Archive

Archive for July, 2009

સંભારણાં

સાંજે મંદિરમાં દર્શન કર્યાં પછી પાળી પર બેઠો ને નજર હવાથી લહેરાતાં લીલાં ઘાસ પર ગઈ. જાણે સાક્ષાત પ્રભુ  પારણે ઝૂલતા  હતા. મનને ટાઢક વળી. દિવસભરની કડવી પળોની યાદો પર લીલાશનું મોજું ફરી વળ્યું.

મન ઊડતું ઊડતું નાનીધારી ગામની ટેકરી પર ચકારાવા લેવા માંડ્યું. કેટલું નસીબદાર એ ગામ કે જેણે  આવી ટેકરીની ગોદમાં જન્મ લીધો છે. લાંબી અને ઊંચી ટેકરી. પૂજારીનાં કપાળે દોરેલાં તિલક જેવી. ગામના એક છેડેથી લઈને બીજા છેડા સુધી લાંબી. ટેકરીની આ બાજુથી પાછા ફરો તો સપાટ પ્રદેશ આવે અને પેલી તરફ આગળ વધો તો ગીરના જંગલ તરફ જવાય. ટેકરીની  વચ્ચેથી એક રસ્તો ટેકરી ચડીને પેલી તરફ ઉતરી જાય. ટેકરી પર  ગામને  ખાતર ખપી ગયેલા બહાદુરોની ખાંભીઓ.  ત્યાંથી જ થોડે દૂર પીરનો કોઠો. કોઠા પર  ઊંચે ઊંચે ફરકતી લીલી ધજા.

આ  ઋતુમાં તો  આખી ટેકરી લીલીછમ  થઈ ગઈ હશે. વરાપ હશે તો વાછડાં ને બકરાં   ઢાળે ઢાળે ચરીને  ધરાયાં હશે. હવે ઘર તરફ  પાછાં ફરી રહ્યાં હશે. હાથેપગે ખેતરની માટી અને ફેફસામાં વગડાની હવા ભરીને ખેડૂતપૂત્રો ટેકરીની વચ્ચેથી ઘર તરફ આવી  રહ્યા હશે. હવે ગામમાં આવીને તેઓ ગિરમાં કેવોક વરસાદ છે એની વધામણી દેશે. ટેકરી પરથી  પસાર થઈને ગામ તરફ આવી રહેલી યુવાન કન્યાઓની ઓઢણીઓ   વિજયપતાકાની માફક હવામાં ફરકતી હશે. …અને   ઊડી ઊડીને થાકેલાં પતંગિયાં, એ કન્યાઓની ઓઢણીઓ  પર થોડોઘણો પોરો ખાઈ લેતાં હશે.  થોડીવારમાં તો તેઓ  કોઈ છોડને આશરે રાતવાસો કરવાની તૈયારી કરી દેશે.  રખડતાં રખડતાં ટેકરીની પેલે પાર  પહોંચી ગયેલાં ટાબરિયાઓ   કિકિયારી કરતાં કરતાં  ટેકરીએથી  ગામ તરફ સીધી દોટ દોટ મૂકી દીધી હશે. વગડેથી પાછું ફરી રહેલું ધણ  ટેકરીના નદી તરફના છેડેથી ભાં..ભાં… ના પવિત્ર નાદ કરતું ગામમાં પ્રવેશી રહ્યું હશે.  પીરના કોઠે પ્રગટાવેલા ધૂપની ગંધ વગડાની હવામાં ભળીને ગામ તરફ ફેલાવા લાગી હશે.  શંકરના મંદિરની ઝાલરનો ધ્વનિ હરકોઈને ગામભેગા  થવાની ઉતાવળ કરાવતો હશે.

દાડિયું કરીને  થાકેલી  બાયુંની સાથે સાથે સાંજ પણ  ગામ ભેગી થશે.  દેવીના ચરણોમાં મૂકેલી આરતીની થાળીઓ જેવાં ઘરોમાં હવે દીવાઓ  પ્રગટશે. થોડીવારમાં તો  ટેકરી અંધારાની કાળી ગોદડી ઓઢી લેશે. … અને હું   આ શહેરમાં બેઠો બેઠો  કમ્પ્યૂટરના  સરોવરમાં  ટેકરીનાં સંભારણાં વહેતાં મૂકવાની રમત રમતો હોઈશ.

વારતા તારાં પાંચ પાંચકડાં ગાવી

[હે બ્લોગજનો.અસરના ઓટલે આજે ફરીથી આપ સૌને આવકારો આપતા અમને હરખ થાય છે. આજે રંગલો અને રંગલી પાંચકડાં ગાશે. પાંચકડાં માત્ર વાર્તા બાબતનાં જ હશે. કારણ કે રંગલાને જાણવું છે કે વાર્તા કેવી હોવી જોઈએ. અથવા તો કેવી ન હોવી જોઈએ.  આપને અમારો આ પ્રયોગ ગમશે એવી આશા રાખીએ છીએ.]

રંગલો— હે… શ્રાવણ સરીખો મહિનો ને ઉમંગનો નહીં પા…ર

પણ  મારી વહાલી વહાલી વહાલી … રંગલીને આવતા  લાગી વાર.

હે… ભોજન વગર જોર..  જેમ અંગમાં આવે નઈં

એમ રંગલી વગર આ રંગલો…  રંગમાં આવે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

[રંગલીનો પ્રવેશ]

રંગલી— હે… શ્રાવણ સરીખો મહિનો ને રંગલાને ચડે જો..ર.

રખડવા નીકળી પડે.. જાણે હરાયું ઢોર.

હે.. રખડી રખડીને થાકે  પણ વારતા  મળે નઈં

કેમેય કરીને આ રંગલાની જાતરા  ફળે નઈં

તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલો— [ગળગળો થઈને]રંગલી. તું જ આવું બોલે તો પછી આ બ્લોગજગતમાં રહ્યું શું? નથી ગઝલ  લખાતી… નથી ગીત લખાતાં… લેખમાં ઘોબો પડ્યો…લઘુકથામાં લોચો પડ્યો. મારે લખવું શું? મને થયું કે વારતા લખવી સહેલી છે. નગરમાં ફરીએ… આંખકાન ઉઘાડા રાખીએ ને વારતા  ગોતીએ. ક્યાંય નજરે ચડે તો પકડીને પૂરી દઈએ બ્લોગની પોસ્ટમાં. ને પછી તો કૉમેન્ટ  ઉપર કૉમેન્ટ! … વાહ વારતા  વાહ! વાહ રંગલાભાઈની વારતા! યુ આર એ ગ્રેટ રાઈટર! … રંગલાભાઈ આવી જ વારતાઓ  લખતા રહો… લખતા રહો…. લખતા રહો…

રંગલી— એ એ રંગલા. ધોળે દહાડે સપનાં જોવાનું છોડ અને વાસ્તવિકતાનો સ્વીકાર કર કે વારતા  રચવી સહેલી નથી.

રંગલો— એમાં શું ધાડ મારવાની? આ લખાય જ છેને ઢગલાબંધ વારતાઓ! જે કાંઈ વારતાલાયક બનાવ નજરે પડ્યો એ ઉપાડી લેવાનો… એમાં લાગણીનો ઘડો ઢોળી દેવાનો… એમાં હાસ્ય,વ્યંગ,કરુણા,વીરતા વગેરેના રસ ઉમેરવાના… સંવાદો વડે વલોવવાનો..આથો આવ્યા ભેગો  પ્રેરણાના તાપે બાફી નાખો એટલે સરસ મજાની વારતા  તૈયાર! બોલો  લોકપ્રિય વાર્તાકાર રંગલાભાઈની  જે…

રંગલી— જો એવું જ હોય તો તમારી વારતા  વાંચે કોણ? છાપાં જ ન વાંચે? છાપાંવાળાં પણ  હવેતો કોઈપણ ઘટનાને લાડ લડાવીને રજૂ કરે જ છેને?ટીવી તો એનાથી પણ ચડે! પણ રંગલા તું કહે છે એ રીતે વારતા નથી પીરસાતી! વાતો પીરસાય છે વાતો!

રંગલો— તો  વારતા   કઈ રીતે પીરસાય એ કહેને?

રંગલી— ભલભાલા વાર્તાકાર નમ્રતાથી એમજ કહેતા હોય છે કે “અમે સારી વારતા  રચવાના  પ્રયાસો કરતાં રહીએ છીએ” તો વારતા  બાબત કહેવાનું મારું ગજું કેટલું?

રંગલો— સાવ નાખી દેવા જેવી વાત ના કર. મને આજે વારતા  બાબત તારા મોઢેથી વાણી સાંભળવાની તરસ લાગી છે. બોલ રંગલી બોલ. વારતા  કેવી હોય અને કેવી ન હોય એ બાબત બોલ.

રંગલી— બોલીશ નહીં પણ ગાઈશ. એ પણ પાંચકડાં રૂપે.

રંગલો—- [કૂદકો મારીને] પાંચકંડાં???? શું વાત કરે છે મારી રંગલી! વરસો થઈ ગયાં પાંચકડાં ગાયાંને! ઝટ  કર.. ઝટ કર… મારાથી નથી રહેવાતું!.. હરિ તારાં પાંચ પાંચકડાં ગાવી … પરભુજીના ટાંટિયે વળગી જાવી…

રંગલી— તો થઈ જાય આજે અસરના ઓટલેથી વારતા  બાબત પાંચકડાંની સૌ પ્રથમ રજૂઆત…

[રંગલી પાંચકડાં રજૂ કરે અને રંગલો સાથ આપે.નાચતાં જાય અને ગાતાં જાય]

રંગલી— હે ક્યાં ગઈ વારતા…  ને ક્યાં ગયા ભાભા?

રૂડી રૂપાળી વારતાને … આ કોણ પહેરાવે  ગાભા!

રંગલો—માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે વારતાનાં  લખનારાં… મળે છે અને…ક

વારતાના ઘડનારાં… સોએ મળે એક .

