રંગલીનું ડિપ્રેશન— યશવંત ઠક્કર
હે બ્લોગજનો અસર ના ઓટલે ફરીથી આપ સૌનું ભાવભર્યું સ્વાગત કરતા મને ખૂબ ખૂબ હરખ થાય છે. અહીંયા રંગલો અને રંગલી નોખા નોખા ખેલ રજૂ કરીને આપ સૌને રાજી કરે છે. જૂઓને બ્લોગજગત,નો સનેડો સાંભળીને બધાં ને કેવી મજા પડી ગઈ હતી? રંગલો અને રંગલી પણ બરાબરનાં ખીલ્યાં હતાં. પણ આજે કશુંક થયું હોય એવું લાગે છે. રંગલી જોઈએ એવા રંગમાં નથી લાગતી. એકદમ ઉદાસ થઈને બેઠી છે અને રંગલો એને રંગમાં લાવવા મથી રહ્યો છે. ચાલો આપણે જોઈએ કે શું થઈ રહ્યું છે!!!
———————————————————————————————————————————————————————————–
રંગલો— એ એ એ રંગલી… બેસણાંમાં બેઠી હોય એમ સોગિયું મોં કરીને કાં બેઠી છો? અસરના ઓટલે આમ બેસાય?
રંગલી— શું કરું? મને લાગે છે કે હું ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ છું. તને ખબર નહીં હોય કે એ કેવી ખતરનાક સમસ્યા છે?
રંગલો— સમસ્યા તેં હાથે કરીનેજ ઊભી કરી છે. મેં તને ના પાડી હતી કે બ્લોગજગતનાં ખેતરમાં પડ્યું પાથર્યું નો રહેવાય. એકાદ આંટો મારીને ઘરભેગું થવાય. બ્લોગજગત આપણાં માટે છે,આપણે બ્લોગજગત માટે નથી. પણ મારી વાત માને કોણ? બાકી ડિપ્રેશન તારાંથી બાર ગાઉ છેટું રહે હો રંગલી. એટલે ઈ ફિકર તો રહેવા જ દેજે.
રંગલી— પણ તું જ કહે રંગલા. બ્લોગજગતમાં જેને જેમ ફાવે એમ લખે ને કોઈનું રૂંવાડું પણ ના ફરકે એ ચિંતાનો વિષય નથી? રોજ ઉઠીને નવા નવા બ્લોગ! નહીં નામનાં ઠેકાણાં. નહીં ભાષાનાં ઠેકાણાં. નહીં વ્યાકરણનાં ઠેકાણાં. એમને કોઈ કહેતા કોઈ રોકનાર કે ટોકનાર નથી? હું એમ પૂછું છું કે ક્યાં ગયા એ વિદ્વાન તંત્રીશ્રીઓ, સંપાદકશ્રીઓ,અને વિવેચક્શ્રીઓ?
રંગલો— એ.. ઈ બધાય શ્રીઓ છે ને છાપખાનાંની એમની ઓફિસો છોડી છોડીને હાલતાં હાલતાં આપણા આ ઇન્ટરનેટના બ્લોગગજગત બાજુ આવવા નીકળ્યા છે. અહીં પોગતા વાર લાગશે ત્યાં સુધી તારા મગજને ટાઢું રાખ. મારી સાત ખોટની રંગલી…. તને કાંઈ થઈ જાશે તો મારું કોણ?
રંગલી— પણ રંગલા… આ કાંઈ રીત છે? કોઈ ઢંગધડાં વગરનાં લખાણો લખે ને કહે કે આ મારી ગઝલો, આ મારી વાર્તાઓ, આ મારું ચિંતન તો આપણે માની લેવાનું?
રંગલો— નો માનવું હોય તો નહીં માનવાનું. એમાં ક્યાં કોઈ તને ફાંસીએ ચડાવી દેવાનું છે.?
રંગલી— પણ એ લોકો પોતાની જાતને ગઝલકાર કે વાર્તાકાર કે ચિંતક માનતા હોય તો એમને માનવા દેવાના?
