રંગલાનું ગાલગાગા — યશવંત ઠક્કર
હે બ્લોગજનો… હે ગુણીજનો. અસર ના ઓટલે આપ સૌને આવકારતા હરખ અનુભવું છું. આપ સૌ જાણો છો કે આજકાલ રંગલો ને રંગલી આપણાં મહેમાન છે. આપ સૌનાં મનોરંજન માટે અહીંયા જાતજાતના ખેલ થાય છે. આ બધા ખેલ કલ્પના પર આધારિત છે. કોઈ કહેતા કોઈ વ્યક્તિ, વર્ગ કે સમુદાયે આ બધા ખેલ કે ખેલનો કોઈ ભાગ પોતાને લાગુ પડે છે એવું માની લેવાની ઉતાવળ કરવી નહીં. ગેરસમજને દૂર રાખશો ને મલકવાની ભાવના રાખશો તો સૌને મજા આવશે. એવી મારી બે હાથ જોડીને વિનંતી છે.
હવે આજના ખેલની વાત કરું તો ખેલનું નામછે: છે: “ રંગલાનું ગાલગાગા” વાત એમ છે કે મિત્રો , કે રંગલી સલાહ મુજબ રંગલો પોતાનો જામેલો બ્લોગ બંધ કરીને નવો બ્લોગ શરુ કરે છે. આ બ્લોગમાં તે માત્ર પોતાની જ મૌલિક રચનાઓ મૂકવાનું નક્કી કરે છે. ને જૂઓ શું થઈ રહ્યું છે!!!
[ખેલ શરુ]
[રંગલો આમથી તેમ ચક્કર મારે છે ને રંગલી માથે હાથ દઈને બેઠી છે.]
રંગલો— ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા…. ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
આજ તારું હાલ તારું ગામ છોડું પ્રેમથી …… આજ તારો હાથ છોડું આમ છોડું પ્રેમથી
ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા…. ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
રંગલી— એ… રંગલા …મહેરબાની કરીને શાંત થા.. શાંત થા… તને થયું છે શું? આ તેં શાંની લવારી માંડી છે?
રંગલો— લે .. તને નથી ખબર? આજથી જાતે જ જ ગઝલ બનાવું છું.
રંગલી— શું કહ્યું? ફરી બોલ તો.
રંગલો— એ.. બીજા પર આધારિત ન રહેતા હું જાતેજ ગઝલ બનાવું છું. માય ઓવન પ્રૉડક્ટ ….. એ પણ છંદમાં … ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
રંગલી— [ખડખડાડાટ હસીને] અલા… ગઝલ તે કાંઈ બનાવવાની ચીજ છે? એ કાંઈ ખમણ ઢોકળાં કે દાળવડાં કે ભજિયાં છે તે બનાવવા નીકળ્યો છે? એ તો થઈ જતી હોય છે આપોઆપ… જેમ આપણી વચ્ચે થઈ ગયો હતો પ્રે….મ. આપોઆપ! એકદમ સહજતાથી!
રંગલો— પ્રેમ આપોઆપ થઈ ગયો હતો ઈ વાત સાચી. પણ એને સફળ બનાવવા કેટલાં કેટલાં વાનાં કરવાં .પડ્યાં હતાં . એ હું ભૂલ્યો નથી હો . તને આપવા માટે એક વખત તો એક ગુલાબના પૂરા સો રૂપિયા ચૂકવ્યા હતા. કહેતી હો તો સાબિતી માટે હિસાબની જૂની ડાયરી પેશ કરું.
રંગલી—કોઈ જરૂર નથી.માની લીધું.
રંગલો—ત્યારે પછી. પ્રયત્નો તો કરવા જ પડેને? સુતેલા સિંહનાં મોઢાંમાં કાંઈ ભજિયાં પ્રવેશ કરતાં નથી.
રંગલી—બકા, ભજિયાં નહીં. હરણાં. સુતેલા સિંહનાં મોઢાંમાં હરણાં પ્રવેશ કરતાં નથી.