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે હૈયામાં ન હોય હે…ત  તો વારતા મળે નઈં

ભટકી ભટકીને થાકી જા..વ પણ જાત્રા ફળે નઈં.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે …પ્રેમ કર્યો થાતો  નથી … થઈ જાય છે જે..મ

વગર ગોત્યે  વારતા … મળી જાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… શ્વાસ પછી શ્વા…સ  લેવાય છે જે… મ

વારતામાં વા…ત  કહેવાય છે એ..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ઘટનાઓ ગોઠવી દીધે … વારતા જામે નઈં

તરસ્યા રહી જાય  ભાવકો… વારતા પામે નઈં

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે નાજુક નમણી વારતા..  એને હોવો ઘટે શણગા…ર.

જો રાખ્યો નો હોય વિવે..ક  તો એનોય લાગે ભા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…  શણગારના ભારથી… વારતા વાંકી  વળી જા…ય.

પોતાનાં જ જુલમ કરે… તો કોને  કહેવા જા..ય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાંબી લાંબી વારતા…ને અંતનું નઈં ના..મ

માંડ  માંડ  અરધે પોગ્યા… સાંભર્યા શ્રી રા..મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. લાગણીના લપેડા… ને રજૂઆતમાં નઈં ધડો..

વારતાનાં  ખોળિયાંમાં…  ક્યાંથી પેઠો સડો.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… રૂડાં ને રૂપાળાં… હોય પાત્રોનાં ના…મ.

ચાંપલું ચાંપલું બોલવું… એ જ  એનું  કા…મ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…સોનાની થાળીમાં….. જેમ લોઢાની મે…ખ

જરૂર વગરની કોઈ વાતનો …એમ  વારતામાં ઉલ્લેખ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે…ટૂંકી હોય કે લાંબી હો…ય  વારતા મજાની હો..ય

દોટ વાર્તાકારની … પોતાનાં ગજાની હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..  વહેતી નદી જેવા …વારતામાં વળાંક  હો..ય

રંગના કુંડા નઈં…  છાંટા જરાક હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે..વાચકો પર છોડવી પડે… સમજવા જેવી વા…ત

ચતુર હશે તે પારખી જશે… શબ્દો કેરી ભા…ત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… મૂકે પણ વાગે નઈં…. વારતાને અંતે ચો…ટ

વાર્તાકાર  છેવટે … ખાય છે મોટી ખો..ટ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. વાચકોની નાડને …જેને પારખવાના હોય  કો…ડ

એણે પાડવો પડે … જાતસંગાથે  તો…ડ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી

હે…આલિયો લખેને .. માલિયો વખાણે…

મલક શું કહે છે.. એ ઉપરવાળો જાણે.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. ચા કરતા કીટલી…  ગરમ હમેશા  હો..ય

લેખક કરતા વાચક… નરમ ક્યાંથી હોય.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. સમજાવી શકાય નઈં …વારતા ઘડવાની   રી..ત

શીખનારા શીખી જશે…જેને  હશે  વારતાથી પ્રીત.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે… વારતા પણ છે મજાનો.. સાહિત્યનો પ્રકા..ર

બ્લોગજનો તમે આપજો… એને અઢળક પ્યા…ર.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

હે.. રંગલો રંગલી વિનવે …રાખજો એટલું  યા..દ

વારતા વાંચ્યા પછી … વળતો દેજો સા..દ.

માડી તારાં પાંચ પાંચકડાં ગાવી…

વારતાજીના ટાંટિયે વળગી જાવી.

[પાંચકડાં બાબત વિશેષ માહિતી : http://www.readgujarati.com/sahitya/?p=3834 ]

વાર્તા અને વાતો [2]

મિત્રો, ગઈ કાલના  લેખ ના અંતે અમે  સવાલ કર્યા હતા કે  વાર્તાના તત્વ કે બીજ કે idea  ની ચોરી એ ચોરી ગણાય?  ભેળસેળના જમાનામાં આવી વાતો સાથે કોને નિસ્બત હોય?

વિશ્વાસ સાથે જ અમે લખ્યું પણ  હતું કે હોય હોય અને હોય!  કોને હોય એની વાત આજે કરવાની છે.

લેખના  પ્રતિભાવમાં ગાંધીનગરથી  એક યુવાન વાર્તાકાર   Nishit Raval જે લખે છે એમાં  આવા સવાલોના જબવાબો આવી જાય છે.

યશવંતભાઈ…
વાર્તાનું બિજ “હવે” નવું જ લાવવું ખૂબ મુશ્કેલ છે એમ હું માનું છું.હું પણ થોડું-ઘણું લખી લેવાનો શોખ ધરાવું છું…(http://maarikalpanaa.blogspot.com/)એટલે મને આ ખબર છે…દરેક વાર્તાનું બીજ બીજી કોઈ વાર્તા,ફિલ્મ કે એવા કોઈ બીજા સ્ત્રોત પરથી જ મેળવાયેલું હોઈ શકે છે…પણ એ જો અલગ રીતે કહેવામાં/લખવામાં આવે તો અલગ જ અસર થઈ શકે છે…અને એ જ મહત્વનું છે.હું જ્યારે કોઈ વાર્તા લખું છું ત્યારે મારા મગજમાં કેટલાય પિક્ચર્સનાં સીન પસાર થતા હોય છે…પણ એ બધા પ્લોટ્સને હું કઈ રીતે મારી વાર્તામાં બેસાડું છું અને પ્રેરીત બીજ હોવા છતાં લોકોને શું નવો અનુભવ આપું છું એ અગત્યનું છે…

અમે ખુશ થઈ ગયા. તરત જવાબ આપવાની ઇચ્છા થઈ આવી. પણ એ પહેલાં એમના બ્લોગની મુલાકાત લેવાનું ઠીક લાગ્યું.  અને આજે અમે એમને જે જવાબ આપ્યો એ પણ આપે વાંચ્યો હશે. ફરીથી વાંચો:

Nishit, સરસ. તમારા બ્લોગની મેં મુલાકાત લીધી હતી.મને  ….  ”ભાઈ છેવટે હું નાચ્યો ખરો… “  http://maarikalpanaa.blogspot.com/2009/04/blog-post.html એ લેખમાં મજા પણ પડેલી. કૉમેન્ટ લખેલી પણ મોકલી ન શકાઈ. પણ મારા પરિવારમાં મેં એ મજા વહેંચી લીધી હતી. કાલે જ તમને જવાબ આપવાનો હતો. પણ એ પહેલાં તમારા બ્લોગની સફર કરી ને પછી મોડું થઈ ગયું હોવાથી વાત આજ પર રાખી.
તમે ભલે હજી થોડું લખ્યું હોય પણ સારું અને અનોખું લખ્યું છે. કમાલનું લખો છો અને લખશો. તમે જે મુદ્દા પર વાત કરી છે એ મારા મનમાં ગઈકાલ સવારથી જ રમે છે. એ ચર્ચા લાંબી થાય એમ છે એટલે હવે પછીના લેખમાં જ એને સ્થાન આપું છું. પણ ફરીથી કહું તો તમારે વાર્તા સાથે નિસ્બત છે જે આનંદની વાત છે.

… હવે અમે ગઈ કાલે સવારે  બીજા એક વાર્તાકારની જે  વાર્તા વાંચી હતી એની વાત કરીએ.  એ વાંચ્યા પછી તો અમને વાર્તા બાબત વાતો કરવાનું મન થયું. એ વાર્તા અમે વાંચી અને અમને વર્ષો પહેલાં જોયેલું એક નાટક યાદ આવી ગયું. અમને એમ જ લાગ્યું કે જાણે વાર્તાકારે એ નાટક પરથી જ વાર્તા લખી છે. વિષય,પાત્રો, સંવાદો, પાત્રોનું વર્તન, અંત … એ  બધામાં સમાનતા! માત્ર સ્થળ જુદા જણાયાં.

શું વાર્તાકારે નાટક પરથી પ્રેરણા લીધી હશે? પ્રેરણા કેટલી લેવાય? કેવી રીતે લેવાય? કદાચ વાર્તાકારે નાટક ન પણ જોયું હોય!  આ બધી સમાનતા  આકસ્મિક પણ  હોઈ શકે!

પણ ધારો કે એ  વાર્તાકારે નાટક પરથી પ્રેરણા લીધી હોય તો એ પોતાના તરફથી નવી રીતે રજૂઆત કરવાની મહેનત નથી કરી શક્યા એમ કહી શકાય.

એ રીતે જોઈએ તો નિશિતની વાત બરાબર લાગે છે કે નવું વારંવાર લાવી ન શકાય પણ એકની એક વાત જુદી રીતે રજૂ કરી શકાય અને એ પણ લોકોને નવો અનુભવ લાગે એ રીતે.

એટલે કે વાર્તાકાર ‘ શું કહે છે’ એ તો મહત્વનું હોઈ શકે પણ   એથી વિશેષ  ’એ કેવી રીતે કહે છે’  એ મહત્વનું ગણાય. આપણે જોઈએ છીએ કે સારા દિગ્દર્શકો એક સામાન્ય વાતને કેવા અનોખા ઢંગથી રજૂ કરીને પોતાની છાપ છોડે છે. વાર્તાકાર પણ સામાન્ય લાગતી વાતને પોતાની આગવી રીતે રજૂ કરે છે. એ માટે પોતાની સૂજ કામે લગાડે છે.  જો વાર્તાકાર પોતાનો કસબ યોગ્ય રીતે ન દાખવી શકે તો ગમે તેવું વાર્તા-તત્વ પણ વેડફાઈ જાય.એથી ઉલ્ટુ સામાન્ય લાગતી વાતને સારો  વાર્તાકાર પોતાનો કસબ દાખવીને રંગત લાવી દેતો હોય છે.

આપ મિત્રો જો Nishit Raval ના બ્લોગની મુલાકત લેશો તો ખ્યાલ આવશે કે  વાર્તાકાર ક્યાં અને કઈ રીતે પોતાનો કસબ દાખવે છે.

આજે આટલું.  તો ” આવી વાતો સાથે કોને નિસ્બત છે ?એ સવાલના જવાબમાં  કહી શકાય કે નિશિત જેવા અનેક  વાર્તાકારોને નિસ્બત છે  આ બધી વાતો સાથે.

