આખું વર્ષ કરો જલસા
બ્લોગજનો. સહુને નૂતન વર્ષાભિનંદન.
હા. નૂતન વર્ષ આવી ચૂક્યું છે. આજની વહેલી સવારથીજ અથવા તો ગઈ કાલની મોડી રાતથીજ નવા વર્ષને વધાવનારા ધડાકા જાણે કહી રહ્યા હતા કે: “જાગો અને નવા વર્ષને વધાવો.” વહેલી સવારે પ્રગટેલા દીવડાઓ જાણે કહેતા હતા કે: ”જૂઓ , અમને ધ્યાનથી જૂઓ અને ટકી રહેવાનું બળ મેળવો.” સઘળી ચિંતાઓને આજના દિવસ માટે હૈયાના ખૂણામાં સંતાડીને શ્રધ્ધા અને ઉમંગથી મંદિરે દોટ મૂકનારા સામાન્યમાં સામાન્ય માણસોને જોઈને જ એમ થાય કે સમાજને જોડનારી સાંકળ હજુ અકબંધ છે. એ વાત સાચી છે કે હળવામળવાનું ઓછું થઈ ગયું છે. એના અનેક કારણો છે. આપણે અત્યારે એની વાત નથી કરવી. પરંતુ જે કાંઈ સચવાયું છે એની કિમત પણ ઓછી આંકવા જેવી નથી.
આજના શુભ પર્વે અમારી પાસે મોટા મોટા સંકલ્પોની યાદી નથી. હા.અમારી ભાવના એવી ખરી કે કે : નવા વર્ષ દરમ્યાન સહુ બ્લોગમિત્રોના બ્લોગ્સ વધુંને વધું ઝગમગે. સહુનાં દીવા સમાન લખાણોમાં સતત પ્રેરણા રેડાતી રહે અને એ લખાણોની વાટ ક્યારેય ટૂંકી ન પડે. સહુના બ્લોગ્સ પર મુલાકાતીઓ સતત ઘંટારવ કરતા રહે અને પ્રતિભાવોના શ્રીફળ વધેરતા રહે. એકે એક બ્લોગ મંદિરનું રૂપ ધારણ કરે અને એ મંદિરોમાં મા શારદાની પૂજા કરવા માટે ક્યારેય કોઈને સામગ્રીની ચોરીચપાટી કરવી ન પડે.
મિત્રો. અસરના ઓટલે શ્રી ચિત્તભ્રમજી મહારાજ પધારી ગયા. આપ સહુને દિઅવાળી અને નૂતન વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી ગયા. રંગલો અને રંગલી પણ સમય કાઢીને ઝલક બતાવી ગયાં અને હરખની વહેંચણી કરી ગયાં.
આજે દૂર દૂર ગિરના ગામડેથી બાપુ અને ભગાએ પત્ર દ્વારા આપ સહુને નવા વરસના રામરામ કહ્યા છે. તેઓએ જે સંદેશા મોકલ્યા છે તે આ પ્રમાણે છે:
બાપુનો સંદેશો:
બલોગના સહુ માયાળુ માનવીઓને આઘે આઘેના મલકથી બાપુના ઝાઝેરા રામરામ, અમે ગામડાના માણહ. તમારા જેવું લખતા નો આવડે .એટલે ઝાઝું તો નથી લખવું. પણ એટલું તો કહેવું જ સે કે જિંદગીમાં ગમે તેવા કપરા દિ આવે પણ હિમત નો હારતા. મારી વાત કરું તો એક જમાનામાં મારી ડેલીનું ખાનું બારે મહિના મહેમાનુંથી હર્યુંભર્યું રહેતું. ને આજે બેહતા વરસ જેવો તહેવાર છે તોય કોઈ ડોકાવાનું નામ નથી લેતું. સમય સમયની વાત સે બાપલા. પણ તોય ટકી રહ્યો સું. ભગો નો હોત તો તો હું કેદુનો મસાણ ભેગો થઈ ગ્યો હોત. તમારો સહુનો પ્રેમ સે એટલે મને અને ભગાને બઉ હૂંફ રહે સે, બસ.વધારે લખતો નથી. પ્રેમભાવ જાળવી રાખજો.
લિખિતન બાપુના રામરામ.
ભગાનો સંદેશો:
ગામડે ગામથી ભગાના રામરામ. આંયા હું અને બાપુ મજામાં સીએ. બાપુને બહુ ઠીક નથી રહેતું. ઉમર થઈ ગઈ સે. વળી એકલા પણ થઈ ગ્યા સે. બાપુનો જ્યારે જમાનો હતો ત્યારે એમણે મારું ખૂબ ધ્યાન રાખ્યું સે. આજે બાપુ તકલીફમાં સે તો મારી ફરજ સે કે મારે બાપુનો ખ્યાલ રાખવો. એટલે કોઈ ગમેતેમ કહે પણ હું બાપુને રેઢા મૂકવાનો નથી. તમે બધાએ દિવાળી ધામધૂમથી ઉજવી હશે. આંયા તો ન્યાંના જેવી રોનક નો હોય. તોય જેટલો થાય એટલો હરખ કરી લઈએ. બસ.વધારે લખતો નથી.કોક દિ આણીકોર ભૂલા પડશો તો અમને ખૂબ ગમશે.
લખિતન ભગો.
તો ફરીથી અમે પણ કહીએ છીએ કે : આજે જ હૈયામાં ઉમંગનું બેલેંસ કરી લો અને પછી આખું વર્ષ કરો જલસા.
અરે વાહ! જીતુ,જશુભાઈ અને નયનાબેન પણ આવી ગયા. એમને પણ મળી લો.
નયનાબેન— સહુને નવા વરસના જય શ્રીકૃષ્ણ. કામકાજના લીધે થોડું મોડું થયું છે તો માફ કરશો. હજી ઘણું કામ બાકી છે. એટલે અમે રજા લઈએ.નિરાંતે મળીશું.
જશુભાઈ— સહુને સાલમુબારક.
જીતુ— મારાતરફથી પણ સહુને સાલમુબારક . આજે અમે ઉતાવળમાં છીએ એટલે જઈએ. પછી નિરાંતે મળીશું. ત્યાં સુધી કરો જલસા.
happy diwali & happy new year !!
http://foryouworld.wordpress.com/