રંગલો— એમજ બોલવાનો હતો.પણ તેં હમણાં જ ભજિયાંનું નામ લીધું ને મારાં મગજમાં ભજિયાં ઘુસી ગયાં. આજે હવે ભજિયાં ખાવાં જ પડશે.
રંગલી— તારાં મગજમાં ક્યારે શું ઘુસી જાય એનું ઠેકાણું નથી.
રંગલો— રંગલી…. આ તારાં લીધે જ મારું મગજ ખરાબ થઈ ગયું છે.
રંગલી — લે.કર વાત! તારું મગજ તો પહેલેથી જ ખરાબ હતું. મારું નામ શું કામ લે છે?
રંગલો— [રડવા જેવો થઈને] રંગલી… કેવો મજાનો મારો હર્યો ભર્યો બ્લોગ હતો! નાનામોટા કવિઓની ગઝલું ને ગીતડાં એમાં ગોઠવતોતો. મુલાકાતીઓ આવતાતાં ને ખુશ થાતાતાં ને જાતાં જાતાં કોઈના હૃદયમાં રામ વસે તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેવી કોમેંટું દેતા જાતાતા. એ બંધ કરીને તેં મને મોલિક રચનાઓ રચવાના ચાળે ચડાવ્યો.
રંગલી— મોલિક નહીં.મૌલિક … બોલ, મૌલિક .
રંગલો —એ જે હોય તે. પણ સાવ ખોટો નિર્ણય લેવાઈ ગયો છે . પાંચ માણહને પૂછવા જેવું હતું. ત્રણ દીથી મથું છું પણ એક ગઝલ નથી બનતી.
રંગલી— એમ નિરાશ થવાની જરૂર નથી. બકા.. તારામાં કવિપણું હશે તો જરૂર બહાર આવશે.જેમ પાતાળ ફોડીને પાણી બહાર આવે છે એમ.
રંગલો— પણ નથી આવતું એનું શું?
રંગલી— હવે તને ખબર પડીને કે એક કવિતા કે ગઝલ લખવી કેટલી અઘરી છે? જો રંગલા, કવિ બનવા માટેની પહેલી શરત એ છે કે તમને વ્યથા થવી જોઈએ. તને થાય છે?
રંગલો—વ્યથા એટલે શું?
રંગલી— વ્યથા એટલે પીડા. બોલ તને કોઈ જાતની પીડા થાય છે?
રંગલો— મારી ઉપરની આ દાઢ બે દિવસથી સબાકા મારે છે.
રંગલી— એવી પીડાની વાત નથી કરતી. હું એમ કહેવા માંગું છું કે તારી અંદરથી કોઈ અવાજ આવે છે?
રંગલો— અવાજની વાત કરતી હો તો કાલ આખો દી પેટમાંથી ગુડુડુડુનો અવાજ આવતોતો.
રંગલી— એ તો મારા હાથની દાળઢોકળી ખાવામાં તેં મર્યાદા ન રાખી એનું પરિણામ. પણ હું એવા અવાજની વાત નથી કરતી. હું એમ કહેવા માંગું છું કે તારાં હૃદયમાંથી કશો અવાજ આવે છે?
રંગલો— મારા કાન કરતાં તારા કાન સરવા છે. તને સંભળાય છે? એવું હોય તો લે મારું હૃદય આ રહ્યું હાજર! એના પર કાન માંડી જો.
રંગલી— ઓ કૉપિસમ્રાટ. તેં તો હદ કરી નાંખી. મારે તને કેમ સમજાવવો કે ગઝલ લખવી એ વાહ વાહ કરવા જેવું સહેલું કામ નથી. એને માટે હૃદયમાંથી આહ નીકળવી જોઈએ. તને પીડાનો તીવ્ર અનુભવ થવો જોઈએ.
રંગલો —એ થાય છે એની ખબર કેમ પડે? જેમ કે મેલેરિયા થાય ત્યારે ઠંડી વાય ને તાવ આવે. આમાંય એવું કાંઈક થતું હશેને?