પણ  આ વાતો હજી અટકવાની નથી.  ફરી મળીશું ત્યારે … આજે જલસા કરો.

વાર્તા અને વાતો

બ્લોગજનો…પવિત્ર શ્રાવણ મુબારક.હવે વાતાવરણ વધારે ભક્તિમય,ઝાલરમય,આરતીમય,સંગીતમય,વ્રતમય,કથામય,પ્રસાદમય,ઉપવાસમય,ફરાળમય…થતું જશે!આમ તોઅષાઢથીજ કુદરતી અને સામાજિક વાતાવરણ બદલાવા લાગે! પણ શ્રાવણમાં તો સપાટો બોલી જાય…જેમ ખાબોચિયાંમાંથી નાની નાની દેડકીઓ બહાર ફરવા નીકળી પડે એમ ચોપડીઓ કે કેસેટ્સમાં પુરાયેલી વ્રત કથાઓ જનસમુદાયમાં ઉમટી પડે! …એક કાળે એક ગરીબ બ્રાહ્મણ હતો…. એક રાજા હતો… એક દુ:ખી   બાઈ હતી… વાર્તા,વાર્તા અને વાર્તા. વાર્તા રે વાર્તા .. ભાભો ઢોર ચારતા!

એ પણ કેવા સંજોગો છે કે  સવારથી જ અમારા મનનો કબજો પણ વાર્તાએ જ લઈ લીધો છે. વાર્તા… ટૂંકી વાર્તા… નવલિકા… જે કહો તે. એ બાબત વિદ્વાન વાર્તાકારોએ ખૂબ કહ્યું છે. ખૂબ ચર્ચાઓ થઈ છે.  જેમ કે:

-વાર્તાની વ્યાખ્યા હોઈ શકે? … વાર્તા કેવી હોવી જોઈએ? કેવડી હોવી જોઈએ? આદિ,મધ્ય,અંત હોવા જોઈએ? કૂતરાની વાંકી પૂછડી જેવો અંત  જરૂરી છે? એ ચરબીવાળી હોઈ શકે કે પાતળી પરમાર જેવી જ હોવી જોઈએ?

-ગીત કે ગઝલમાં જેમ આંગળી મૂકીને કહી શકાય કે અહીં લય કે છંદ તૂટે છે એમ વાર્તા માટે કહી શકાય કે ક્યાં કશું તૂટે કે ખૂટે છે?

-વાર્તાકાર કશું કહેવા માંગતો હોય  કે બોધ આપવા માંગતો હોય એ હંમેશા જરૂરી છે?  વાર્તા પર બોધનો ભાર નખાય?

- વાર્તાના જૂની,નવી કે આધુનિક એવા પ્રકારો પડી  શકાય?

-વાર્તામાં નવું હોવું જ જોઈએ? નવું ક્યાંથી લાવવાનું?  ’મહાભારત ‘ કે અન્ય ગ્રંથોમાં ન હોય એવું વાર્તાનું તત્વ કે બીજ લાવવું શક્ય નથી! તો વાર્તાકાર માટે ‘શું કહેવું ‘ એ સવાલ રહેતો નથી પણ ‘ કેવી રીતે કહેવું’   એ મુખ્ય સવાલ  છે. એ જ એનું મુખ્ય કામ છે?

…… આવા અનેક મુદ્દાઓ છે. બધા વાર્તાકારો આવા મુદ્દાઓને  જાણ્યે અજાણ્યે ધ્યાનમાં રાખતા હશે? વીસેક વર્ષો પહેલાંની વાત જૂદી હતી. સામયિકોના સંપાદકો  પોતાના માપદંડોનું  પાલન ન કરતી વાર્તાઓને બેધડક ‘સાભાર પરત ‘ કરી દેતા હતા.વાચકો પણ એટલા બધા ચકોર હતાં કે  બેઠ્ઠી નકલ તો પકડી પાડે પણ  કોઈ વાર્તામાં થોડોઘણો ફેરફાર સાથેની  બીજી વાર્તા પ્રગટ થઈ હોય તો એ પણ પકડી પાડતા.’ વાર્તાકારે વાર્તાનું બીજ  ફલાણી વાર્તામાંથી ઉપાડ્યું છે’ એવા આક્ષેપો થતા. એ દિવસોમાં મહેનત કરવામાં માનનારા નવોદિત લેખકો સંપાદકને વાર્તા મોકલતા પહેલા ઘણો વિચાર કરતા. ‘સાભાર પરત ‘ ની તૈયારી રાખતા. ખૂબ ખૂબ વાંચતા, શીખતા અને આગળ વધવાની ખેવના રાખતા… છતાંય ભલભલાને આંખે પાણી આવી જતાં.

…. આપણા વિદ્વાન વાર્તાકારોને  પણ કસોટીની એરણે ચઢવું પડતું ! એમની વાર્તાઓના પણ છોતરાં નીકળતાં.સંપાદકે મજબૂરીના કારણે કે શરમે ધરમે જાણીતા વાર્તાકારની નબળી વાર્તા છાપી હોય તો અવલોકનકાર એમને છોડતો નહોતો. નવોદિતો માટે ચઢાન કપરાં  હતા. પણ એમાંથી જે પસાર થયા છે એમનામાં  એક પ્રકારની સ્વ્યં શિસ્ત પણ જોવા મળશે.

તો બ્લોગમિત્રો, આજે બ્લોગજગતમાં શું હાલત છે? જ્યાં કોપી-પેસ્ટ ને કે બેઠ્ઠી નકલની પ્રવૃત્તિને પણ હળવાશથી લેવાતી હોય કે હક માનવામાં આવતો હોય  ત્યાં વાર્તાના તત્વ કે બીજ કે idea ની ચોરી એ ચોરી ગણાય ? ભેળસેળના  જમાનામાં આવી વાતો સાથે કોને નિસ્બત હોય?

હોય! હોય ને હોય ! કોને હોય એની વાત ક્યારેક કરીશું.

જલસા કરો.

કંસારને બહાને થૂલી

રંગલી — [ગાય]

હે…અસરના ઓટલે આવી ઊભી ને  રંગલી જૂએ વા…ટ

સૂનું સૂનું સઘળું લાગે ને સૂની હૈયાની હાટ

હે… ઘડિયાળના કાંટા ભાગે … હજુ મારો રંગલો  ન  આવે… હે ઘડિયાળના કાંટા ભાગે ..

રંગલો — [ગાતો ગાતો આવે]

હે… ભાગું તો મારો બ્લોગ લાજે ને લાજે બ્લોગનું થી… મ

મારા બ્લોગને રમતો રાખવાનું મેં  તો લીધું છે નીમ.

હે… રંગલી તારો રંગલો આવે .. નવી નવી વાતો લાવે… હે… રંગલી તારો રંગલો આવે…

[રંગલો ‘રંગલી તારો રંગલો આવે ...’ એ એકની એક પંક્તિ ગાતો જાય ને ગોળ ચક્કર મારીને નાચતો જાય.]

રંગલી — આજે તો  રંગલા તું કાંઈ બહુ ખુશ છે ને?

રંગલો — હોઈએ જ ને. ખુશ રહેવું એ અમારો પણ અધિકાર છે.

રંગલી — માન ન માન. આજે કાંઈ નવાજૂની થઈ લાગે છે.

રંગલો — થઈ ગઈ છે મારી રંગલી. નવાજૂની થઈ ગઈ છે.

રંગલી — શું થયું છે એ તો કહે.

રંગલો — સાંભળ. [બાલગીત ગાતો હોય એમ]

મારી વર્ષોની મહેનત ફળી છે. મને એક મજાની કૉમેન્ટ મળી છે.

મને એક મજાની કૉમેન્ટ મળી છે…. મને  એક  મજાની કૉમેન્ટ  મળી છે.

રંગલી — શું વાત કરે છે રંગલા! મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. [ગાય]

બાર બાર દિન યે આયે… બાર બાર રંગલી યે ગાયે

હેપ્પી કૉમેન્ટ ડે ટૂ.. યુ,  હેપ્પી કૉમેન્ટ ડે ટૂ.. યુ,  હેપ્પી કૉમેન્ટ ડે ટૂ…   રંગલા.

રંગલો — મારા બ્લોગજગતના ઇતિહાસમાં આજનો  દિવસ સુવર્ણ અક્ષરે લખાશે.

રગલી — વાહ. એવી તે કેવી કૉમેન્ટ મળી છે? ક્યાંથી મળી છે?

રંગલો — કૉમેન્ટ મળી છે દૂર દેશાવર અમેરિકાથી. રિસ્કીબેને કરી છે.

.રગલી — વાહ રિસ્કીબેન વાહ! શું લખ્યું  છે તમારાં  રિસ્કીબેને કૉમેન્ટમાં?

રંગલો — લખ્યું છે કે – યોર ગઝલ ઈઝ વેરી નાઇસ!

રંગલી — એટલે? તેં તારા બ્લોગ પર ગઝલ મૂકી પણ દીધી?

રંગલી — ના ભાઈ ના. ગઝલ અને ગીત પર હજી મારો હાથ જ ક્યાં બેઠો છે?

રંગલી — તો પછી?

રંગલો — મેં તો એક નાનકડી લઘુકથા મૂકી હતી. બિલકુલ હાથબનાવટની. તારા સોગંદ! કૉપી નથી મારી.

રંગલી — પણ તો પછી આ- યોર ગઝલ ઈઝ વેરી નાઇસ ક્યાંથી આવ્યું?

રંગલો — આવે એ તો. રિસ્કીબેનને એમ કે આ ગઝલ કહેવાય.

[રંગલી ખડખડાં હસીને બેવડ વળી જાય]

રંગલી — વાહ રંગલા વાહ. કેવી હશે તારી લઘુકથા? ને કેવા હશે એ રિસ્કીબેન? [ફરીથી હસે]

મને એમ થાય છે કે રંગલા. એમને લઘુકથા અને ગઝલ વચ્ચે કશો ફરક કેમ ન લાગ્યો?