રંગલો—ભલેને માને. આપણને વાંધો શા માટે હોવો જોઈએ? કોઈ પોતાની જાતને રાજા ભોજ માનતો હોય તોય આપણે એ બાબતમાં શું કરી શકવાનાં? રંગલી, હું જાણું છું કે તારાંમાં બુદ્ધિનો જેટલો જથ્થો છે એટલો મારાંમાં નથી. છતાંય તને સમજાવવાનો પ્રયાસ કરું છું જો તું મને રજા આપતી હોય તો!
રંગલી— આપી. રજા આપી. રંગલા, મને ખબર છે કે તું ભલે બહારથી ગબલો દેખાતો હો પણ આજકાલ સમજણના ખજાનાની ચાવી હાથમાં રાખીને ફરે છે. ચાલ ખોલી નાખ તારો ખજાનો.
રંગલો— તો સાંભળ. ઘણાં ગામ કે નગરની બહાર એકાદ ‘મફતિયા પરા’ તરીકે ઓળખાતો વિસ્તાર હોય છે. ત્યાં લોકો મફતમાં મળેલા પ્લોટમાં પોતપોતાની રીતે મકાનો બાંધીને રહે છે. બરાબર?
રંગલી— બરાબર.
રંગલો— આ ‘મફતિયા પરા’નો મુખ્ય હેતુ લોકોને આશરો આપીને સુખી કરવાનો તેમજ પ્રગતિ કરાવવાનો હોય છે. બરાબર?
રંગલી— બરાબર. પણ એને ને બ્લોગજગતને શું લાગેવળગે?
રંગલો— આ બ્લોગજગત એક જાતનું મફતિયું પરું છે. મફતમાં મળેલી જગ્યામાં લોકો જાતજાતના બ્લોગ બનાવે છે. પોતાના વિચારો જણાવે છે ને હળવાં થાય છે. હળવાં થાવું એ બ્લોગજગતની મુલાકાતનો મુખ્ય હેતુ છે. હવે જો તું ધરમની ગાયના દાંત જોવા બેસીશ તો તારી પાસે દુ:ખી થવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સમજી? કે પછી વિશેષ પ્રયાસ કરું?
રંગલી— મતલબ કે કોઈ ફાવે એમ કૂદકા મારે ને કહે કે ‘ અમે સરસ મજાના ગરબા ગાઈએ છીએ ’ તો આપણે એમની વાત માની લેવાની.
રંગલો— આપણે નો માનવી હોય તો નહીં માનવાની. પણ કોઈ માનતું હોય તો માનવા દેવાનું. તેં ગરબાની વાત કાઢી છે તો હું તને નવરાત્રીનો જ દાખલો આપું. કાઠિયાવાડનાં નાનાં નાનાં ગામોમાં વીસત્રીસ જણાં જે રીતે રાસ- ગરબી લે એમાં સુર,લય અને તાલ એ ત્રણેયની જાળવણી થાય. અરે ચાંદાનાં અજવાળે બહેનો ભેગી થઈને વગર માઈકે ગરબો ગાય તો આપણને હટવાનું મન નો થાય.
રંગલી— એ તો ભૂલ્યું ભુલાય એમ નથી.
રંગલો— હવે વડોદરાની વાત કરું તો દુનિયાભરમાં વડોદરાની નવરાત્રી વખણાય છે. પણ જે કાઠિયાવાડનાં નાનાં ગામમાં શક્ય છે એ અહીંયા શક્ય નથી. અહીં પંદરવીસ જણાંનું મંડળ માઈકના સહારે વગાડે અને ગવડાવે અને એકસાથે પાંચ સાત હજાર લોકો એના તાલે ગરબામાં ઘૂમે ને ઝૂમે.
રંગલી— તારી વાત સાચી પણ એને ને બ્લોગજગતને શું લાગેવળગે?
રંગલો— મારી વાત તો પૂરી સાંભળ. હવે હું મુંબઈની નવરાત્રીની વાત કરું.
રંગલી— મુંબઈની તો વાત જ ના કરતો.
