સાંકડ-મૂકડ
મોટરગાડી ડામરરોડ છોડીને કાચા રસ્તા પર દોડવા લાગી ત્યારે રાકેશના ચહેરા પર અણગમાની રેખાઓ ઉપસી આવી. જો કે મારા આનંદનો તો પાર જ નહોતો. હું કેટલાય વર્ષો પછી વતનમાં જઈ રહ્યો હતો. મને તો મોટરમાંથી ઊતરીને ગામ સુધી ચાલીને જવાની ઇચ્છા થઈ આવી; પણ રાકેશની બીકે હું મારી ઇચ્છા મનમાં જ દબાવીને બેસી રહ્યો.
રાકેશ શહેરમાં રહેનારો મારો પિત્રાઈ હતો. સામાજિક કામને લીધે બીજા ત્રણ સંબધીઓને લઈને મારા જ જૂના ગામ જવા નીકળ્યો હતો. સંગાથ માટે મને સાથે લીધો હતો. મોટર એની હતી એટલે ધાર્યું પણ એનું જ થાયને?
નાનકડું વીસાવદર ગામ વીંધીને મોટર નદીનો ઢાળ ઉતરતી હતી ત્યાંજ મેં જોયું કે નાગભાઈ દરબાર હાથ ઊંચો કરીને ઊભા હતા. હું પહેલી નજરે જ એમને ઓળખી ગયો.
“રાકેશ, ગાડી ઊભી રાખ.” મારાથી બૂમ પડાઈ ગઈ. રાકેશે કચવાતા મને ગાડી ઊભી રાખી.
નાગભાઈ દોડીને મોટર પાસે આવ્યા. મારા તરફ તો એમની નજર જ ન પડી. આજીજીભર્યા સ્વરે એમણે રાકેશને કહ્યું: “ભાઈસાબ, મારી હારે મેમાન છે. એને નાનીધારી સુધી બેહાડતા જાવ. એને ખૂબ તાવ ચડ્યો છે એટલે કહું છું.”
“ગાડીમાં જગ્યા જ નથી.” રાકેશે અણગમા સાથે જવાબ આપી દીધો.
“જરા સાંકડમૂકડ બેહાડી દ્યો તો મહેરબાની.”
“આ બળદગાડું નથી.આમાં પાંચથી વધારે ન સમાય.” રાકેશે મજાકભર્યા સ્વરમાં કહ્યું અને મોટર ઉપાડવાની તૈયારી કરી.
….. એ ક્ષણે તો મારી નજર સમક્ષ એક બળદગાડું જ તરવરતું હતું. માફાના રૂપવાળું બળદગાડું![માફો= ઘૂમટ આકારે લાકડાના ઓઠાવાળી છાયા માટે છત્ર રાખેલું હોય એવી ગાડી.] આ જ રસ્તો હતો અને આ જ નાગભાઈ માફો લઈને ગામ તરફ જતા હતા. શનિવારનો દિવસ હતો હું બપોરના સમયે નિશાળેથી છૂટીને ગામ તરફ જતો હતો. ધોમધખતો તાપ હતો. મારા ખભે વજનદાર દફતર હતું. હું બને એટલી ઝડપથી ચાલતો હતો. માફો મારાથી થોડોક આગળ હતો અને એમાં નાગભાઈના પરિવારના સભ્યો બેઠાં હતાં.
માફા સુધી પહોંચીને હું આગળ જતો હતો ત્યાં જ માફામાંથી નાગભાઈની બાના શબ્દો મેં સાંભળ્યા: “અરેરે! આ બળબળતા તાપમાં આ છોકરો શેકાઈ જાશે! એને બિચારાને માફામાં બેહાડી દે.”
“મનેય બેહાડી દેવાનું મન તો થ્યું જ છે પણ તમને ફાવશે?” માફામાં જગ્યા નહોતી એટલે નાગભાઈએ અંદર બેઠેલાં કુટુંબીઓને પૂછ્યું.
“અરે! સાંકડમૂકડ સામી જાશે બિચારો. બેહાડી દે બેહાડી દે.”
“આવતો રે બાપલા આવતો રે. તું આવા તાપમાં હાલીને જાય ઈ અમારાથી કેમ જોવાય?” એમ કહેતાં કહેતાં નાગભાઈએ માફો ઊભો રાખી દીધો હતો. અંદર બેઠેલી બહેનોએ આઘાપાછાં થઈને મારા માટે જગ્યા કરી દીધી હતી.
વર્ષોજૂની એ ઘટના મારી નજરસમક્ષ તરવરવા લાગી! ને….
….. “રાકેશ, ઊભો રહેજે. હું ઉતરી જાઉં છું. તું આ મહેમાનને બેસાડી દે.” મારાથી કહેવાઈ ગયું.
રાકેશની મંજૂરીની રાહ જોયા વગર જ હું મોટરમાંથી ઉતરી ગયો અને નાગભાઈના મહેમાનને બેસાડી દીધા.
ધૂળ ઉડાડતી મોટર ગઈ. એ ધૂળના ગોટેગોટામાં મને રાકેશનો ધૂંઆપૂંઆ થતો ચહેરો દેખાયો!
નાગભાઈ સાથે વાતોમાં રસ્તો કેમ કપાયો તેની તો ખબર જ ન પડી. બહુ વખતે ભેગા થયા હતા એટલે વાતોનો પણ પાર નહોતો.
ઘેર પહોંચ્યો ત્યારે રાકેશના મગજમાં સંતાઈને બેઠેલો ગુસ્સો મારા તરફ કૂદી પડ્યો.
“શી જરૂર હતી એવા ગામડિયા માટે જગ્યા કરી આપવાની? આ જમાનામાં એવા દયાળું ના થવાય. તું પણ સુધર્યો નહીં…. ” રાકેશ બોલ્યે જતો હતો.
…પણ મારા મનમાં કીડિયારાની જેમ ઊભરાતી વતનની સ્મૃતિઓ એકમેકને માટે સાંકડમૂકડ જગ્યા કરી રહી હતી.
ચાંદની. 21-12-1984]
[અમારી એક વાર્તા વૃંદાવનમાં નિમાણી થઈને બેઠી છે: “લીલા”
અને બીજી મુંબઈની ભીડમાં અટવાઈ ગઈ છે.: “મુંબઈ ” – ખરેખર મુંબઈમાં કોઈ કોઈનું નથી? વાંચો આ વાર્તા. ]
વળતા પડકારા