ખાડાદર્શન
છેલ્લાં ત્રણેક વર્ષોથી વડોદરા નગરીમાં ખોદકામ અને તોડફોડ પ્રવૃત્તિ ચાલી રહી છે. ઘણી જગ્યાએ ખાડા ખોદવામાં આવ્યા છે અને માટીના ઢગલા કરવામાં આવ્યા છે. અને પછીએ જાણે એ અખંડ રહેવાના હોય એમ વહીવટી તંત્ર એને વતાવતું નથી. વહીવટી તંત્ર આ પ્રવ્રુત્તિને નવસર્જનનું રૂપાળું નામ આપે છે. પણ કેટલાક નગરજનોને તો આ પ્રવ્રુત્તિ વિસર્જનની પ્રવૃત્તિ લાગી રહી છે અને તેથી તેઓ અજ્ઞાત ભયથી પીડાય રહ્યાં છે. હતાશા,ઉશ્કેરાટ ,તણાવ જેવી માનસિક બીમારીનો શિકાર થઈ પડ્યાં છે. પ્રસ્તુત લેખથી એ લોકોને થોડીઘણી રાહત પહોંચશે એવા શુભ આશયથી આ લેખ રજૂ કરવામાં આવ્યો છે.
આમ તો અન્યને કોઈપણ પ્રકારનો ઉપદેશ આપવો એ અમારી હેસિયત બહારની વાત છે. પણ ખબર નહીં, ઉમરનો પ્રતાપ હોય કે પછી વાતાવરણની અસર હોય! આજકાલ અમને બધી બબતોમાં શાંત ચિત્તે અને હકારત્મક રીતે વિચારવાની આદત પડતી જાય છે. આ ખાડાઓ અને માટીના ઢગલાઓ નો અમે પૂરતો અનુભવ લીધો છે અને એ બાબત બાબત અમે ઘણું ચિંતન કર્યું છે. એથી કરીને અમને દિવ્ય કહી શકાય એવાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. જ્ઞાન જેટલું વહેંચાય એટલું સારું એવી અમારી માન્યતા છે. એ માન્યતાને આધીન અમારું જ્ઞાન વહેંચવાનો અમારો આ પ્રયાસ છે. અમને વિશ્વાસ છે કે સુજ્ઞ વાચકોને અમારો આ પ્રયાસ જરૂર ગમશે.
એક દિવસ અમે અમારાં દ્વિચક્ર વાહન પર સવાર થઈને શહેરમાં નીકળ્યા હતા. અચાનક જ અમે એવી જગ્યાએ પહોંચી ગયા કે જે અમને સાવ અજાણી લાગી. એકદમ ઉજ્જડ જગ્યા. માટીના ઢગલા. ઊંડા ઊંડા ખાડા. એકાદ જ ખૂલ્લી દુકાન. આરામ ફરમાવતા કૂતરાઓ. ઝાડ નીચે વગડાને માણતી હોય એવા ભાવ સાથે ઊભેલી ગાયો. કોઈ પ્રકારનો અવાજ નહીં. અમને નવાઈ લાગી. અમે એકદમ જ આ ક્યાં ગામડે આવી પહોંચ્યા? અમને મતિભ્રમ જેવું થઈ ગયું. પણ ત્યાં તો અમારું ધ્યાન એક મોટા અને જાણીતા કોમ્પલેક્સ તરફ ગયું. ત્યારે અમને ભાન થયું કે :અરે, અમે તો વડોદરાના એ રાજમાર્ગ પર ઊભા છીએ કે જે માર્ગ ઘણા વખતથી બંધ રાખવામાં આવ્યો છે.
અમને તો સમગ્ર વાતાવરણ ખૂબ જ ગમ્યું એટલે મનભરીને ગ્રામ્યદર્શનનો લાભ લીધો. શહેરની માયાજાળમાં અટવાયેલા એવા અમે વર્ષોથી ગામડે જઈ શક્યા નહોતા. આ તો ઘેર બેઠાં ગંગા! શહેરીજનોએ તો આવી અમૂલ્ય તકનો લાભ લઈને અમારી જેમ ગ્રામ્યદર્શનનો લાભ લેવો જોઈએ. પોતાના બાળકોને હોંશે હોંશે ખાડાના દર્શન કરાવવા જોઈએ. ગામડે જવું હોય તો મફતમાં જવાય છે? કેટલું કષ્ટ પડે? પણ અરેરે! મૂઢ આત્માઓ શહેરના વહીવટી તંત્રના શુભ આશયને સમજી શકતા નથી. મજાનો લહાવો લેતા નથી અને છાપાં ની વાદેવાદે વ્યર્થ ઉહાપોહ કરે છે.