રંગલી—હે ભગવાન.આ રંગલાને મારે કેમ સમજાવવો?
રંગલો — રંગલાકો સમજાના મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ.
રંગલી— એક છેલ્લો પ્રયત્ન કરી જોઉં. ધ્યાન દઈને સાંભળ રંગલા. જાણે કે આપણાં હૃદયમાં ટાંકણી ઘોંચાયને લોહીના ફુવારા ઊડે ને આપણાથી એક તીવ્ર ચીસ પાડી દેવાય. એ ચીસ એ જ ગઝલ!
રંગલો— [મજાકભર્યું હસીને] હવે તો તું હદ કરે છે હો રંગલી. હું તને એમ કહું છું કે કોઈ માણસનાં હૃદયમાંથી લોહીના ફુવારા ઊડે પછી એ બચે જ શાનો? પછી ગાલગાગા નો સવાલ જ ક્યાં રહ્યો? પછી તો એક જ વાત રહે. રામ બોલો ભાઈ રામ! રામ બોલો ભાઈ રામ! કે વહેલું આવે અંતિમ ધામ.
રંગલી —એ આતો એક ઉદાહરણ છે .. એને ઉદાહરણ તરીકે લે .. હવે હું તને બે હાથ જોડીને અરજ ગુજારું છું કે…
રંગલો— એ એ એ રંગલી. એમ સાવ નાખી દેવા જેવી વાત ન કર. તું મને અરજ કરે તો મને મરવા જેવું લાગે. હુકમ કર મારી રાણી, મને હુકમ કર.
રંગલી— તો સાંભળ રંગલા. મારો તને હુકમ છે કે આ ગઝલ-રચનાનો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખ. ખૂબ અભ્યાસ કર. તું નસીબદાર છે કે તને આ ઇંટરનેટના જમાનામાં જ્ન્મ મળ્યો છે. પહેલાં આવું નહોતું. કેટલાય ઉગતા કવિઓ માહિતી અને માર્ગદર્શનના અભાવે મુરઝાઈ જતા હતા. આજે નેટ પર ગઝલ કે કવિતાની સમજ આપતી સામગ્રી તારી રાહ જોઈ રહી છે. ગઝલ માટે ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા એક જ છંદ નથી. બીજા અનેક છે. એની પણ જાણકારી મેળવ. વળી .. નવા અને જૂના અનેક કવિઓની રચનાઓ તું મધુર સગીત સાથે સાંભળી શકે છે. આ બધાંનો તું પણ લાભ લે રંગલા. લાવ્ય ઘોડો ને કાઢ્ય વરઘોડો .. એ કહેવતની જેમ ઉતાવળો ન થા. ધીરે ધીરે તારા પંથે આગળ વધ. તારું કલ્યાણ થશે.
રંગલો— [ગળગળો થઈને] કલ્યાણ તો થાવાનું હશે ત્યારે થાશે પણ એની પહેલા મારે આ અતિ વિકટ રસ્તો પસાર કરવો પડશે એમ તારું કહેવાનું છે. હું બરાબર સમજ્યો છું ને મારી રાણી?
રંગલી— એકદમ બરાબર સમજ્યો છે મારા રાજ્જા. કઠોર પરિશ્રનો કોઈ વિકલ્પ નથી.
રંગલો— છે .મારી રંગલી, છે. જો તું રજા આપે તો…
રંગલી— મને ખબર છે કે તું શું કહેવા માગે છે. તારે ફરીથી કૉપિપેસ્ટ ના સહેલા રસ્તે જવું છે ને?
રંગલો— રંગલી,તારી વાત સમજાવવા માંટે તેં મને બહુ ઉદાહરણ આપ્યાં છે. હવે મારી વાત સમાજાવવા માટે એક ઉદાહરણ હું તને આપું.
રંગલી—ઈર્શાદ.
