હવે ભલો હું ને ભલું આ ગામ

[ચાર મહિનાથી ભગો બાપુની ડેલીએ આવ્યો નહોતો. કારણ કે ભગો અમદાવાદ નસીબ અજમાવવા ગયો હતો. અમદાવાદથી પાછા આવ્યા પછી ભગો બાપુની ડેલીએ પહોંચે છે. ને પછી ફરીથી ડાયરો કેવો જામે છે એ જાણવા માટે વાંચો.... ]

ભગો—- એ રામ રામ બાપુ.

બાપુ— રામરામ. કોણ ભગો કે?  [હરખના માર્યા ઊભા થઈ જાય]

ભગો— ભગો જ હોય ને? બીજું કોણ હોય?

બાપુ— ઘણા વખતે  દેખાયો. આવ્ય આવ્ય. એલા,તને તો અમદાવાદ બઉ માફક આવી ગ્યું?

[બંને બેઠક જમાવે]

ભગો— માફક તો ઠીક. પણ હવે એક વખત ગ્યા એટલે ટકવુ તો પડેને? ચાર મઈના જેવું થ્યું.

બાપુ—ચાર  મઈના કે ચાર ચાર  જુગ! ભગા તારા વગર હું તો સાવ એકલો પડી ગ્યોતો! સાલું… આખો ડેલો ખાવા દોડે!

ભગો— હવે નઈ દોડે. હું આવી ગ્યોને?

ભગો— પણ તું તો પાસો જાવાનોને?

ભગો— હવે જાય ઈ બીજા. હવે ભલો હું ને ભલું આ ગામ!

બાપુ— કેમ કામ નો ફાવ્યું?

ભગો—- ફાવીને તો એવું સે ને કે શેરનાં માણહ બઉ સુવાળા! આંયા  આપણાં ગામમાં દાઢી કરતાં કરતાં મારાથી કેટલાયને વાગી જાય, અરે લોહી નીકળી જાય પણ મરદના દીકરા કોઈ ઊંહકારો ન કરે!

બાપુ— ન્યાં તો ઊંસાનીસા થઈ જાતા હશે?

ભગો—  પોતે તો થાય પણ આખી દુકાન ઊંસી લે! વાત જ જાવા દ્યો! એક નનકડી ફોડકી સોલાઈ જાય તો ય મારો વાંક કાઢે!

બાપુ—કટિંગ ઉપર હાથ અજમાવ્યોતો કે નઈં.

ભગો— અજમાવ્યોતો પણ ઈની વાત કરવા જેવી નથી.

બાપુ—કાં કાંઈ તકલીફ જેવું થ્યુંતું?

ભગો—શેઠે મને એક  સિત્તેર વરહના  ડોહાની કટિંગ કરવાનું કહ્યું. એ બાને હાથ બેહે!

બાપુ— હાસી વાત સે. ડોહા ડગલાને વાળ  ઓછા હોય અને  સાદાઈ પણ  હોય એટલે વાંધો નઈ આવે ઈ ગણતરી હોયને?

ભગો— પણ અમારી ઈ ગણતરી ખોટી પડી! મેં હાઈકલાસ વાળ કાપી દીધા તોય ડોહાએ રાડારાડ કરી મૂકી! સો માણહ ભેગું કરી દીધું! બસ એકજ વાત કરે કે મારી ઈસ્ટાઈલ બગાડી નાખી!

બાપુ— સિત્તેર વરહના ડોહા જો ઈસ્ટાઈલની વાત કરતા હોય તો ઓલ્યા જુવાનિયા તો સું નઈં કરતા હોય!

ભગો— જુવાનિયાની તો  વાત જ નો કરતા. ફેશન વાંહે એવા ગાંડા કે મોં માગ્યા દામ દેવા તૈયાર!

બાપુ— પણ તું ટકી ગ્યો હોત તો વહેલો મોડો આગળ આવી જાત!

ભગો—- આપણું કામ નઈં બાપું. ઈ પરજાના  નખરા આપણાથી નો વેઠાય! કટમાં કે મૂછમાં  એક દોરાવાનોય  ફેર નો હલાવે. મારી આંખે તો બેતાળા!

બાપુ—- હાસી વાત સે. આપણાં ગામમાં તો  તુ તારાં  મનનો રાજા! જેવા વાળ કાપવા હોય એવા કાપ્ય! ને જેવી દાઢી કરવી હોય એવી કર્ય. કોઈ કેતા કોઈ બોલવાવાળું નઈ. તારા બાપાને આ ગામે હાસવી લીધો ને તનેય હાસવી લેશે.

ભગો— એમાં તો ક્યાં કાંઈ કેવાપણું સે. પણ આતો સગાવાલાનું કેવું હતું કે શેરમાં આવો તો ઉધ્ધાર થઈ જાહે. એટલે નસીબ અજમાવી લીધાં.

બાપુ— જો ભગા. આપણો ઉધ્ધાર થવાનો હતો એટલો થઈ ગ્યો. હવે ભગવાન હાજાનરવા રાખે ઈ સિવાય આપણાં જીવનમાં કોઈ લાલસા  હોવી નો જોઈ.

ભગો— એટલે જ નક્કી કર્યું સે કે હવે  જીવવું તોય આંયા અને મરવું તોય આંયા.

બાપુ— [ખુશ થઈને] પાકું?

ભગો— એકદમ પાકે પાયે.બાપુ…

બાપુ— તો દે તાલી.

ભગો— આ દીધી.

બાપુ— લે ઈ વાત પર લગાડ્ય બીડી.

[પછી તો તગતગતી બીડીઓના સહારે ડાયરો જામે છે. બાપુ હાથ ધરે તો ભગો તાળી દે અને ભગો હાથ ધરે તો બાપુ તાળી દે. આમ બે જ જણનો ડાયરો જામે છે!]

3 Comments

  1. 1
    jjkishor Says:

    આ વખતે લીધેલો આ ડાયરો રંગલીનું સ્થાન લે એવો છે. આને ચાલુ રાખજો પાછા.

  2. 2
    krunalc Says:

    શેરનો માણસ ગોમમાં નો રહી હકે ને ગોમ નો માણસ શેરમાં નો રહી હકે….
    હાવ હાચ્ચી વાત કીધી હો…

  3. ડાયરામાં પણ ભવાઈ જેવી જ રંગત રહી. શહેર અને ગામ અને હજામતને કેન્દ્રમાં રાખી ઘણું કહી દીધું.


RSS Feed for this entry

Leave a Comment