હે ગુણીજનો… હે બ્લોગજનો…અસર ના ઓટલે આપ સૌને ફરીથી આવકારતા આનંદ અનુભવું છું. આજકાલ આપણે સૌ રંગલા રંગલીની ભવાઈ માણી રહ્યાં છીએ. આ પહેલાં અહીંથી COPY PASTEની ભવાઈ અને રંગલાનું ગાલગાગાએ બે ખેલ રજૂ થયા. જે આપ સૌને ખૂબ જ પસંદ પડ્યા. હવે આજે રજૂ થશે એક નવો ખેલ જેનું નામ છે: “રંગલાનું ગીત ગુંજન”
વાત જાણે એમ છે કે રંગલીની સલાહ મુજબ રંગલો નવો બ્લોગ બનાવે છે જેમાં તે પોતાની મૌલિક રચનાઓ મૂકવા માંગે છે. પણ ગઝલ રચનામાં ધારી સફળતા ન મળવાથી હવે તે ગીત રચના માટે ધમપછાડા કરે છે. આવો જોઈએ કે શું થઈ રહ્યું છે!!!
[ખેલ શરુ ]
[રંગલો ચિત્ર વિચિત્ર હાવભાવ સાથે ગીત ગાય છે અને રંગલી માથે હાથ દઈને બેઠી છે.]
રંગલો—
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા પોદળા એવા મૂક્યા
પોદળે પોદળે બાજરાના લીલા છોડ ઊગ્યા
લીલા છોડ ઊગ્યા ને કોઠીએ દાણા પૂગ્યા કે
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા ….
રંગલી— હે ભગવાન. હે તેત્રીસ કરોડ દેવતા. મારી રક્ષા કરો. રક્ષા કરો. રક્ષા કરો.
રંગલી— એ એ એ … રંગલી .. એવાં તે કેવાં દુ:ખ તૂટી પડ્યાં છે કે આમ મોટી ભગતડી થઈને તેત્રીસ કરોડ દેવતાને કાલાવાલા કરવા બેઠી છે. હું દેવાધીદેવ રંગલો તને નજરે નથી પડતો?
રંગલી— તું જ તો છો મારાં દુ:ખનું મૂળ! મારા રોયા!
રંગલો— [ગળગળો થઈને] લે.. મેં વળી શું કર્યું? તને વેણ કવેણ કહ્યાં? તારા બ્લોગ પર આવીને આડી અવળી કૉમેંટ કરી?
રંગલી— અરે આ તારું હથોડા ગીત મારાથી સહન નથી થાતું.
રંગલો— મારા ઊર્મિગીતને તું હથોડા ગીત કહે છે? તારી આ મજાલ? આ માત્ર મારું જ નહીં પણ સમગ્ર કવિ સમુદાયનું અપમાન છે.
રંગલી— રંગલા તું નહીં માને! તારું આ ગીત સાંભળું છું ત્યારે મારાં માથે હથોડા પડતા હોય એવું લાગે છે.
રંગલો— કેમ? ગીતમાં કાંઈ વાંધાજનક છે? તારી લાગણીને ઘોબો પડે એવું છે?
રંગલી— મારાં મગજમાં ઘોબા પડી ગયા છે. હવે દયા કર.
રંગલો— એમ નહીં. મારાં ગીત બાબત મારી સાથે ગંભીર ચર્ચા કર.
રંગલી— ગંભીર ચર્ચા કરવા જેવું ગીત હોવું જોઈએને? મેં તને કહ્યું હતું ને કે ગીત રચવામાં ઉતાવળ ન કરતો. સારો વિષય પકડજે.. અર્થ પકડજે… ભાવ પકડજે… બરાબર લય પકડજે…
રંગલો—- આ બધુંય એક જ પાંજરામાં પકડાઈ જાય એવું પાંજરું વડોદરાની નવાબજારમાં મળે છે? હું સો બસો ખર્ચી નાંખું એવો છું. હા… મને પૈસાની નથી પડી. પણ તું આમ મારા કવિત્વનું અપમાન કરે એ ગુજરાતી સાહિત્યનાં ભવિષ્ય માટે ઠીક નથી.
રંગલી—- હવે રહેવા દે. ગુજરાતી સાહિત્યની ચિંતા કરવાવાળા એક એકનું માથું ભાંગે એવા બેઠા છે. તું તારું કર. જેનો કશો અર્થ હોય એવું ગીત લખ. પછી મારી સાથે વાત કર.
