ઘણાંને આ ઉનાળો લપળા મહેમાન જેવો લાગતો હશે કે જે જવાનું નામ નથી લેતો! બેગ બિસ્તરા તૈયાર કરે ને પછી પાછો રોકાઈ જાય. થોડા દિવસો પહેલાં તો વાદળાં થયાં હતાં. વીજળી પણ! અરે છાંટા પણ ! પણ પછી આગળ કશું જ નહીં. ફરી એજ હઠીલા જોગી જેવો ઉનાળો. ધોધમાર તાપ વરસાવતો ઉનાળો.
મને યાદ આવે છે આવા જ ઉનાળામાં એક દિવસે મેં અનુભવેલી તરસ.
ત્યારે હું પાંચમું ધોરણ ભણતો હતો. અમારાં નાનીધારી ગામમાં ફક્ત ચાર ધોરણ સુધીની જ શાળા હતી. આગળ ભણવા માટે ઈંગોરાળા જવું પડતું હતું. નાનીધારી અને ઈંગોરાળા વચ્ચેનો એ દોઢ ગાઉ [ ત્રણ માઈલ]નો રસ્તો આજે પણ એવો ને એવો જ યાદ આવે છે. વાંકોચૂકો અને ધૂળિયો . ક્યાંક ખૂલ્લો તો ક્યાંક કાંટાળા થોરથી બંધ. અમે ચાર છોકરાઓ ખભે થેલા[દફતર] લઈને નીકળી પડતા. હું,નાથો,કાળીદાસ અને બાલો. રસ્તામાં અમે અમારી રીતે જુદાં જુદાં મથકો નક્કી કર્યાં હતાં જેથી રસ્તો લાંબો ન લાગે. આ મથકો આ પ્રમાણે હતાં: નાનીધારી છોડીએ એટલે પહેલું મથક પાદરડી. પછી મોટી નેળડી, ટાંકરિયો ટીંબો, નાની નેળડી, રૂડા પટેલનું ખેતર, શેઢો,વડલી-લીંબડી, આંધારિયો કેડો, ખાડો, ચાર બાવળિયા અને વીસાવદરિયો નદી. ક્યારેક દોડીએ પણ ખરા. વાતો કરીએ,દુહા લલકારીએ, હાકલા ને પડકારા કરતા જઈએ ને રસ્તો કાપી નાખીએ.
તે દિવસે શનિવાર હતો. શાળાનો સમય સવારે સાતથી બારનો હતો. તે દિવસે મારા જોડીદારો આવ્યા નહોતા. હું એકલો જ હતો. શાળા છૂટી એટલે મેં ગામની વાટ પકડી. થોડે ગયો ને તરસ લાગી. એ વખતમાં વોટરબેગનું નામ પણ સાંભળ્યું નહોતું. પ્લાસ્ટિકની બોટલો પેદા થઈ નહોતી. ગામના લોકો કોઈ કોઈ વાર કૂંજાનો કે ઢોચકાનો ઉપયોગ કરે. પણ મોટાભાગે તો તરસ સહન કરી લેતા. હું પણ એવું જ કરતો. પણ તે દિવસે કોને ખબર મને ક્યા ભવની તરસ લાગી! સહન ન થઈ શકે એવી!હવે શું કરવું? ઈંગોરાળા તરફ પાછો ફરું? ના,ના.એવું કરાય? વીસાવદરિયામાં તો પાણી હતું નહીં. ઠેઠ ઈંગોરાળા ગામ સુધી પાછું જવું પડે.પણ તો પછી આ જે રસ્તો કાપ્યો એનું શું?
હું આગળ વધતો ગયો. પણ જેમ જેમ આગળ વધતો ગયો એમ એમ તરસ પણ વધતી ગઈ. રસ્તો જાણે કે તણાઈ તણાઈને લાંબો થતો જતો હતો!! ખૂટતો જ નહોતો. રસ્તામાં પરબ નહોતી. વાડી નહોતી. ખેતર હતાં પણ ખેતરમાં કોઈ માણસ નહોતા. પાણીનાં ઢોચકાં નહોતાં. ક્યાંય ભીનાશનું નામ નહોતું. દૂર દૂર સુધી નર્યો વગડો. સમાધી ચડાવીને બેઠેલા બાવા જેવો! અને માથા ઉપર હતો તરસમાં વધારો કરતો સૂરજ. મૂછે વળ દઈ દઈને વટ મારતા ગામના દરબાર જેવો વાયડો !!!
તરસ તો ઘણી વખત લાગી હતી.પણ આવી તરસ તો ક્યારેય નહીં. એમ લાગતું હતું કે બસ… આ છેલ્લું ડગલું. હવે નહીં ચલાય. પણ હું ડગલાં ભરતો રહ્યો. ભરતો જ રહ્યો ને નાનીધારી ગામ દેખાયું. ગામ દેખાયું ને જોર ચડ્યું તો વહેલો આવ્યો ગામનો કૂવો.
