ઈ અમારાથી કેમ જોવાય?”  એમ કહેતાં કહેતાં નાગભાઈએ માફો  ઊભો રાખી દીધો હતો. અંદર બેઠેલી બહેનોએ આઘાપાછાં થઈને મારા માટે જગ્યા કરી દીધી હતી.

વર્ષોજૂની એ ઘટના મારી નજરસમક્ષ તરવરવા લાગી! ને….

….. “રાકેશ, ઊભો રહેજે. હું ઉતરી જાઉં છું. તું આ મહેમાનને બેસાડી દે.” મારાથી કહેવાઈ ગયું.

રાકેશની મંજૂરીની રાહ જોયા વગર જ હું મોટરમાંથી ઉતરી ગયો અને નાગભાઈના મહેમાનને બેસાડી દીધા.

ધૂળ ઉડાડતી મોટર ગઈ. એ ધૂળના ગોટેગોટામાં મને રાકેશનો ધૂંઆપૂંઆ થતો ચહેરો દેખાયો!

નાગભાઈ સાથે વાતોમાં રસ્તો કેમ કપાયો તેની તો ખબર જ ન પડી. બહુ વખતે ભેગા થયા હતા એટલે વાતોનો પણ પાર નહોતો.

ઘેર પહોંચ્યો ત્યારે રાકેશના મગજમાં સંતાઈને બેઠેલો ગુસ્સો મારા તરફ કૂદી પડ્યો.

“શી જરૂર હતી એવા ગામડિયા માટે જગ્યા કરી આપવાની? આ જમાનામાં એવા દયાળું ના થવાય.  તું પણ સુધર્યો નહીં…. ”  રાકેશ બોલ્યે જતો હતો.

…પણ મારા મનમાં કીડિયારાની જેમ ઊભરાતી વતનની સ્મૃતિઓ એકમેકને માટે સાંકડમૂકડ જગ્યા કરી રહી હતી.

ચાંદની. 21-12-1984]

[અમારી  એક  વાર્તા વૃંદાવનમાં નિમાણી થઈને બેઠી છે: “લીલા”

અને બીજી મુંબઈની ભીડમાં અટવાઈ ગઈ છે.: “મુંબઈ ” – ખરેખર મુંબઈમાં કોઈ કોઈનું નથી? વાંચો આ વાર્તા. ]

[ વાર્તા બાબત વધારે વાંચો: વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી ]

  1. November 8, 2009 at 5:52 pm | #1

    વાહ !

  2. November 8, 2009 at 6:42 pm | #2

    હ્રદયસ્પર્શી વાર્તા. સરસ.

  3. Envy
    November 9, 2009 at 5:11 am | #3

    Saras katha and bij pan.
    Manas jem pragati kare che tem pachlu, potanu, sagavad purvak bhulto jay che, karan bahu sarad che…..sagavad tene hathvagi che! Aj vyakti jo teni car ne dhudiya rasta par puncure thay to aj gamadiya ni madad mate ichha rakhe ke nahi!!?
    Aa badha sanatan ane samantar prashno che, jena ukel aghara che pan ashakya to nathi j.

    • November 9, 2009 at 10:12 am | #4

      Envy,
      તમે ખરેખર બહુ જ યોગ્ય ઉદાહરણ આપ્યું છે. તમે છેલ્લે કરેલી વાત સાથે સહમત છીએ.

  4. himanshupatel555
    November 9, 2009 at 7:19 am | #5

    નલિન પંડ્યાએ જ્યારે એમ કહ્યું કે ઘટના અને બનાવ વચ્ચે ભેદ ઉભો કરાય ત્યારે સર્જક વાર્તા રચી શકે, ત્યારે એને કદાચ એવું કહેવું તું કે બનાવ છાપામાં કે પોલિસ સ્ટેશને નોંધાય જ્યારે ઘટના અસ્તિત્વમૂલક સંદર્ભ છે જે સર્જક રચી આપે છે.અહીં સંસ્મૄતિ એ સંદર્ભ લાવે છે.
    જેજેકિશોર જેવા વધારે વિગતે કહી શકે પૂણેકર વિશે કહ્યું છે તેમ–વાહ !ને બદલે !!!!.

    • November 9, 2009 at 10:09 am | #6

      હિમાંશુભાઈ,
      આવી વાત જરૂર પડ્યે કહેતા રહેશો. અમે વાંચીવાંચીને કે જોઈજોઈને શીખેલા છીએ. અમને અભ્યાસ નથી. હજુ પણ અમે માનીએ જ છીએ કે, અમારે ઘણું ઘણું શીખવાનું બાકી છે.
      વળી, વાચકો જે રચનાની ‘વાહવાહ’ કરતા હોય એ જ રચના માટે વિવેચક ‘આહઆહ ‘ કરતો હોય એમ પણ બને છે. એનાથી ઉલ્ટું પણ બનતું હોય છે. અમે બનેંનું મહત્વ સમજીએ છીએ.
      અમારી વાર્તાઓ ‘સાભાર પરત’ થતી હતી ત્યારે અમને પણ સાલું લાગી આવતું હતું. પછીથી સમજાતું હતું કે જે થયું તે બરાબર થયું છે.