રંગલો — એમાં સાવ એમનો વાંક કાઢવા જેવો નથી. મારી લઘુકથા દસબાર લીટીનીજ હતી. ગઝલ પણ મોટાભાગે દસબાર લીટીનીજ હોય છે ને?

રંગલી — એનો મતલબ એ કે દસબાર લીટીનું હોય એ બધું ગઝલ કહેવાય! વાહ આ તો ગઝલની નવી વ્યાખ્યા! એક કામ કર રંગલા. એ બેનની ભલે ગેરસમજ થઈ. કદાચ બીજાની  ગઝલ પર કૉમેન્ટ કરવા ગયા હશે ને તારી લઘુકથા પર થઈ ગઈ હશે. એમની કૉમેન્ટ તું સુધારી લે. “યોર લઘકથા ઈઝ વેરી નાઇસ” એવું કરી નાખ.

રંગલી — ના રંગલી ના. સાત ખોટની એ કૉમેન્ટમાં સુધારો કરું તો રિસ્કીબેનને બિચારાંને અપમાન જેવું ન લાગે? એના કરતાં મેં બીજો જોરદાર રસ્તો અપનાવ્યો છે.

રંગલી — કેવો?

રંગલો — મેં જ મારી લઘુકથાને ગઝલ માની  લીધી છે અને એના શીર્ષકમાં સુધારો કરીને ગઝલ કરી નાખ્યું છે.

રંગલી — આવું ના કરાય રંગલા. આવું ના કરાય. [કપાળ કૂટીને] હે..ભગવાન. આ લોકો ક્યારે સુધરશે?

રંગલો — આ જ વાંધો છે તમારાં  જેવાંનો.

રંગલી — અમારાં જેવાં? એટલે?

રંગલો — તમારા જેવા લેખકો, કવિઓ સાહિત્યકારો. જે લોકો  પોતાની જાતને મહાન સમજે છે. બ્લોગજગતને પોતાનો ઈજારો સમજે છે. પોતે જે માને છે એજ ખરું એમ માને છે. ને વારેવારે બીજાના લખાણોની ટીકા કરતા ફરે છે. હું એમ કહું છું કે બીજાને સુધારવાનો તમે ઠેકો લીધો છે?

રંગલી — જો રંગલા. આ તારી આડવાઈ છે.

રંગલો — આડવાઈ તમારી જેવા બની બેઠેલા સાહિત્યકારોની છે. જે એટલું નથી સમજતાં કે  કોઈએ પોતાના બ્લોગમાં શું લખવું… કેવું લખવું એ નક્કી કરવાનું કામ તમારું નથી. સૌને પોતાનો બ્લોગ બનાવવાનો અધિકાર છે. એના પર તરાપ મારવાની વાત ખોટી છે.

રંગલી — પહેલી વાત તો એ કે હું કોઈ મોટી સાહિત્યકાર નથી. પણ હા, સાહિત્યના પંથની પ્રવાસી જરૂર છું. અને મને એનો ગર્વ છે. હવે રહી તરાપ મારવાની વાત. તો કહોજી. કોણે તમને બ્લોગ બનાવતા રોક્યા?

રંગલો — રોક્યા તો કોઈએ નથી. પણ અમારાં લખાણ માટે વારે વારે ટોક્યા કેમ કરો છો? નથી બોલતા એટલે કાંઈ પોચું ભાળી ગયા છો?

રંગલી — પોચું ભાળવાની વાત નથી. પણ જે કહેવા જેવું હોય એ તો કહેવું પડેને? માનવું કે ના માનવું એ તમારાં મનની વાત છે.

રંગલો — પણ શા માટે કહેવું પડે? તમને એ અધિકાર આપ્યો કોણે?

રંગલી — તો આજે તું પણ સાંભળી લે રંગલા. કાન બરાબર સાફ કરીને સાંભળી લે. બ્લોગ લખવો  ને જાહેરમાં મૂકવો એ  આપણો અધિકાર છે તો એ બ્લોગને જાહેરમાં મૂક્યા પછી એ બ્લોગ બાબત બીજા કોઈને સારાં નરસાં મંતવ્યો આપવાનો પણ અધિકાર છે. અરે એ જ તો એની મજા છે.  એ મંતવ્યો  આપણને ન  ગમતાં હોય તો આપણા બ્લોગ પર એને મંજૂર ન  કરીએ. પણ કોઈ  પોતાના બ્લોગમાં બીજાના  બ્લોગ્સનાં નામ લીધા વગર પણ બ્લોગ કેવા હોવા જોઈએ એ બાબતની ચર્ચા પણ ન  કરી શકે એવો આગ્રહ રાખવો એ ક્યાંનો ન્યાય? આ તો છાશ લેવા જાવું ને દોણી સંતાડવા જેવી વાત છે. પોતે પોતાના બ્લોગ પર જે ફાવે તે લખી શકે તો પછી બીજાને પણ એવો જ અધિકાર ખરો કે નહીં?

રંગલો — પણ કોઈ પોતાના નિજાનંદ માટે  લખતો હોય તો? બીજા કોઈએ શા માટે એના બ્લોગ માટે વગર જોઈતું ડહાપણ કરીને કશું લખવું જોઈએ?

રંગલી — [હસીને  અને લહેકો કરીને] નિજાનંદ!!! અરે ભાઈ શાનો  નિજાનંદ? આ નિજાનંદ તો હાથમાં આવી ગયેલો દંડુકો છે જે કેટલાક  લોકો  ટીકાકારોને દૂર રાખવા ફેરવ્યા કરે છે. બધાં બીજાને આનંદ આપીને પછી પોતે આનંદ પામવા માટે લખે છે. અને જો ખરેખર કોઈ નિજાનંદ માટે લખતું હોય તો એણે એનો બ્લોગ PUBLISH કરવાને બદલે DRAFT માં જ રાખવો જોઈએ. પોતે જ પોતાનો બ્લોગ વાંચે ને વાહ વાહ કરે. પોતે જ પોતાનો વાંહો થાબડે ને નિજાનંદ માણે. પોતાનો બ્લોગ બ્લોગજગતના ચોકમાં શા માટે મૂકે?

રંગલો — એટલે કે મનમાં પરણ એ ને મનમાં રાંડે! એવુંને?

રંગલી — હા. એવું. હવે એક દાખલો આપું. જ્યારે આપણે આપણી કોઈ રચનાને ગઝલ,ગીત, વાર્તા કે અન્ય પ્રકાર  તરીકે મૂકતા હોઈએ ત્યારે આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે આપણે સાહિત્યના ક્ષેત્રમાં કદમ મૂકી રહ્યા છીએ. આપણી પણ જવાબદારી બને છે કે આપણી  જે તે પ્રકારની રચના એનાં  સામાન્ય  બંધારણનું પાલન કરતી હોય. એમાં  મૌલિકતા હોય, પ્રયોગ હોય, એમાં કશું નવું હોય. સાહિત્યકારો અમને શાંતિથી જીવવા નથી દેતા’ એવું  ગાણું  ગાવું એ તો છોકરમત  થઈ.

રંગલો — તારી વાત મારાં મગજમાં ઉતરતી જાય છે. મારે મારી ગમે તેવી રચનાને ગઝલ તરીકે ન  મૂકાય.

રંગલી — ચોખ્ખી જ વાત છે. હુતુતુ રમતા હો ને તમે કહો કે અમે ક્રિકેટ રમીએ છીએ તો ચાલે? ને ઉપરથી દલીલ કરો કે આ રમતને ક્રિકેટ કહેવાનો અમને હક છે તો એ વાજબી વાત છે?

રંગલો — સાચી વાત છે હો રંગલી. જેને જે કહેવાતું હોય એ જ કહેવાય. લગ્નને લગ્ન જ કહેવાય ને બેસણાંને બેસણું જ કહેવાય.

રંગલી — બરાબર છે. બેસણામાં જઈને “આજ મેરે યારકી શાદી હૈ” એવું ગીત ગવાય? અમને એવું કરવાનો અધિકાર છે એવી દલીલ કરાય?

રંગલો — ને એવી જ રીતે કોઈનાં લગ્નમાં જઈને “રામ બોલો ભાઈ રામ” ન બોલાય. અમને ભગવાનનું નામ લેવાનો અધિકાર છે એવી દલીલ ન કરાય.

રંગલી — બ્લોગ કોઈપણ લખે … કવિ લખે, વકિલ લખે, ડોક્ટર લખે, શાકભાજી  વેચનાર લખે કે પાનનો  ગલ્લો ધરાવનાર લખે. તેઓ  વાર્તા લખે કે વિચારો લખે કે પોતાના અનુભવો લખે. સૌને અધિકાર છે. પણ સાથે સાથે જવાબદારી પણ છે કે સાચુ લખે, સુંદર લખે, વ્યવસ્થિત લખે. એક કવિ પણ આરોગ્યને લગતો લેખ લખી શકે છે. એને અધિકાર છે. પણ જો એ એવું લખે કે માણસનું હૃદય મજબૂત હાડકાનું બનેલું છે. તો સ્વભાવિક છે કે ડોક્ટરો એની ટીકા કરે. પછી જો એ કવિ એમ કહે કે મને મારા બ્લોગમાં જે ઠીક લાગ્યું તે મેં લખ્યું. બીજાને એમાં માથું મરવાનો અધિકાર નથી. તો પછી બ્લોગજગતની હાલત શું થાય?

રંગલો — અને પછી  કોઈ માણસને  હ્રદયમાં દુ:ખાવો ઉપડેને ને હાડવૈદને ત્યાં જાય તો લોચો જ વાગેને?

રંગલી — એવા લોચા વાગી રહ્યા છે એટલે જ તને કહું છું કે મારી વાત માન. તારી લઘુકથાને ગઝલ તરીકે રજૂ ના કર. એને લઘુકથા  તરીકે રજૂ કર.

રંગલો — જેવો આપશ્રીનો હુકમ.

રંગલી — બહુ વાયડો થામા અને રિસ્કીબેનની કૉમેન્ટમાં સુધારો કરી દે. ‘યોર ગઝલ ઈઝ વેરી નાઇસ’ના બદલે ‘યોર લઘુકથા ઈઝ વેરી નાઇસ’ એવું કરી દે. રિસ્કીબેન સમજદાર હશે તો સાનમાં સમજી જશે ને ભલા હશે તો તારો આભાર પણ માનશે.