કૂવે બપોરના વખતે ઘણી વખત કોઈ પનિહારી પાણી ભરવા આવી હોય તો પાણી પીવડાવે. ક્યારેક પનિહારી ન હોય પણ કોઈની ડોલ ને દોરડું પડ્યાં હોય તો અમે જાતે કૂવામાંથી પાણી ખેંચીનેપી લેતા. પણ મારાં નસીબે તે દિવસે ન તો પનિહારી હતી કે નતો ડોલ ને દોરડું હતાં. મેં કૂવામાં નજર નાખી તો આંખો ઠારે એવું પાણી હતું. પણ મારે તો મારું ગળું ઠારવું હતું. ત્યાં ઊભા રહેવાનો કોઈ મતલબ નહોતો. નિરાશ થઈને હું કૂવા કાંઠેથી પાછો ફરતો હતો ને મારું ધ્યાન પાણીથી ભરેલાં નાનકડાં ખાબોચિયા તરફ ગયું. પનિહારીઓથી પાણી ભરતી વખતે ઢોળાયેલાં પાણીથી ખાબોચિયું ભરેલું હતું.
ખાબોચિયામાં પાણી ડહોળું હતું. સામાન્ય સંજોગોમાં ન પીવાય! પણ મને થયું કે થોડુંક પી નાખું . તરસ છીપાશે. પાછો મનમાં સવાલ થયો કે ગમે તેવી તરસ હોય પણ આવું ડહોળું પાણી પીવાય? મારી અને મારી તરસ વચ્ચે જાણે કે વિવાદ મંડાયો. પણ મારી તરસ જીતી ગઈ. મેં દફતર મૂક્યું બાજુ પર ને ગોઠણીયાભર બેસીને પાણીનો ખોબો ભર્યો. મન ‘ના… ના’ કરતું રહ્યું ને મેં ખોબો મોંઢે માંડી દીધો.
પણ પાણી જીભને અડીને ગળા સુધી પહોંચ્યું કે તરત મેં કોગળો કરી નાખ્યો. હા,મારો સ્વાર્થ પૂરો થઈ ગયો હતો. મારી જીભ અને ગળાને જરૂરી ભીનાશ મળી ગઈ હતી.
પછી તો ખભે લીધું દફતર ને ફરી ભર્યાં ડગલાં ને વહેલું આવ્યું ઘર!.
હમમ. સરસ પ્રસંગ. હવે, મારી કથા સાંભળો.
જ્યારે સાર્થની ડીજીટલ ડિક્શનરી બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે હું ગુજરાત વિદ્યાપીઠનાં ગેસ્ટ હાઉસમાં રહેતો હતો. સાંજે કામ પતાવીને આવું ત્યારે એક બોટલ પાણીની ભરીને આવું અને આખી રાત તે ચાલે. એક દિવસ બોટલ ભરવાનું ભૂલી ગયો અને રાત્રે ૨ વાગે જોરદાર તરસ લાગી. શું કરવું? છેવટે, બાથરૂમનાં નળનું પાણી પીધું. ચોક્કસ છે કે ટાંકી વર્ષોથી ધોવાઇ નહોતી!!
અરે , વાહ! મારા મામાના દીકરા સાથે સાઈકલ પર સાણંદ ગયો હતો ત્યારની આવી જ તરસની વાત યાદ આવી ગઈ.
—————-
અને તેના ઘણાં વર્શો પહેલાં, કીશોરાવસ્થામાં, નવું નવું સાઈકલ ચલાવતા શીખેલા ત્યારે, તમારા સમવયસ્ક મામાના દીકરા સાથે અમદાવાદથી પાલડી ઉતર્યા વીના, સફળતાપુર્વક સાઈકલ ચલાવ્યાના ઉત્સાહમાં છેક સરખેજ અને વળી ત્યાંથી સાણંદ પણ આ જ ઉત્સાહથી પહોંચી ગયા હતા જ ને?
———————
આખો લેખ વાંચો .
http://gadyasoor.wordpress.com/2008/01/24/highway-2/
પણ તરસની વાત હવે લખવી પડશે!
ઘણાને આવી તરસનો અનુભવ જીવનમાં થયો હશે. મને પણ – કૉલેજકાળ દરમ્યાન આવો (પણ થોડો ઓછો કપરો) અનુભવ થયો હતો.
Thirst-of water or knowledge takes you places which seems impossible at first or last sight.
Being on side track- my father had brought his nephew to our home in 1955, seeing him walk for @ 7 kms from school in sun.He studied hard and become comm graduate and till date remembers this with moist eyes….anyway,I have made it my intention to help poor for study if they want to go ahead in life as God has given me ample in life.