      અને હા, વાર્તા પ્રગટ થાય પછી વાચકનો અને વિવેચકનો વારો આવે છે. આ બધી બાબતો પર તમે જ વધારે પ્રકાશ પાડી શકો. જરૂર કશુ લખશો એવી અપેક્ષા છે.

  5. Rajan
    November 9, 2009 at 8:02 am | #8

    Really Heart Touching Story!! Thanks a lot for such story.

  6. November 9, 2009 at 9:41 am | #9

    ખુબ જ સરસ અભિવ્યકિત, સાંકડ-મૂકડ કરીને દૂધમાં સાકર જેમ ભળી જવું અને સાંકડાં ઘર હોય પણ જેના દિલ દરિયા હોય તેવું તો આજે પણ ગામડાં માં જ જોવા મળે. આવી વાર્તાઓ હજુ પણ આપ સંગ્રહી બેઠા હશો અમને તેના વાંચન નો લાભ મળી રહે તે અર્થે આપ સમય કાઢીને બ્લોગ પર મૂકતાં રહો એજ અભિલાષા.

  7. arvindadalja
    November 9, 2009 at 3:05 pm | #10

    સરસ રીતે વાત કહેવાય ગઈ સાંકડ-મૂકડનો સાચો અર્થ બહુ જ સરળતાથી અને સંવેદના સાથે સમજાવી દીધો ! આજના આ આધુનિક યુગમાં સગવડતાઓ ખૂબ વધી રહી હોવા છતાં કોણ જાણે કેમ પળ લોકોના દિલ દિન પ્રતિદિન નાના અને વધુ નાના અને માત્ર સ્વકેન્દ્રિત થતા જાય છે ત્યારે આવા ચોટદાર પ્રંસગો કોઈ કોઈને સત્ય હોવા છતાં દંતકથા જેવા લાગતા હશે !
    અભિનંદન !
    આવજો !
    મળતા રહીશું !
    સ-સ્નેહ
    અરવિદ

  8. November 9, 2009 at 9:12 pm | #11

    પહેલા એક જ ફકરાની ચાર લીટીમાં વાર્તાનો આરંભ અને બીજા ફકરે તો પાયોય નાખી દીધો છે વાર્તાકારે. વાર્તાના કદના પ્રમાણમાં વાતને ગતી આપવાની હોઈ કેટલી સરળતાથી મોટરને (અહીં મોટર એટલે વાર્તાનો પ્રવાહ સમજવાનો) ગામને પાદર પણ લાવી મુકી છે !

    પાદરે જ બરાબર દાખલ થતાંવેંત જ, વાર્તાના વર્તમાનને ભુતકાળ સાથે સાંધનારું પાત્ર પણ હાજર કરી દઈને વાર્તાની બાહ્ય અને અંદરુની બન્ને ગતીઓ સીદ્ધ કરી છે ! વચ્ચેના ગાળામાં ભુતકાળનું દૃષ્ય અને મહેમાનને ગાડીમાં બેસાડતાં લાગેલા સમય વચ્ચે સુક્ષ્મ ગૅપ વર્તાયો છે એટલું જ, બાકી તરતોતરત રાકેશે લીધેલો નીર્ણય, મીત્રને જાણ પણ કર્યા વગર મહેમાનને બેસાડી દીધાની ઘટનાને લીધે પેલો ગૅપ ધ્યાને આવતો નથી.

    ભુતકાળનું વાગોળણ વાચકને અનુસંધાન કરી આપવામાં સરસ ઉપયોગી થયું છે. પણ વચ્ચે પાદર પ્રવેશે જ નાગભાઈનું ધસી આવવું વાચકને (મહેમાનને તાવ હોવાની ખબર ન હોવાથી જ)એમ માનવા પ્રેરે છે કે નાગભાઈ રાકેશને ઓળખી જઈને દોડ્યા આવ્યા છે ! અહીં કંઈક અંશે નાટકની રહસ્યમયતા જોવા મળશે.

    વચ્ચેના ગાળામાં ચાલતાં ચાલતાં થયેલી વાતો લેખકે કહી નથી પણ તે જરુરીય નથી…શું વાતો થઈ હશે તે વાચક સહજતાથી સમજી જાય તેથી એને પણ વાર્તાના લાઘવ માટે લેખકે છાંડી છે.