રંગલો — ભલે. તેં કહ્યું એ બધું જ કબુલ. હવે આ વાતનો અંત લાવવો છે?  કે પછી ફરી ડિપ્રેશનમાં ડૂબવું છે?

રંગલી — ચાલ ત્યારે જતાં જતાં ગાઈ નાખીએ.

રંગલો — હું છું મારા બ્લોગનો રાજા રાજ કરું એવું… હું છું મારા બ્લોગનો રાજા  રાજ કરું એવું.

વાતવાતમાં કહી દઉં  જે લાગે કહેવા જેવું  … વાતવાતમાં કહી દઉં  જે લાગે કહેવા જેવું.

બંધબેસતી પાઘડી કોઈએ પહેરવી નઈં … તા થૈયા થૈયા ને તા થૈ.

રંગલી — હું છું મારા બ્લોગની રાણી  સમજણની ફોડું છું ધાણી ..

હું છું મારા બ્લોગની રાણી  સમજણની ફોડું છું ધાણી.

બ્લોગના લખવાવાળા વાત લેજો જાણી …

બ્લોગના લખવાવાળા વાત લેજો જાણી .

કંસાર કરવાને બહાને થૂલી કરતા નઈં … તા થૈયા થૈયા ને તા થૈ.

ઘૂંટડે ઘૂંટડે મોત

રંગલો— [લટકા કરતો જાય અને ગણગણતો જાય]

શાંને કાજે પોટલી ને શાંને કાજે લઠ્ઠો…

જિંદગીની સાથે શાંને કાજે સટ્ટૉ…

રંગલી—- એ… રંગલા … તું વળી પાછો ગીત ગઝલના રવાડે ચડ્યો?

રંગલો— ના…ના… ના… રંગલી. તું ભલે મેગી ખાઈને ગીત-ગઝલની પાછળ પડી ગઈ હોય! પણ એવું નથી.

રંગલી— તો પછી કેવું છે?

રંગલો— તને ખબર તો છે ને કે અમદાવાદમાં લઠ્ઠાએ કેટલાયનો ભોગ લઈ લીધો. હું એ લઠ્ઠાકાંડ બાબત એક લેખ લખીને મારા બ્લોગ પર મૂકવા માંગું છું. એને માટે સરસ મજાની શીર્ષક-પંક્તિ તૈયાર કરી રહ્યો છું. … શાંને કાજે પોટલી ને શાંને કાજે લઠ્ઠો…જિંદગીની સાથે શાંને કાજે સટ્ટૉ…

રંગલી—- એટલે હવે તું ગીત ગઝલ છોડીને લેખ લખીશ?

રંગલો— હા.લેખ લખવામાં એક વાતની નિરાંત. છંદની મગજમારી નહીં. બસ આપણું લખાણ તેજાબી હોવું જોઈએ. લોકોને લાગવું જોઈએ કે આણે કી-બોર્ડ પર તેજાબ છાંટીને  પછી ટાઈપ કર્યું છે!

રંગલી—એમ વાત છે? તો તારે પણ તેજાબી ભાષાના માલિક થવું છે?

રંગલો— હા. મૈ ચંદ્રકાંત બક્ષી બનના ચાહતા હુઁ .

રંગલી— તેજાબી લેખક થવાની  ફેશન થઈ ગઈ હોય એવું લાગે છે! તને  એ ફેશન ફાવશે?

રંગલો— કેમ ન ફાવે? ગમે એમ તોય હું પણ મરદનો દીકરો છું!  [મૂછે વળ દે]

રંગલી— પણ તું લખીશ શું?

રંગલો— લખવામાં  કશું જ બાકી રહેવા નહીં દઉં. પહેલાં તો સોય ઝાટકીને લખીશ કે આ ભૂંડી નશાબંધી દૂર કરો.

રંગલી—- એટલે તું શું કહેવા માંગે છે?

રંગલો—- હું એ જ કહેવા માંગું છું કે દારૂબંધી દૂર થઈ જશે તો લોકોને ચોખ્ખો દારૂ  પીવા મળશે અને ગરીબોને આ રીતે ઝેર પીને મરવાનો વારો નહીં આવે.

રંગલી— પણ ગંદો કે ચોખ્ખો દારૂ પીવાની જરૂર જ શા માટે હોય?

રંગલો— ઘણા કારણે હોય. તાજગી મેળવવા હોય. થાક દૂર કરવા હોય. વર્તમાનથી ભાગી છૂટવાની દવા તરીકે હોય. એ વાત છોડ. ગાડી આડા પાટે ચડી જશે.  .

રંગલી— પણ લોકોને  ચોખ્ખા દૂધ કે ઘી….  અરે ચોખ્ખું પાણી પણ નથી મળતું  તો ચોખ્ખો દારૂ  મળશે?

રંગલો— તું દરેક વાતમાં પહેલેથી જ ફસકી જાય છે. હું એમ કહેવા માંગું છું કે કંઈક તો ફેર પડશે. આ નર્યાં ઝેર કરતાં તો સારું હશે.

રંગલી —ચાલો માની લીધું કે ફેર પડશે. બીજું શું લખીશ?

રંગલો—લખીશ કે આ  બનાવ માટે જવાબદાર એવા પ્રધાનો અને અધિકારીઓને ઘેર બેસાડી દેવા જોઈએ.

રંગલી—ને બીજા પણ એવા આવશે તો?

રંગલી— તો એને પણ ઘેર બેસાડી દેવાય .

રંગલી–  કેટલાને ઘેર બેસાડવા પડે એનો હિસાબ માંડ્યો છે? ને કેટલો સમય ઘેર બેસાડી શકશો એની ગણત્રી કરી છે?

રંગલો— તો શું આવું જ ચાલ્યા કરશે?

રંગલી— ભવિષ્યની વાત તો નથી જાણતી પણ અત્યાર સુધી તો આવું જ ચાલ્યું છે. એક ટોળું સત્તા ભોગવે છે ત્યારે બીજું ટોળું ‘ઇન્કલાબ ઝિંદાબાદ”ના નારા લગાવતું આવે છે… સત્તાધારીઓને ઉઠાડી મૂકે છે અને પોતે સિંહાસનો પર બિરાજમાન થઈ જાય છે. થોડા સમય પછી જે લોકો  સત્તા  પરથી ફેંકાયા હતા એ અથવા એમની સાથે સંબધ ધરાવતાં નવા નવા નારા સાથે આવે છે… સત્તા પર બેઠેલાને સિંહાસનો પરથી ઉતારી મૂકે છે અને ફરી તેઓ પોતે બિરાજમાન થાય છે… ફરીથી રાજ્યાભિષેક… ફરીથી શંખનાદ… ફરીથી ધજાઓનું ઉતરવું અને ચડવું … ફરીથી રામરાજ્યના વાયદા… ફરીથી આપણું નાચવું, ગાવું અને કૂદવું!  [ગાય]

મેરે દેશકી ધરતી લઠ્ઠા ઉગલે … ઉગલે પોટલી પોટલી… મેરે દેશકી ધરતી…

રંગલો—બસ કર રંગલી બસ કર. આ દેશની ધરતીની મજાક બંધ કર.

રંગલી—-મજાક નથી કરતી રંગલા. કકળતી આંતરડીએ હકીકત રજૂ કરું છું.  તને તો ખબર જ હશે કે આ લઠ્ઠો … આ દેશી દારૂ… આ ઝેર .. તૈયાર કરવા માટે  આપણી આ પવિત્ર ધરતી માની ગોદનો ઉપયોગ થાય છે. આ આપણી  વહાલી ધરતી મા ની ગોદ. [રડે]

રંગલો—  મને માફ કર રંગલી.હું તારી ભાવનાને સમજી ન શક્યો.

રંગલી— સમજણ તો મને પણ નથી પડતી કે કોને દોષ દેવો!  સમાજમાં ખૂલ્લેઆમ  ઝેર વેચાય એ માટે  સરકાર જવાબદાર ખરી. પણ સમાજની પોતાની પણ જવાબદારી ખરી કે નહીં? કોઈ પરાણે તો ઝેર નથી પીવડાવતુંને?  એકબાજુ આપણે પ્રગતિ  કરતાં ગયાંને બીજી બાજુ સમાજમા એક આખો વર્ગ ઊભો થઈ ગયો કે જે એમ  માનતો હોય કે : દુ:ખનું ઓસડ દારૂ!

રંગલો— એનો એક જ રસ્તો. અસરકારક  સરકાર. જે અમીરને  કે ગરીબને સૌને સારો અને સરખો શરાબ પૂરો પાડે. પૈસાવાળો ઇંગ્લીશની બોટલ તોડે અને ગરીબ ઝેરની પોટલી છોડે એ અસમાનતા ચલાવી જ ન લેવાય.

રંગલી—મને તો લાગે છે કે આજે તું પણ લગાવીને આવ્યો લાગે છે. કેવી બહેકી બહેકી વાતો કરે છે?

રંગલો— ના રંગલી ના.જોજે એવું માનતી.મારે વગર મોતે મરવું નથી. તું મારી સથે હોય એટલે હું નશામાં જ હોઉં છું.

રંગલી— બસ કર.કામની વાત કર.

રંગલો—કામ તો સરકારે કરવાનું છે. આ ઝેર પીવાનો રિવાજ નથી અટકતો એ સરકારની જ નિષ્ફળતા છે ને?

રંગલી— વાહ! ઓળઘોળ જાય બધું સરકાર પર. હું એમ કહું છું કે સરકાર  સિવાય બીજાકોઈની  નિષ્ફળતા ન ગણાય? રંગલા! આપણે ત્યાં આટઆટલા ચિંતકો છે… સુધારકો છે…. કથાકારો છે… ઉપદેશકો છે…સ્વામીઓ છે… મહારાજો છે…આશ્રમો છે… સંસ્થાઓ  છે…  દર એક કિલોમીટરે એકાદ બે ધર્મસ્થળ તો હશે જ. ઢગલામોંઢે સમજણ અને પ્રસાદ વહેંચાય છે. એનો કોઈ અર્થ નથી? આટલાં બધાં ભેગા થઈને  સમાજમાંથી એક બદી દૂર નથી કરી  શકતા?