રંગલો— હવે તું ધ્યાન દઈને આ ગીત ફરીથી સાંભળ.
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા પોદળા એવા મૂક્યા
પોદળે પોદળે બાજરાના લીલા છોડ ઊગ્યા
લીલા છોડ ઊગ્યા ને કોઠીએ દાણા પૂગ્યા કે
ગામને પાદર ભગરી ભેંસે પોદળા એવા મૂક્યા …..
રંગલી— મને તો આમાં કશું પલ્લે પડતું નથી.
રંગલો— જો તને સમજાવું.
રંગલી— ટૂંકમા સમજાવજે. હું લાંબી ચર્ચા સહન કરી શકું એમ નથી.
રંગલો— લાંબી ચર્ચાની જરૂર જ નથી રંગલી. આ એકદમ સરળ અને સહજ ગીત છે. ગામને પાદર ભેંસો જે પોદળા મૂકે છે એનું ખાતર થઈને ખેતરમાં પથરાય છે. જેના લીધે ખૂબ જ બાજરો પાકે છે અને એ બાજરાથી ખેડૂતની કોઠીઓ ભરાય છે. આ સંદેશો લઈને આવ્યું છે મારું આ ગીત. તને સમજાય છે એ સંદેશો?
રંગલી—- [પેટ પકડીને હસે] આ તો ઉખાણાં ગીત જેવું થયું.
રંગલો— એનો પ્રકાર નક્કી કરવાનું કામ તારું. આ તો પ્રથમ પંક્તિ છે. આખું ગીત તૈયાર થશે ત્યારે જોજેને તું જ એ ગીત માથે મૂકીને નાચવાની છો.
રંગલી— પણ મને એ નથી સમજાતું કે ગીતો મોટાભાગે ગામડાંનાંજ કેમ? શહેરનાં કેમ નહીં?
રંગલો— લે અવાજ કરની… આ રહ્યું શહેરનું ગીત! સાંભળ…
શાકની લારીએ હાલની સખી રીંગણાં વીણવા જઈએ ભીડા તોડવા જઈએ…
રંગલી—- એ એ એ રંગલા. આવું તે કાંઈ ગીત હોય?
રંગલો— હોઈ શકે. કેમ હોઈ શકે એ સમજવા માટે પહેલાં મારા સવાલનો જવાબ આપ કે શાકની લારીએ તમે સરખી સાહેલીઓ શાક લેવા ટોળે વળો છો કે નહીં?
રંગલી— હા. વળીએ છીએ.
રંગલો—લારીને ઘેરી વળ્યા પછી રીંગણાં કે બીજાં શાક વીણી વીણીને લો છો કે નહીં? વળી ભીંડા કૂણા છે કે નહીં એ જોવા માટે ભીંડાની સીંગો તોડી તોડીને લો છો કે નહીં?
રંગલી— અરે! અમે શાક લઈએ ત્યારે તું અમને આટલાં બધાં ધ્યાનથી જૂએ છે?
રંગલો— જોવું તો પડેને? ગીતકાર બનવું હોય તો અવલોકન તો કરવું પડેને? આ ગીતની રચના તો મેં ઊંડાં અવલોકન બાદ કરી છે.
રંગલી—એમ? તો તું હવે અવલોકનના ચાળે ચડ્યો છે?
રંગલો— હા. ધ્યાનથી સાંભળ મારું અવલોકન. શાક લેતી વખતે તમે લોકો શાકવાળા સાથે વજન અને ભાવ બાબત રકજક ન કરો તો તમને તમારું શાક લેવું એળે ગયું લાગે. શાક્વાળો એક બટાકું પલ્લામાંથી ઓછું કરે તો તમે ફરીથી પલ્લામાં નાંખો. એ ફરીથી ઓછું કરે તો તમે સીધું થેલીમાં પધરાવો. સાથે છોકરું હોય તો એના હાથમાં ટમેટું પકડાવી દો. પૈસા આપતી વખતે એકાદ રૂપિયો બાકી રાખવાનો! મસાલો મફત માંગવાનો. ના આપે તો છેવટે લીમડો તો લેવાનોજ!
રંગલી— વાહ રંગલા વાહ! આ વિષય પર તો તારે પી.એચ. ડી. કરવા જેવું છે.
રંગલો— એ પણ થશે. તારાં માર્ગદર્શન હેઠળ. પણ મારું આજનું ગીતગુંજન કેવું લાગ્યું? સાચુ કહેજે.
રંગલી— સાચુ કહીશ તો તારી લાગણી દુભાશે.