રંગલો— જો આપણાં આ વડોદરા શહેરમાં ફરસાણના શો રૂમ જેવી કેટલીય સુંદર મજાની દુકાનો છે કે નહીં?
રંગલી— છે ને.
રંગલો— એ દુકાનોમાં અનેક જાતનાં ફરસાણનાં તૈયાર પેકેટો મળે છે. એમાં સોલાપુરી ચેવડો મળે.. લીલો ચેવડો મળે… એમાં ભાદરણના મગ મળે…
રંગલી— [ચૂપ]
રંગલો— હોકારો તો દે મારી રંગલી. તારાં મોઢાંમાં ભાદરણનાં મગ ભર્યાં છે? હા એટલું તો બોલ.
રંગલી— હા મળે.
રંગલો— એમાં ભાવનગરી ગાંઠિયા મળે.
રંગલી— મળે.
રંગલો— એમાં મુંબઈનું ટમટમ મળે.
રંગલી— મળે.
રંગલો— એમાં લીંબુ મરીની સેવ મળે.
રંગલી—મળે.
રંગલો— લે વડોદરાની ભાખરવડી તો ભૂલી જ ગયો. સરસ મજાની અમેરિકા ને લંડન સુધી જાય એવી ભાખરવાડી મળે.
રંગલી— એ રંગલા. આ શું નવો ધંધો માંડ્યો છે? વડોદરાની દુકાનોમાં બસ્સો જાતનાં ફરસાણ મળે એટલે મારે બસ્સો હોકારા ભણવાના? જે કહેવું હોય એ ટુંકમાં કહેતા નથી આવડતું?
રંગલો— ટુંકમાં કહેવાય એવી વાત હોત તો કહી ન દીધી હોત? મને વિચાર વિસ્તાર કરવાના શોખ થાય છે? જા નથી કાહેવું કશું.
રંગલી— એ … રંગલા રાજા. રિસાઈ ગયો? આટલી અમથી વાતમાં?
રંગલો— [ગળગળો થઈને] તને તો ખબર છે ને રંગલી… કે હું અતિશય લાગણીશીલ વ્યક્તિ છું. મારી લાગણી દુભાતા વાર નથી લાગતી.
રંગલી— હશે રંગલાજી. હશે. મારી ભૂલ થઈ ગઈ. આપની લાગણી દુભવવા બદલ હું આપની ક્ષમા યાચુ છું.
રંગલો— રહેવા દે. સારી નથી લાગતી. સાહિત્યકારોની જબાન છોડીને તારી જબાનમાં સીધી વાત કર.
રંગલી— સીધી વાત તો તારે કરવાની છે. તારી વાત વડોદરાની ફરસાણની દુકાને અટકી ગઈ છે.
રંગલો— તો સાંભળ આગળ. ફરસાણની દુકાનમાં ઘરાક આવે. જેનાં પેકેટ જોઈતા હોય એ લઈ લે ને પૈસા ચૂકવી ને થાય હાલતા. દુકાનદારને કોઈ જાતની મગજમારી ખરી? ચેવડો બનાવવાની કે ભાખરવડી બનાવવાની? બનાવનારાં બનાવે. વેચનારાં વેચે. ખાનારાં ખાય. એમાં કોઈનો ગરાસ શાંને લુંટાય?
રંગલી— તારો ઈરાદો શો છે? સાફસાફ બોલ.
રંગલો— સાફસાફ કહું તો રંગલી, મને હું ગઝલ રચનાના પંથે આગળ નહીં વધી શકું. તૈયાર ગઝલો લઈને મારા બ્લોગમાં મૂકવા દે. હું કવિઓના નામ લખીશ. બસ.હવે તું રાજી?
રંગલી— મને રાજી કરવાનો એક જ રસ્તો છે. મૌલિક રચના. તારે જાતે જ રચના કરવાની છે. ભલે આભ તૂટી પડે કે ધરતી ફાટી પડે.