… અને આ માટીના ઢગલા! અહાહા! માટીમાં રમતું આ નગર ફરી મળે ના મળે! આટલી માટી સાથે અને આટલો વખત આ શહેર કદી રમ્યું નથી!! અરેરે! શહેરમાં ક્યારેક તો શોધી માટી પણ નથી મળતી! અને જ્યારે માટીના એકાગ્ર ચિત્તે દર્શન કરવાનો મોકો મળ્યો છે ત્યારે વાતવાતમાં ‘ આ બધું ક્યારે સરખું થશે?’ એવા અર્થહીન પ્રશ્નો કરનારાંને શું કહેવું? અરેરે! આડે દિવસે વતનની ધૂળને માથે ચડાવવાનાં ગીતો લલકાવનારા , તમને જ્યારે ખરેખર એ ધૂળમાં નહાવાનો મોકો મળ્યો છે ત્યારે ઊભી પૂછડી ભગો છો? આ તમારો દંભ નથી તો બીજું શું છે? કથાકારો ગળું ફાડી ફાડીને કહે છે કે ‘એક દિવસે તો આપણે માટીમાં જ મળી જવાનું છે.’ તો પછી આપણાં ભવિષ્યનાં રહેઠાણને મનભરીને નીરખવાના બદલે દુ;ખી થવાનો અર્થ ખરો? અમે તો કહીએ છીએ કે કે કશો જ અર્થ નથી!વાતવાતમાં માતાપિતાને AC મુકાવી દેવાની સલાહ આપનારા સંતાનોને એ માબાપ કહી શકે કે : ‘દીકરાઓ, AC મુકાવવું જ હોય તો આ ખાડામાં મુકાવીએ કારણ કે એ જ આપણું કાયમી રહેઠાણ છે. ‘
એ તો સાવ સાદી ને સીધી વાત છે કે ખાડો હોય તો દી ક્યારેક પડી પણ જવાય. TV ના પરદે વિદેશીઓની જીવના જોખમે રમાતી રમતો જોઈને ‘ આપણે ત્યાં આવું બધું ક્યારે આવશે?’ એવા સવાલો કરીને જીવ બાળનારાં સાહસપ્રિય લોકોને તો આ ખાડાઓ તો મફતમાં મળેલી ભેટ જેવા લાગવા જોઈએ. જોખમ વગરનું જીવન શાં કામનું? નગરના કવિઓએ તો ખાડાકાવ્યો રચવા જોઈએ જેવાં કે : ખાડાની ધારે ધારે તું ચાલ્યો જા… ચાલ્યો જા…
પણ આવું ક્યાં કોઈને સૂઝે છે? ખાડામાં પડવાના એકાદ બે બનાવ બને છે કે છાપાંમાં સવાલો પૂછાય છે કે : ‘વહીવટી તંત્ર હજી કેટલાંના ભોગ લેશે?’ પણ અમારો સવાલ છે કે ખાડાઓ પુરાશે પછી વધારે ભોગ નહીં લેવાય? લેવાવાના જ છે. કારણ કે ખાડા પુરાશે તો રસ્તા સારા થશે અને મોટા થશે. પરિણામે વાહનોની અવર જવર વધશે અને એમની ઝડપ પણ વધશે જેનાં પરિણામે અકસ્માતો વધશે ને ભોગ લેવાનો આંકડો વધશે.એથી કરીને અમારું માનવું છે કે વહીવટી તંત્ર જે વિલંબ દાખવી રહ્યું છે તે જાહેર જનતાના લાભાર્થે જ છે. ખરેખર તો આ વિલંબ લાગતાવળગતાઓને ખાડાની ધારે કે માટીના ઢગલા પર ઊભા રાખીને જાહેરમાં સન્માન કરવું જોઈએ.