    સૌથી મજાની વાત તો લેખકે રાકેશને એના મીત્ર સાથે કોઈ પણ ખુલાસો કરવા નથી દીધો અને વાર્તાનો અચાનક અંત આપી દીધો છે ત્યાં વાર્તાની કંઈક અંશે ચોટ અનુભવાય છે.

    છેલ્લે મુકાયેલું વાક્ય સાવ બીનજરુરી જ ગણાય પણ સાંકડમુકડ શબ્દ કીડીયારાના સંદર્ભે મુકીને નાયકના મનમાં ઉભરાતા ભાવોને દર્શાવવાના એક માત્ર ઉકેલ રુપે એમણે પ્રયોજીને એ બીનજરુરી લાગતા વાક્યની સાર્થકતા સીદ્ધ કરી દીધી છે !!

    ફક્ત ‘વાહ’ કહીને જ અટકી ગયા વગર ચાલે એવું નહોતું તેથી વાહે ચલાવ્યું હતું, બાકી લખવાને તો આંગળાં સળવળતાં જ હતાં.

    બનાવ અને ઘટનાને સમજવા માટે તો ભાવ અને તેનું રસમાં પરીવર્તન/રુપાંતર સમજવાની જરુર છે. છાપામાં બને કે જીવનમાં બને તે ઘટના દુઃખ દઈને આપણને ભાવવીભોર કરે કારણ કે તે સાક્ષાત જીવંત બનાવ કે ઘટના હોય છે, ને તેને વારંવાર બનવી આપણને સહન ન થાય. એ જ ઘટના કે બનાવને સર્જર્કનો સ્પર્શ થાય ત્યારે તે રસમાં રુપાંતર પામે છે અને તેથી દુઃખદ હોવા છતાં વારંવાર વાંચવી ગમે છે.

    • November 9, 2009 at 9:55 pm | #12

      શ્રી જુગલકિશોરભાઈ,
      હવે બરાબર. ફક્ત ‘વાહ’ વાંચીને અમને પણ ખટકો તો લાગ્યો જ હતો. એ ખટકો હવે દૂર થઈ ગયો છે. અમને ખ્યાલ આવે છે કે તમે બહુ જ ચીવટથી વાર્તાને તપાસીને રસદર્શન કરાવ્યું છે. એ અમને સારું પણ લાગ્યું.
      અમે થોડા સાવચેત પણ થઈ ગયા છીએ.વાર્તાને બહાને અહીં લાલિયાવાડી નહીં ચાલે એ બાબતનો જરૂરી ખ્યાલ આવી ગયો છે.
      ભવિષ્યમાં આવી જ કાળજી રાખશો એવી અપેક્ષા છે.

  9. November 10, 2009 at 6:40 am | #13

    તમારા ભાવભર્યા લખાણ માટે આભારી છું. પણ એક સ્પષ્ટતાય કરી લઉં ? ‘લાલિયાવાડી’ના ચોકીદાર જેવું કઠોર કામ મને ન ફાવે. સારું લાગે તેનું રસદર્શન કરવું–કરાવવું ગમે છે. પણ ભુલો બતાવવાની હીંમત હવે બહુ નથી. સમયના અભાવે પણ ઘણા બધા બ્લોગની મુલાકાત થઈ શકતી નથી એ મારું દુર્ભાગ્ય છે.

  10. November 10, 2009 at 2:14 pm | #14

    સરસ વાર્તા યશવંતકાકા!

    આ પંક્તિઓમાં વાર્તાને કાવ્યાત્મક સ્પર્શ આપે છે.

    ધૂળ ઉડાડતી મોટર ગઈ. એ ધૂળના ગોટેગોટામાં મને રાકેશનો ધૂંઆપૂંઆ થતો ચહેરો દેખાયો!

    પણ મારા મનમાં કીડિયારાની જેમ ઊભરાતી વતનની સ્મૃતિઓ એકમેકને માટે સાંકડમૂકડ જગ્યા કરી રહી હતી.

  11. November 16, 2009 at 8:31 am | #15

    સરસ અને સ્પર્શે તેવી… કારણ કે કોઈ ને કોઈ સ્વરૂપે આવું લગભગ દરેક વ્યક્તિ સાથે થયું હોય છે. કદાચ પ્રત્યક્ષ અનુભવ ન થયો હોય તો પરોક્ષ તો થયો હોય જ. સંવેદનાની બુઠ્ઠી થયેલી ધારને આવું સાહિત્ય ધાર કાઢી આપે છે, એથી આવી રચનાઓનું બહુજનહિતાય પણ સ્વાગત છે. તમારી કથાના મર્મને શબ્દોમાં વ્યર્થ વાઘામાં લપેટ્યા વગર સરળ અને ટુંકાણમાં રજૂ કરવાની શૈલી – દર વખતની જેમ – ગમી.

  1. No trackbacks yet.