રંગલો— કેમ? તને મુંબઈની એલર્જી છે?
રંગલી— અરે રંગલા. એ લોકો નવરાત્રીમાં ગરબા કરે છે કે ભાંગડા? ડાન્સ કરે છે કે ગાંડા કાઢે છે ? મને તો ખશી ખબર જ નથી પડતી.
રંગલો— એ લોકો ઊભાં ઊભાં હાથ પગ હલાવીને ખુશ થાય તોય ઘણું છે. આખા વરસના થાક્યા પાક્યા એ બહાને હળવા તો થાય છે! બ્લોગજગત એ મુંબઈનું ગરબા-ગ્રાઉન્ડ છે જ્યાં લોકો હળવાં થાવા આવે છે.
રંગલી— તું તો જ્યાં હોય ત્યાં હળવા થાવાની જ વાત લાવી દે છે.
રંગલો— જો રંગલી. કોઈ હલકું થાતું હોય તો એનો વિરોધ હોઈ શકે પણ કોઈ હળવું થાતું હોય તો થાવા દેવું. આપણે જ લોકોને હળવાં નથી કરતા?
રંગલી— આપણો તો એ જ ધરમ છે. લોકોને ખુશ કરવાં.
રંગલો—પણ તું જ જો આમ પોસ્ટ વગરના બ્લોગ જેવી થઈને બેસી જાય તો આપણો ધરમ કેવી રીતે સચવાય?
રંગલી— તારી વાત વિચારવા જેવી તો છે હો રંગલા. [રંગલી કપાળે આંગળી રાખીને વિચાર કરે]
રંગલો— વિચારીને બેસી નથી રહેવાનું.
રંગલી— મને કશી સમજ નથી પડતી રંગલા. મને લાગે છે કે મારાં મનમાં જે તોફાન ઊઠ્યું છે તેમાં મારો સુંદર મજાનો બ્લોગ ડૂબી જશે.
રંગલો— હું તારા બ્લોગને નહીં બૂડવા દઉં રંગલી . ધ્યાનથી સાંભળ…
[ રંગલો, પાપ તારું પરકાશ જાડેજા ... એ રાગથી ભજન શરુ કરે છે અને રંગલી પણ સાથ દે છે.]
[રંગલો---] રંગ તારો પરકાશ રંગલી … ધરમ તારો સંભાળ રે….
તારા બ્લોગને બૂડવા નઈં દઉં… તારા બ્લોગને બૂડવા નઈં દઉં રંગલી રે…
એમ રંગલો કહે છે જી….હેજીરે…. એમ રંગલો કહે છે જી…
[રંગલી---] હે……કાઢી શબ્દોની ધાર રંગલારાજા… કાઢી શબ્દોની ધારરે…
મેં તો સાતવીસું ગીતડાં વાઢિયાં…. મેં તો વાંધા ને વચકાં કાઢિયાં
રંગલારે…. એમ રંગલી કહે છે જી…. હેજીરે… એમ રંગલી કહે છે જી.
[રંગલો---] રંગ તારો પરકાશ રંગલી…ધરમ તારો સંભાળરે ..
[રંગલી---] હે……… દીધા આકરા પ્રતિભાવ રંગલારાજા….. દીધા કડવા પ્રતિભાવરે…
મેં તો નવાં નવલાંને નાથિયાં ..મેં તો અઘરા દાખલા આપિયા
રંગલારે…. એમ રંગલી કહે છે જી…. હેજીરે…. એમ રંગલી કહે છે જી.
[રંગલો----] રંગ તારો પરકાશ રંગલી …. ધરમ તારો સંભાળરે…
[રંગલી---] હે…… જેટલું ખેતરમાં ઘાસ રંગલારાજા….. જેટલું ખેતરમાં ઘાસરે….
એટલા કકળાટ મેં કર્યા … હેજી એવા ઉકળાટ મેં કર્યા
રંગલારે…. એમ રંગલી કહે છે જી… હેજીરે… એમ રંગલી કહે છે જી.