ખાડા ખોદાય ત્યારે ટેલિફોનખાતામાં ફલાણી જગ્યાએ કેબલ કપાયો… કેબલ કપાયો… એવા ખબર ફરી વળે છે. જાણે કે કોઈ વીર યોધ્ધો રણ મેદાનમાં વીરગતિ પામ્યો હોય! એ કેબલ સંધાય ત્યાં સુધી સૌ ટેલિફોન ધારકોને ટેલિફોનથી મુક્તિ મળે છે . વ્યર્થ વાણીવિલાસ અટકે છે. સમયની ઘણી જ બચત થાય છે. જે સમયનો ઉપયોગ પ્રભુ સ્મરણ માટે કરી શકાય. મૌન ધારણ કરીને બેઠેલા ટેલિફોનમાં સૌએ તપ કરવા બેઠેલા મુનીનાં દર્શન કરવા. ધંધામાં નુકસાન જવાની વાતો કરીને સરકારી ખાતાઓને દોષ દેનારા કમાણી કરતી વખતે એ જ ખાતાઓને કેમ યાદ નથી કરતા? જે કાંઈ તકલીફો પડે છે તે તમને આવી વાતોનું ભાન કરાવવા માટે માટે પડે છે એમ માનવું.
ખાડાની કામગીરીના કારણે જેમની દુકાને ઘરાકો ન આવી શકતા હોય એમણે આવી નવરાશ મળવા બદલ રાજી થવું જોઈએ. દુકાનો બંધ કરીને આરામ કરવો જોઈએ. ફરવા જવું જોઈએ. સગાવ્હાલાંને ત્યાં મહેમાન તરીકે ધામા નાખવા જોઈએ. કારણ કે અમસ્તા દુકાન બંધ કરવાનો જીવ ચાલતો નથી. બીજો દુકાનદાર વધું કમાઈ લેશે એવો ડર લાગે છે!! જ્યારે સૌના ધંધા બંધ હોય ત્યારે એવો ડર રહેતો નથી.
આમ ખાડાઓના કારણે કેટલાય વળગણોથી થોડીઘણી પણ મુક્તિ મળે છે. જેથી કરીને સરવાળે આપણાં જીવને નિરાંત મળે છે. બીજું આપણને જોઈએ શું?
અને છેલ્લી વાત. કેટલાક લોકો કહે છે કે આવા ખાડા ખોદીને જે તે ખાતાંવાળાં પૈસા ખાય છે! લો કરો વાત! ખાતાંવાળા મફતમાં તો પૈસા ખાતા નથી! આપણને માટી ખવડાવીને પૈસા ખાય છે. પછી કકળાટ શાનો?
અમે માનીએ છીએ કે જે કોઈ પૂરા ભાવથી ખાડાદર્શન કરશે એમને અમને થયું એવું જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થશે. ખાડા જેવા અમને ફળ્યા એવા સૌને ફળજો! અસ્તુ! જય ખાડેશ્વર.
A good artcle. Different look.
I am Gujarat NRI and soetimes I feel that some people have habit to criticize all done by authorities. Tame tamaru ghar kadi repair karavyu chhe? It is difficult to adjust money, man and other factors though you are to play multi role.
Shahbudhin Rathod made one joke that man who does nadu sarkhu bandhi shake te Vada pradhan na kam ni pan tika kare.
Soe people comments as if they are Shaktisinh Gohel or Modhawadia. Temni sarkar hati and aajni sarkar ni prgato compare karva ni temni foor patti badalvani Jarur chhe.
yes paisa khavata hashe. Pan whole world knows that truth for India. Tame and Hu pureporo
tax bharia chhiya? Bill levathi wat aapvo pade chhe mate aapne bill pan patavi sarkar ne chhetari ne aapne shu karia chiye.
બરોડામાં ખાડા કેમ ખોદાય છે એ ખબર નહીં પણ અમદાવાદમાં કેમ ખાડા ખોદાય છે એ ખબર છે.
http://krunalc.wordpress.com/2009/06/19/%E0%A4%9C%E0%A4%A8%E0%A4%AE%E0%A4%BE%E0%A4%B0%E0%A5%8D%E0%A4%97/
યશવંતભાઇ …ખુબ સુંદર બળાપો કાઢ્યો છે!
અધીરના અમદાવાદના હાલ એ છે કે હમણા જ ચન્દ્રાયનમાંથે પૃથ્વીની તસવીરો ખેંચવામાંઅ આવી હતી. એમાં પ્રુથ્વી પરની બે જ વસ્તુ ઓ સ્પષ્ટ દેખાતી હતી 1) ચીનની દિવાલ 2) અમદાવાદ શહેરના રસ્તા પરના ખાડાઓ..
જય હો!