રંગલો— નહીં દુભાય. એ એટલી બધી દુભાઈ ગઈ છે કે હવે એમાં દુભાવા જેવું કશું જ રહ્યું નથી! માટે તારે જે કહેવું હોય તે બેધડક કહી દે.
રંગલી— તો સાંભળ. ગીત લખવાની હમણાં ઉતાવળ કરવા જેવી નથી. જૂનાં અને નવાં ગીતો ધ્યાનથી સાંભળ. નેટ પર અનેક સુંદર સુંદર ગીતો વાંચવા અને સાંભળવા મળશે. એની ખૂબીઓ પકડજે અને પછી ગીત રચવાના પ્રયાસ કરજે.
રંગલો—પણ મારા બ્લોગનું શું? દુકાન ખોલી નાખી છે તો માલ તો ભરવો પડશેને?
રંગલી— જો રંગલા. તારે માલ જેવો તેવો નથી ભરવાનો. બરાબરને?
રંગલો— હા બરાબર.
રંગલી— તો ધીરજ રાખ. અને હવે મને રજા આપ તો હું જાઉં.
રંગલો— ક્યાં જાવું છે એ તો કહો. ગોરી… ?
રંગલી— એ રસોડામાં જાવું છે. ચા બનાવવા. તારાં ગીતો સાંભળીને મગજને ભારે શ્રમ પડ્યો છે.
રંગલો— તેં તો સાંભળ્યાં ને આટલો શ્રમ પડ્યો પણ મેં તો આ ગીતો બનાવ્યાં છે. મને કેટલો શ્રમ પડ્યો હશે? મારે ચા નહીં પીવી હોય?
રંગલી— પીજેને. કોણ ના પાડે છે? હું કાંઈ એકલી પીવાની છું?
રંગલો—તો બરાબર. હવે આ બ્લોગમિત્રોની રજા લેતા પહેલા થોડું નાચી લઈએ…
બંને–
દિવસો ખૂટશે વરસો ખૂટશે જિંદગી ખૂટશે સઈ
મારીતારી આખોમાથી સપનાં ખૂટશે નઈં
આંસુ ખૂટશે મુસ્કાન ખૂટશે શ્વાસો ખૂટશે સઈ
મારાતારા ભવની આ ભવાઈ ખૂટશે નઈં
તા થૈયા થૈયા ને તા થૈ
એ આવજો … બ્લોગમિત્રો … સુંદર સુંદર બ્લોગ બનાવજો ને અમને યાદ કરજો.
હાલો ઝટ હાલો…
[આવજો ... અસરના ઓટલે ફરીથી પધારજો]
અસર પર સરસ સરસ જણસ !! જશવંત હવે યશવંત !
રંગલો ને રંગલી એક નવું જ જગત ખુલ્લું કરી આપે છે, રજુઆતનું. આ માધ્યમને લાવી મુકવા બદલ ધન્યવાદ.
એ……ય ને બાકી રંગ જમાવ્યો હો યશવંતભાઈ આ રંગલા અને રંગલી થી. બહુ જામો પડ્યો લ્યો ત્યારે.
સુંદર ..
bahu saras….
ગઝલથી ગીતના રવાડે ચડેલા રંગલાના ધમપછાડામાંથી પ્રગટતો ગીત લેખનનો સાર સરસ રીતે રજૂ થયો છે. કોપિ-પેસ્ટના સહજ અને હળવા ઉપાડથી શરૂ થયેલી ભવાઈની હવે સઘન,સંકુલ અને પ્રલંબ થતી જાય છે.
રંગલા-રંગલીની રંગત સરસ જામી છે. મજા પડે છે.
Yashwantji….congrats for the wonderful art work on Bhavae.You are doing a good job by this, people gets message with some pleasure too.
મજા આવી ગઈ… આ રંગલો-રંગલી હવે સાચે જ રંગ જમાવતા જાય છે. હવે ચાલુ જ રાખજો એમની રંગીલી અને નવલી ભવાઈને…!
ઘનશ્યામ નાયક અને લીલી પટેલ રંગલા રંગલી તરીકે અને પછી જયંતિ પટેલ રંગલા ના સ્વરુપે જોયેલા માણેલા તે છેક વર્ષો પછી આપે એ યાદો ને તાજી કરાવી તકલીફો માંથી તક ગોતવી તે આનું નામ કોપી-પેસ્ટ થ શરુ થયેલી આ શ્રેણી ના નવા વેશ ની પ્રતિક્ષા રહેશે