[રંગલો---] રંગ તારો પરકાશ રંગલી… ધરમ તારો સંભાળરે…
[રંગલી---] હે….. મને દીધો મારો રંગ રંગલારાજા…. દીધો પાછો ઉમંગરે….
મારી હતાશા દૂર કરી તેં … મારી નિરાશા દૂર કરી તેં
રંગલારે…. એમ રંગલી કહે છે જી… હેજીરે… એમ રંગલી કહે છે જી.
[રંગલો---] રંગ તારો પરકાશ રંગલી… ધરમ તારો સંભાળરે…
રંગલી—[ખુશ થઈને] વાહ રંગલા, વાહ. આજે તો તેં ખરેખર રંગ રાખ્યો. હું મારગ ભૂલી ગઈ હતી પણ તેં મને સાચા રસ્તે લાવીને મૂકી દીધી. રંગલા તેં તો ગજબનું કામ કરી નાખ્યું છે. હું તો એમ કહીશ કે તેં તો મને ઝળહળતાં સત્યનાં દર્શન કરાવ્યાં છે .
રંગલો— લે કર વાત! મેં એવું મોટું કામ કરી નાખ્યું છે? તો એક કામ તું પણ કર રંગલી. જાહેર હિતને ખાતર એ સત્યને પ્રગટ કર. પ્રગટ કર. પ્રગટ કર.
રંગલી— સાંભળ રંગલા અને સાંભળો બ્લોગજનો… પ્રિન્ટ મીડિયાના ભવ્ય ભૂતકાળને યાદ કરીકરીને દુ:ખી થાવાનો કોઈ અર્થ નથી. ત્યાં બિલોરી કાચ લઈને બેસનારા સંપાદક્શ્રીઓ શુદ્ધિકરણની પ્રક્રિયા કરતા હતા. બ્લોગજગતની આઝાદીમાં એ સો ટકા સંભવ નથી.
રંગલો— કારણ કે બ્લોગજગત એ માત્ર લેખકો કે કવિઓ માટે જ નથી.પણ એ તમામ લોકો માટેનું માધ્યમ છે . બ્લોગજગત એ લોકો માટે આશિર્વાદરૂપ છે કે જેઓ પોતાનાં હૈયાંમાં રહેલી વાતો કે વિચારો બીજાં સાથે વહેંચવા માંગે છે. એમની રજૂઆતમાં કોઈને મર્યાદાઓ જણાય પણ એ મર્યાદાઓ દૂર થઈ શકે છે. હું તો એમ કહેવા માંગું છું મારાં વાલીડાઓ કે બ્લોગજગતને મંજિલ માનીને બેસી જશો તો અબખે થઈ જશો પણ રસ્તો માનીને સફર કરશો તો નવું નવું જોવા મળશે.
રંગલી— અને એ વાત પણ એટલીજ સાચી છે કે જો બ્લોગજગતમાં ભાષાનું જતન થશે, છંદોનું પાલન થશે, અલંકારોનો યોગ્ય થશે અને રજૂઆતની નવી નવી રીતરસમો નો ઉપયોગ થશે તો સોનામાં સુગંધ ભળવા જેવું થશે. બ્લોગજગતમાં તમે જ તમારા સંપાદક થઈ શકો તો એનાં જેવું એકેય નહીં.
રંગલો— પ્રિન્ટમીડિયામાં કાંઈ બધુ જ રૂડું રૂપાળું નથી. ત્યાં તમારી રચના મોકલો પછી ’હરિ ઇચ્છા બળવાન’ એમ માનીને સંપાદકશ્રીના જવાબની રાહ જોઈને બેસી રહેવાનું. તપાસ કરવાની મનાઈ! પૂછપરછ કરવાની મનાઈ!!
રંગલી— ત્યાં ધૂણી ધખાવીને બેઠેલા જૂના જોગીઓના કારણે નવાં નવાંને તો આસન પાથરવાની જગ્યા પણ મળવી હોય તો મળે. કેટલાંય તો જિંદગીભર રાહ જોતાં જ રહી જાય છે.