રંગલો— [વિચાર કરતો હોય એમ] એ સાલું વિચારવા જેવું છે!  આપણે ત્યાં તો લાખો લોકોને ભેગા કરી શકે એવા સંતો છે! એનો પડ્યો બોલ જીલવા લોકો તૈયાર હોય છે. પણ એ લોકો તો ગળું ફાડી ફાડીને લોકોને  કહે છે કે સુધરો હવે સુધરો. પણ કોઈ સુધરવાનું નામ જ નથી લેતું. એ રસ્તો ય કામ પૂરેપૂરો કામમાં આવ્યો લાગતો નથી.

રંગલી— એક રસ્તો છે. પણ બહુ અઘરો છે!

રંગલો—એમ? એ રસ્તો વળી ક્યો?

રંગલી— એ ખાડાટેકરાવાળો છે! ગંદા ખાબોચિયાંથી ભરેલો છે! એ રસ્તાનું કોઈ નામ નથી! વળી  ક્યાંક ક્યાંક તો એટલો સાંકડો છે કે ત્યાં કોઈ સંત કે સુધારકનું  ‘ફોર વ્હીલર’ વાહન જઈ શકે એમ નથી.

રંગલો— એ રસ્તો વળી ક્યો?

રંગલી— એ રસ્તો ગરીબની ઝૂંપડીનો છે! જ્યાં પગપાળા જ જવું પડે છે.

રંગલો— [મૌન રહે]

રંગલી— કેમ ચૂપ થઈ ગયો રંગલા?

રંગલો—  ભલભલા ચૂપ થઈ જય એવો રસ્તો છે! બહુ જ તકલીફવાળો રસ્તો છે.

રંગલી— પણ  રંગલા. આજે મને એક માણસ યાદ આવે છે જે એ રસ્તે જતો  હતો. એકવાર નહીં અનેકવાર જતો હતો. જીવમા જોખમે પણ જતો  હતો.  જઈને લોકોને સમાજાવતો હતો કે : “ભાઈઓ.રહેવા દો આ ઝેરનાં પારખાં! ઢોળી નાખો આ ઝેરના  પ્યાલા.” … અને લોકો ન માને તોય  થાક્યા વગર પોતાની જીદ છોડતો નહોતો.

રંગલો—કોણ હતો એવો ધીરજવાન?

રંગલી— લોકો એને રવિશંકર મહારાજ તરીકે ઓળખે છે. એ માણસે કેટલાંયના હાથમાંથી ઝેરના પ્યાલા છોડાવ્યા હતા. મને લાગે છે કે આજે  સમજણનાં તરસ્યાં લોકોને નદીકિનારે બોલાવવાના  બદલે એમનાં ઘર સુધી જવાની જરૂર છે.

રંગલો—સાચી વાત છે. અને બીજી પણ એક વાત મને સમજવામાં આવી.

રંગલી—કઈ વાત?

રંગલો—એ જ કે કોઈ પણ પરિસ્થિતિ માટે બીજાની તરફ આંગળી ચીંધતી વખતે બાકીની આંગળીઓ આપણા તરફ રહે છે એ બાબાત ધ્યાનમાં રાખવી જોઈએ.

રંગલી—  તને કવિશ્રી દલપતરામનું પેલું  કાવ્ય યાદ છે ને?

રંગલો—કયું પેલુંને… સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ …

રંગલી— [રંગલાને] અન્યનું  તો એક વાંકું આપનાં અઢાર છે…

રંગલો— તો રજા લેતા પહેલા  ફરીથી સાંભળી લો બ્લોગજનો…

[બંને જણાં સાથે ગાયઅને ચક્કર ફરે]

સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ….

સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ

અન્યનું તો એક વાંકું…. અન્યનું તો એક વાંકું …

આપનાં અઢાર છે…

તા થૈયા થૈયા ને તા થૈ .

રેતકણિકાઓ

અમે ગઈ વખતે હિસાબ આપવાની વાત કરી હતી. તો આ રહ્યો હિસાબ: ગઈકાલે એક વર્ષ પૂરું થયું. એક વર્ષમાં સો POST  રજૂ કરી  કે બ્લોગમિત્રોના માથે  ફટકારી.  સો  POSTને VISITORS  મળ્યા 5800  અને પવિત્ર COMEENTS  મળી 291. જેમાં ઘરના ભૂવા ને ઘરના ડાકલા જેવી દસવીસ અમારી પોતાની પણ હશે. કેવું કહેવાય? ઠીક ઠીક ! બરાબરને? પણ સાચુ  કહીએ  તો અમે આ આંકડા જેવા છે એનાથી  ખૂબ જ ખુશ છીએ. કારણ કે  એક વર્ષ પહેલાં અમારી પાસે શું હતું?  હતો આવો ઓટલો? હતું કોઈ અમારી અલકમલકની વાતો સાંભળનારું? સાંભળીને હોકારો દેનારું? હતું  અમારી પાસે દિલને બહેલાવવાનું આવું બહાનું?  હતો આવો કારોબાર? હતો ભાષા સાથી આ રીતનો  નાતો?   આ તો ભૂતને પીપળો મળ્યો  કહેવાય!

આજે ગુરુપૂર્ણિમાનો  પવિત્ર તહેવાર. અમે બહુજ શાળાઓ બદલી છે. એથીકરીને અમારા ગુરુઓની સંખ્યા પણ ઘણી છે.  અમે સાગમટે બધાને યાદ કરીને વંદન કરીએ  છીએ  કારણ  કે ભધાનાં નામ અમને યાદ રહ્યાં નથી.  રખેને કોઈ ગુરુનું નામ રહી જાય તો અમને  દોષ લાગે!  વળી, જે જ્ઞાન આપે એ ગુરુ   એ રીતે જોઈએ તો અમને  જિંદગીમાં ઘણાંએ  ઉલ્લુ બનાવીને દુનિયાની રીત બાબત  વ્યવહારિક જ્ઞાન આપેલ છે એ સૌને પણ અમે  આજે  ખૂબ જ અનોખા ભાવથી યાદ કરીએ છીએ.

આજે આવા પવિત્ર દિવસે  અમારો  ઓટલો  અસર બીજા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે  આપ  સૌ બ્લોગમિત્રોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી એકસોમી POST ને આપ સૌએ જે આનંદથી વધાવી લીધી છે એનો હિસાબ અમારા હૈયામાં SAVE થઈ ગયેલ છે! આ અમારી એકસો પછીની પ્રથમ POST છે.  આ પ્રસંગે અમને કેટલીક  રત્નકણિકાઓ મૂકવાનો ઈરાદો હતો પણ કશેક આડીઅવળી મુકાઈ ગઈ હોવાથી હાથવગી રેતકણિકાઓ આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. આશા રાખીએ છીએ  કે આપને એ ગમશે.

રેતકણિકાઓ

* જેને કોઈ ન સંઘરે એને બ્લોગ જગત સંઘરે.

* જેમ કમળના ફૂલમાં ભમરો કેદ થઈ જાય છે એમ હે ભાવક, …  બ્લોગ જગત રૂપી ફૂલમાં બ્લોગર રૂપી ભમરો કેદ થઈ જાય છે.

*બ્લોગજગતમાં એક COMMENTનું  દાન એક   POSTના દાન બરાબર છે.

* પૂર્વજોના પૂણ્યના પ્રતાપે  નસીબદારને  બાર વહેંતના BLOG ના બદલામં તેર વહેંતની  COMMENT પ્રાપ્ત થાય છે.

* તકદીરમાં હોય ત્યારેજ અને તેટલીજ COMMENTS  બ્લોગરને મળે છે.  માટે  સજ્જનોએ   વ્યર્થ શોક કરવો નહીં.

* જે અન્યના BLOGની મુલાકાત લેતો નથી  તે બ્લોગરને કૂવાના દેડકા સમાન માનવો.

*કવિતા … ગઝલ …. એ બ્લોગજગતની સુંદર અપ્સરાઓ છે જેનાથી  મોહિત  થયેલો  વાચક  સંપૂર્ણ બ્લોગજગતને  માણી શક્તો નથી.

* જે વાચક  POST નું પઠન કરે છે પણ  COMMENTS નું પઠન કરતો નથી એનું પઠન વ્યર્થ માનવું.  COMMENT  વિહોણી POST પર જે COMMENT લખે છે તે વાચકમાં   ઉચ્ચ કોટિનો આત્મા વસે છે એમ માનવું.

* CATEGORIES તો  BLOG રૂપી વૃક્ષની ડાળીઓ છે. જેના પર  બ્લોગર રૂપી કાગડાઓ વસે છે.

* બ્લોગર મદારી છે તો email ડુગડુગી છે.

લો અમે ધાડ મારી

હા. અમે આજે ધાડ મારી રહ્યા છીએ કારણ કે આજે અમે આ એકસોમી POST રજૂ કરી રહ્યા છીએ. વળી આવતી કાલે  છઠ્ઠી જુલાઈએ  અમે બીજી ધાડ મારવાના છીએ.  બ્લોગજગતમાં અમારા ‘અસર’ના ઓટલે  અમે બેઠક જમાવી એને એક વર્ષ પૂરું થશે. હવે તમે હિસાબના આંકડા  માંગશો કે કેટલા મુલાકાતીઓ અને કેટલી કૉમેન્ટસ?  તો એ તો આવતી POSTમાં  જેવા હશે એવા  આંકડા આપી દઈશું.  પણ આંકડા  બાબત થોડી વાતો આજે ભલે થઈ જાય.