રંગલો— જ્યારે બ્લોગજગતમાં તો એક બટન દાબીને તમે તમારી રચના દુનિયાભરમાં વહેતી કરી શકો છો. અને એટલીજ ઝડપથી વળતા પ્રતિભાવો મેળવી શકો છો.
રંગલી— એના કારણે તમને જે આનંદ મળે છે… જે સંતોષ મળે છે … એનું મૂલ્ય રૂપિયા પૈસામાં મપાય એમ નથી.
રંગલો— આ તો દરિયો વલોવવા જેવી વાત છે મારા વાલીડાં. એમાંથી અમૃત નીકળે અને ઝેર પણ નીકળે. શું લેવું એ તમારા હાથની વાત છે.
રંગલી— ને ઝેર પચાવવાની તાકાત હોય તો જ મોઢે માંડજો નહીં તો છેટાં રહેવામાં જ મજા છે.
રંગલો— હવે બસ કર રંગલી. બોધપાઠ બહુ થઈ ગયા. આપણે જ બધું કહી દેશું તો ઓલ્યા વિદ્વાનશ્રીઓ શું કરશે?
રંગલી— હા એ વાત પણ સાચી. તો જતાં જતાં સાંભળો છેલ્લી વાત…
બંને— બ્લોગજગતના ઘાટ પર રોજે રોજનો મેળો
કોઈ જમાવે અડ્ડો ને કોઈ મારે ફેરો
કોઈને વળગ્યું ગીત તો કોઈને વાર્તા વળગી ગઈ…
કોઈને વળગી ફિકર તો કોઈને મસ્તી વળગી ગઈ …
તા થૈયા થૈયા ને તા થૈ.
[ અસર ના ઓટલે ફરીથી પધારજો ]
સંપાદકશ્રીના જવાબની રાહ જોઈને બેસી રહેવાનું. તપાસ કરવાની મનાઈ! પૂછપરછ કરવાની મનાઈ!! v.true
but there are always benefits and misbenefits, so it’s there in print media as well as in blog world, too.
સુપર્બ. ઘણી ગંભીર વાતો હળવાશ–સરળતાથી ને સહજતાથી કહી.
આ વાત આપણે સૌ સમજીએ ને નેટને દોરડે મસ્તીથી ઝૂમીએ.
Respected Sir,
After read this article just want to say,”Its really one of the very effective article ever at your blog”
Health Fitness Care Tips | Health Fitness Tips | Fitness Facts | Somnath Mandir
-Thank You Very Much.
Paavan Japan
Software Developer,Puna
સભાર પરત ની ચીંતા નહીં સરસ જમાવટ થતી જાય છે ભાઇ ભાઇ
હળવી શૈલીમાં ઘણાં અગત્યનાં પાસાઓ આવરી લીધાં. બહુ સરસ. ગુજ. બ્લૉગ જગતમાં આ મૌલિક શ્રેણી એ તમારી આગવી ઓળખ છે. આને આજ રીતે પ્રસંગોપાત આગળ ધપાવજો.
સરસ! મજાની વાત. મને દેશમાં હતો ત્યારે સાભાર પરતનો ઘણો જ અનુભવ થયો હતો. એ કારણે લગભગ દશેક વરસ તો મેં લેખન બંધ કરેલ. અહિં યુએસ આવ્યા બાદ સમય ચોરી લખું છું અને સ્થાનિક માસિકોમાં વાર્તાઓ છપાય છે. પણ બ્લોગ પર મારી વાર્તાઓ મુકવાનો આનંદ કંઈ ઓર જ હોય છે.
ખેર! બ્લોગનો યથા ઉપયોગ થાય એ જરૂરી છે.
હંમેશની માફક… આજેય રંગલા-રંગલીએ રંગ રાખ્યો હોં !
એ………….રંગલા- હોં…………રંગલીએ
તા થૈયા થૈયા ને તા થૈ
તા થૈયા થૈયા ને તા થૈ
….
તા થૈયા થૈયા ને તા થૈ
વાહ…..સરસ.. હાર્દીક અભીનંદન……અભિનંદન અને શુભેચ્છાઓ