આંકડા ભલે  ગમે તેટલા મુલાકાતીઓ દર્શાવે પણ  એમાં સાચા અર્થમાં  મુલાકાતીઓ કેટલા? કોઈ આવીને નજર નાખીને  જ જતા રહ્યા હોય! કોઈ ભૂલથી આવી ચડ્યા હોય અને આવ્યા એવા જ ભાગ્યા હોય! ખરેખર દિલથી મુલાકાત લેનારાં કેટલાં? એટલે મુલાકાતીઓનો આંક  તગડો હશે  તો અમે આસમાનમાં ઊડવા નહીં માંડીએ અને નબળો હશે તો ધરતીમાતા પાસે સમાઈ જવા માટે માર્ગ નહીં માંગીએ.  હા. જાતજાતની ધારણાઓ કરવા  માટે આંકડા જરૂર  કામ લાગશે. જેમ કે : જેને અમારું લખાણ પસંદ હશે એ વારંવાર અમારા ઓટલાની મુલાકાત લેતા હોય એવું પણ માની શકાયને?

પણ શું માત્ર આંકડા ખાતર જ બ્લોગ લેખન કરવું જોઈએ? કે પછી નિજાનંદ માટે? નિજાનંદ માટે લખનારા આંકડાઓની પરવા નથી કરતા. પણ અમે એવા નિજાનંદી નથી. અમે માનીએ છીએ કે માત્ર નિજાનંદ ખાતર લખનારાને  તો પોતાનું લખાણ  જાહેરમાં મૂકવાની જરૂર જ ન પડે. પોતાનું લખેલું પોતેજ વાંચે અને ખુશ થઈને  પોતે જ પોતાનો વાંહો થાબડે! બીજાને શા માટે તસ્દી આપવી? અમે તો ભાઈ બીજાને માટે જ લખીએ છીએ. બીજાને અમારું લખાણ ગમે એ માટેજ લખી છીએ. અને એવું કરીને આનંદ પામવામાં માનીએ છીએ. પણ એનો અર્થ એવો પણ નથી કે અમે માત્ર બીજાને ગમે એવું જ લખીએ  છીએ. અમે અમને ગમે એવું જ લખીએ છીએ પણ એ લખાણ અન્યને પણ ગમશે એવા વિશ્વાસથી લખી છીએ. ક્યારેક અમારો  વિશ્વાસ સાચો પડ્યો હશે તો  ક્યારેક અમારો વિશ્વાસ ખોટો  પણ પડ્યો  હશે! આંકડાથી  અંદાજ કાઢી શકાય અને એનો આનંદ માણી શકાય.

અમરું લખાણ  વાંચવાનું શુભ કાર્ય કર્યા પછી ઘણાં મુલાકાતીઓ કૉમેન્ટ લખવાનું એક વિશેષ શુભ કાર્ય કરે છે. જે અમને અનહદ આનંદ આપે છે. મતલબ કે કોમેન્ટના આંકડા અમારે મન બહુ જ મહત્વના છે. અમને એટલી તો પાકા પાયે  ખાત્રી થાય છે કે -કમસે કમ આટલાં લોકો તો અમારા ઓટલે સરખી રીતે બેસીને ગયાં છે!   અમે નથી માનતા કે કોઈ અમારા લખાણ માટે માત્ર કરવા ખાતર જ કૉમેન્ટ કરતું હોય. કોમેન્ટસથી અમને નવું જોમ પ્રાપ્ત  થાય છે. ઓટલો જાળવી રાખવાનું મન થાય છે.   કોમેન્ટસમાં પ્રશંસા હોય કે ટીકા હોય પણ એ  જે તે વિષયને  અનુરૂપ હોય તો જરૂર  લાભદાયી નીવડે છે. અમને એ વાતનો આનંદ છે કે અમને મળેલી મોટાભાગની કોમેન્ટસ એવા સ્તરની છે.

આટલા સમયમાં અમે ધારત તો આનાથી પણ વધારે  POST મૂકી શક્યા હોત! અમારામાં એવી તાકાત પણ છે. પણ અમે તેલ જોઈએ છીએ અને તેલની ધાર પણ  જોઈએ છીએ. અમે ઓટલો શરૂ કર્યા પછી અમને જ્યારે ભાન થયું કે   અમારા હાકલા વધતા જાય છે પણ સાંભળનારાં વધતા નથી ત્યારે અમે થોભો અને આગળ વધોની નીતિ અપનાવી. અમે નિજાનંદીતો હતા નહીં! વળી અમારામાં મોટામા મોટો ગુણ કે અવગુણ એ  હતો કે અમે  અમારા નવા હાકલા બાબત કોઈને e-mail થી જાણ કરવામાં માનતા નહોતા. કોઈને એનાથી તકલીફ થાય એવું અમને લાગતું હતું . અમારું સ્પષ્ટ માનવું હતું કે જેને આપણે ઓટલે આવવું હશે એ આવી જશે. વારેવારે “હાલો બાપલા… હાલો બાપલા… ” એવો  આગ્રહ કરવો એ પણ ઠીક નહીં. ટુંકમાં અમે થોડાઘણા મનના રાજા તો ખરા! છતાંય અમારી  છૂક છૂક  ગાડી  ચાલતી હતી ખરી! એવામાં જ ગુજરાતી બ્લોગ ગ્રૂપની રચના થઈ. એ અમને ફળી. કારણ કે જે ઈચ્છે એને જ  અમારા નવા હાકલા બાબત જાણ થવા લાગી. અમારું પણ ધાર્યું થયું અને એમનું પણ ધાર્યું થયું. સામસામું સરખું મન હોય તો જ એકબીજાને તાળી આપવાની મજા આવે. કોઈ હાથ ધરે ને પરાણે તાળી આપવી પડે એના જેવું દુ:ખ એકેય નહીં! એટલે અત્યારે અમે કહી શકીએ છીએ કે અમારો ‘અસર’નો ઓટલો જરૂર  ટકી જશે.

ઓટલા પર આપના સ્વાગત માટે અમે જે કાંઈ સામગ્રી ધરીએ છીએ તે મોટાભાગે અમારી જાતે જ તૈયાર કરેલી હોય છે. એ માટે અમે સતત વિચારતા રહીએ છીએ. મહેનત કરતા રહીએ છીએ. ક્યારેક ક્યારેક ગમતાનો ગુલાલ પણ કરીએ  છીએ પણ એ ગુલાલની સાથે સાથે અમારું અબીલ કે ચોખા મૂકવાનું ભૂલતા નથી. અમે જે જે સામગ્રી મૂકી છે  તેના જુદા જુદા પ્રકારો [categories] બાબત થોડી વાત કરી લઈએ.

[1] રંગલો અને રંગલી: આ અમારા ઓટલાનો સૌથી માનીતો વિભાગ છે જેમાં ભવાઈ દ્વારા રંગલો અને રંગલી  રમત રમતમાં સમસ્યાઓ અને ઉકેલ રજૂ કરે છે.

[2] બાપુનો ડાયરો: આ વિભાગમાં બાપુ અને ભગો એવા લોકોની માનસિકતા રજૂ કરે છે કે જેઓ ભૂતકાળને ભૂલી શકતા નથી અને વર્તમાન સાથે કદમ મેળવવામાં તકલીફ અનુભવે છે.

[3] જીતુ અને જશુભાઈ: જશુભાઈ મધ્યમવર્ગીય પિતાની અને જીતુ  એમના  પૂત્રની માનસિકતા રજૂ કરે છે.

[4] ચપટી ભરીને વાર્તા: ટૂંકી વાર્તાના  આ વિભાગ માટે અમને ઘણી આશા છે. હવે પછી એના પર અમારે વધારે ધ્યાન આપવું છે.

[5] કાગપીંછ: આ વિભાગમાં  વ્યંગ કાવ્યો રજૂ કરેલા છે.

[6] ઝાપટાં: આ વિભાગમાં કાવ્યોનાં ઝાપટાં છે.

[7] વાયરા: આ વિભાગોમાં વિચારોના,ચર્ચાના અને પ્રસંગોના વાયરા છે.

[8] ગમ્મત: આ વિભાગમાં ગમ્મત,વ્યંગ,કટાક્ષ, હાસ્ય વગેરેથી ભરીભરી રચનાઓ મૂકેલી છે.

[9] મુકામ નાનીધરી: આ વિભાગમાં વતનનાં સંભારણાં રજૂ કરેલાં છે.

[10] પોટલું: આ વિભાગમાં અમે અમારી જૂની રચનાઓ મૂકેલી છે જેના દ્વારા ત્યારના અને અત્યારના સમયની  સરખામણી થઈ શકે.

ગગા ટકાના સગા

જશુભાઈને ત્યાં કાઠિયાવાડથી એના ફોઈના દીકરાનો દીકરો રાજુ મહેમાન થઈને આવ્યો.  જશુભાઈને મન તો જાણે આખો મલક પધાર્યો! બંને અલકમલકની વાતોએ ચડ્યા. જશુભાઈએ કેટલાયને યાદ કરી કરીને એમનાં ખબરઅંતર  પૂછ્યાં. રસોડામાં નયનાબેન રસોઈ તૈયાર કરવા લાગ્યાં.

….ને જીતુ આવ્યો. એણે રાજુભાઈને પ્રણામ  કરીને ‘જય શ્રી ક્રૃષ્ણ’  કહ્યાં.

“ગગા  તું  પગે તો લાગ્યો પણ મને ઓળખ્યો  કે એમનમ જ ?” રાજુએ જીતુની ઉલટતપાસ શરૂ કરી.

“હું સમજ્યા વગર કોઈના પગમાં પડતો જ નથી. તમે મારા પપ્પાના ફોઈના દીકરાના દીકરા એટલે કે એમના ભત્રીજા અને મારા મોટાભાઈ થાઓ. બોલો મેં કશું ખોટું કહ્યું?” જીતુએ અણીદાર  સવાલ કર્યો.

“એકદમ બરાબર હો. કહેવું પડે! ઘરના સંસ્કાર દેખાઈ  આવે છે!”

“સંસ્કાર આપનાર કોણ? આ મારા પૂજ્ય પિતાશ્રી જશુભાઈ.” જીતુએ  જશુભાઈનો વાંહો થાબડતા કહ્યું.

“હું વડોદરામાં બધાં સગાવહાલાંને ત્યાં જઈને આવ્યો છું. પણ કોઈના ગગા મને ઓળખતા નથી. એક તું જ ભાયડો નીકળ્યો.”  રાજુએ પોતાનું અવલોકન પ્રગટ કર્યું.

“એ બધા ગગા તમને ન ઓળખે . એ બધા ગગા  ટકાના સગા છે!.”  જીતુએ રહસ્ય ઊભું કરતા કહ્યું.

“ગગા  ટકાના સગા? ” રાજુએ જિજ્ઞાસા દર્શાવી.

“સાંભળો રાજુભાઈ. તમને વિસ્તારથી સમાજાવું. એ બધા ગગા નાના હતા ત્યારથીજ એમના દિમાગ પર  પરિક્ષામાં ટકા લાવવાનું દબાણ ઊભું થયેલું છે. એમના માબાપ તરફથી એ માટે એમને ખાસ છૂટછાટ પ્રાપ્ત થયેલી છે. જેવી કે :ઘરનાં કામ નહીં કરવાં. એને જે જોઈએ  તે આપવું.  ગગાઓ  વધું વાંચી શકે તે માટે શાંતી અને સગવડતાઓથી  ભરપૂર જગ્યા પૂરી પાડવી. તેમજ નાનામોટા  પ્રસંગો અને સગાવહાલાંથી દૂર રાખવા.”

“એમનું ભણતર ન બગડે એટલે. સારું ભણે તો લાઈન સારી પકડાયને? ” રાજુભાઈ પોતાની સમજદારી દાખવી.

“હવે જો લાઈન સારી પકડવી હોય તો સગાવહાલા તો કામ લાગવાના નથી. કામ લાગે ટકા. ને એમાંય જો ગગા બોર્ડની પરિક્ષા આપવાના હોય તો તો માબાપ તરફથી સખત સૂચના આપી દેવાય છે કે : “આ વરસ ટકા સિવાય કોઈ બાબતનો વિચાર  પણ કરવાનો નથી.”

“સાલુ ટકાની બોલબાલા બહુ વધી ગઈ છે. અમારે ત્યાં પણ આ જ રામાયણ છે.”

“પણ અમારા ઘરમાં એ રામાયણ નથી.”

“એમ?”

“હા એમ.કારણ કે  મેં મારા મમ્મી-પપ્પાને ચોખ્ખું કહી દીધું છે કે: “મને મારી જવાબદારીનું ભાન છે.  હું ભણવામાં ધ્યાન રાખીશ અને મારી તાકાત  પ્રમાણે ટકા લાવીશ. માટે મને ટકા બાબત વારંવાર દબાણ કરીને ઘરનું  વાતાવરણ ગરમ કરવું નહીં.  ચાલો. હું  મારું લેશન પતાવું છું.”  જીતુ પોતાની આગવી અદાથી બોલ્યો અને ઝડપથી  જવા લાગ્યો.

રાજુ તો જોઈ જ રહ્યો.

“અને હા પપ્પા. જમતી વખતે મને બોલાવજો. આપણે બધાં સાથે જ જમીશું. મને એકલો ન પાડતા” જીતુએ જતાં જતાં પોતાની મરજી જાહેર કરી.

…. રાજુને જશુભાઈએ આગ્રહ કરીને રોક્યો. રાજુએ બે  દિવસ રોકાઈને વડોદરા છોડ્યું. પણ એક  નવી કહેવત એનાં મનમાં ઘર કરી ગઈ:

ગગા ટકાના સગા !

વટનો કટકો

કોઈ શેઠ  પોતાના ડ્રાયવરનો પચીસ- પચાસ રૂપિયા પગાર ન વધારતા હોય અને એ જ ડ્રાયવરની હાજરીમાં લેભાગુઓને પાંચસો-હજારનો ફંડફાળો આપીને પોરસાતા હોય ત્યારે એ ડ્રાયવરનાં દિમાગમાં શું ચાલતું હશે?  પૈસે ટકે સુખી માણસને ત્યાં સારામાઠા પ્રસંગે આવીને ઊભા રહેનાર સ્નેહીજનને જરૂર પડ્યે નાનકડી રકમ ઉછીની ન આપનાર એ જ માણસ જ્યારે લાખોના દાન કરીને ફોટા પડાવે અને એ જ પ્રસંગે પાછા પેલા સ્નેહીજનને તાળીઓ પાડવા હાજર રાખે ત્યારે પેલા સ્નેહીજનનાં દિમાગમાં શું ચાલતું હશે?

ચાલો આ તો થઈ મદદની વાત. પણ ….  જવા દો ને … મારે વધારે નથી કહેવું. આ વર્તા  જ કહેશે. વાંચો…..

***********

વટનો  કટકો

“બોલો ભાઈ બોલો. નાણું મળશે પણ ટાણું નહીં મળે. ધરમનાં કામમાં ઢીલ કરશો તો પસ્તાશો.” વાલજીશેઠે ગામલોકોને પાણી ચડાવવાનું શરૂ કર્યું.

વાલજીભાઈનો ગામમાં પહેલાં મોટો ધંધો હતો. પણ ઉધારી ન પતવાને કારણે ધંધો પડી ભાંગ્યો હતો.  હવે તેઓ નાનકડી હાટડીના માલિક હતા. પણ ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ! ગામલોકો હજી તેમને વાલજીશેઠ જ કહેતાં. જળઝીલણી અગિયારસના તહેવારે ઠાકોરજીની આરતી ઉતારવાનો બોલ બોલાવવાનું શુભ કાર્ય એમના ભાગે જ આવતું.  હિસાબ- કિતાબના જાણકાર  ખરાને?

કોઈએ સવા રૂપિયાથી શરૂઆત કરી. બીજાએ  પોતાનો બોલ સવા બે રૂપિયાથી બોલાવ્યો. તો ત્રીજાએ સવા પાંચ રૂપિયા કહ્યા!

પણ ત્યાં તો….

“આપણા સવા અગિયાર રૂપિયા.”  અમકુબાપુએ હાથ ઊંચો કરીને હાકલો કર્યો.

“ઠાકોરજીની આરતી ઉતારવાના બોલમાંઅમકુબાપુના સવા અગિયાર રૂપિયા.”  વાલજીશેઠે પણ  પોતાનો હાકલો યથાશક્તિ મોટો  કર્યો.

“આપણા સવા એકવીસ  રૂપિયા”  વાઘજી પટેલ પણ પણ  જાણે જંગના મેદાનમાં  જંપલાવતા હોય એમ બોલ્યા.

“વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવા એકવીસ રૂપિયા.” વાલજીશેઠ  ગળું ખંખેરતા બોલ્યા.

ગામલોકોના  ડોકાં ઊંચા થઈ ગયાં. “હવે જામશે”  કોઈ બોલ્યું પણ ખરું.

“આપણા સવા એકત્રીસ રૂપિયા”  અમકુબાપુએ ફરી હાથ ઊંચો કર્યો.

“અમકુબાપુના સવા એકત્રીસ રૂપિયા. બોલો ભાઈ બોલો.નાણું મળશે પણ ટાણું નહીં મળે.” વાલજીશેઠ જોર કરીને બોલ્યા.

ગામલોકો વાલજીશેઠ, અમકુબાપુ,વાઘજી પટેલ અને ઠાકોરજી તરફ વારાફરતી જોતાં રહ્યાં અને બોલી વધતી ગઈ.

જેમ જેમ બોલી વધતી ગઈ તેમ તેમ વાલજીશેઠનું ગળું સુકાતું જતું હતું.

“હવે વાલજીશેઠનાં  ગળામાં પહેલાં જેવો રણકો નથી રહ્યો.” કાળીદાસે ટીખળ કરી.

“ક્યાંથી રહે!” દુલાએ મમરો મૂક્યો.

“આપણા સવાસો રૂપિયા” વાઘજી પટેલ બોલ્યા.

“વાઘજી પટેલના સવાસો રૂપિયા. ઠાકોરજીની આરતી ઉતારવાના વાઘજી પટેલના સવાસો રૂપિયા” વાલજીશેઠ ફાટતા ગળે બોલ્યા.

“અપણા સવા બસ્સો રૂપિયા” અમકુબાપુ  બંદુકંનો ધડાકો કરતા હોય એમ બોલ્યા.

વાલજીશેઠને તો પોતાના કાન પર વિશ્વાસ ન બેઠો. એ તો અમકુબાપુ સામે જોતા જ રહ્યા.

“અટકી  કેમ ગયા શેઠ? આ તો મરદના ખેલ સે. બોલો આપણા સવા બસ્સો રૂપિયા.” અમકુબાપુએ  પોતાની મૂછો પર હાથ ફેરવતા ચોખવટ કરી.

“એ અમકુબાપુના સવા બસ્સો રૂપિયા. ” વાલજીશેઠે પોતાનામાં હતું એટલું જોર રજૂ કરી દીધું.

હવે બધાની નજર વાઘજી પટેલ તરફ ગઈ. પણ…

“ભલે બાપુ લાભ લેતા” એમ કહીને વાઘજી પટેલ બોલી વધારવામાંથી ખસી ગયા.

બીજું તો કોઈ મેદાનમાં હતું નહીં. વાલજીશેઠ  બોલી બોલાવવાના કાર્યક્રમનો અંત લાવતા ઊંચો હાથ કરીને જોર એકઠું કરીને બોલ્યા: “ઠાકોરજીની આરતી ઉતારવાના અમકુબાપુના સવા બસ્સો રૂપિયા એક વાર …. સવા બસ્સો રૂપિયા બે વાર…. સવા બસ્સો રૂપિયા ત્રણ વાર.બોલો શ્રી ગિરિરાજધરણકી જે…”

“જે….”  ગામલોકો ઉમળકાથીજય બોલ્યાં.

….. ગજ ગજ છાતી ફુલાવતા ફુલાવતા અમકુબાપુ જ્યારે ઠકોરજીની આરતી ઉતારી રહ્યા હતા ત્યારે વાલજીશેઠ મનોમન બોલ્યા: “વટનો કટકો…. ગઈ દિવાળી પહેલાંના દોઢસો રૂપિયા બાકી છે એ આપવાનું નામ નથી લેતો ને અહીં સવા બસ્સો દઈને ઠાકોરજીની આરતી ઉતારે છે!!!!”