રંગલો— મારી નાંખ્યા. આના કરતાતો દાબેલી બનાવવી સારી. ગઝ… લ… ગઝલ …[ગાય] ગઝલ બનાનેવાલે ક્યા તેરે મનમેં સમાઈ કાહેકો યે ગઝલ બનાઈ..
રંગલી— એમ હિંમત હારી જવાની જરૂર નથી. ગઝલ અઘરી લાગતી હોય તો સાહિત્યના બીજા અનેક પ્રકારો છે. જેવા કે ગીત ..
રંગલો— હા હા હા. ગીત બનાવવું મને ફાવશે. એમાં તો છંદની દાદાગીરી નહીં નડેને?
રંગલી— જે નડવાનું હશે એ નડશે પણ હવે તારી પાસે આગળ વધવા સિવાય કોઈ રસ્તો નથી.
રંગલો— આજે તો ભૂખ લાગી છે એટલે આગળ નહીં વધાય.
રંગલી— આપણને કોઈ ઉતાવળ નથી. ધીરજનાં ફળ મીઠાં.
રંગલો— પણ મને તો તીખાં તીખાં ભજિયાં ખાવાનું મન થયું છે.
રંગલી — તો હું શું કરું?
રંગલો— બનાવ્ય. મરચાનાં બનાવ્ય. ટમેટાંનાં બનાવ્ય. કેળાનાં બનાવ્ય.
રંગલી— એટલે અત્યારે હું તારા માટે ભજિયાં બનાવવા બેસું?
રંગલો—મારા માટે નહીં.આપણા માટે.
રંગલી— કેમ? તૈયાર નથી લવાતાં?
રંગલો— તૈયારમાં મજા ન આવે.
રગલી— ગઝલ તૈયાર ચાલે. ભજિયાં તૈયાર ન ચાલે. વાહ રંગલા વાહ .તારી બે મોઢાંની વાત નહીં ચાલે.
રંગલો— મેં તારી વાત માનીને? હવે તું મારી વાત માન.
રંગલી— સારું. તો થેલી લઈને જા. મરચાં … ટમેટાં … કેળાં… કારેલાં … જેનાં ભજિયાં ખાવાં હોય એ બધું લઈ આવ.
રંગલો- પણ એની પહેલાં થઈ જાય … તા થૈયા થૈયા ને તા થૈ.
રંગલી— તો ચાલ …
અમે રંગલો રંગલીરે ભાઈ ઇન્ટરનેટે પહોંચ્યાં
ઇંટરનેટના આંગણે અમને સૌએ પ્રેમથી પોંખ્યાં
જ્યાં જ્યાં કર્યા ખેલ ત્યાંથી ચિંતા ભાગી ગઈ
ચિંતા ભાગી ગઈ ચિંતા ભાગી ગઈ
ને કરો હવે … તા થૈયા થૈયા ને તા થૈ.
એ હાલો… હાલો..
[આજનો ખેલ પૂરો કાલે અસર ના ઓટલે વહેલાસર પધારજો. એ આવજો ]
વાહ! રંગલા-રંગલીની રંગત માણવાની મજા પડી.
કૉપીસમ્રાટ! વાહ! સરસ શબ્દ. જોડણી સમ્રાટની યાદ આવી ગઈ!
vah vah… khub maja padi..
વાહ યશવંતતભાઈ, તમે આ મજાની શ્રેણી શરુ કરી છે. ગમ્મત સાથે ગ્નાન. ગઝલની શરૂઆત માટે ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા બરાબર પકડ્યો. આવો જ રંગ જમાવતા રહો.
આપની આ વાત પણ સમજવા જેવી છે: http://spancham.wordpress.com/2009/05/15/gazal-lakha/#comments
અને આ વાત પણ…
http://layastaro.com/?p=2203
enjoyed
વાહ વાહ વાહ વાહ …!
વાહ વાહ તો અહીં કરવા જેવી છે: http://urmisaagar.com/urmi/?p=765
ગઝલ લખવા બાબત અશરફ ડબાવાળા શું કહે છે?…. અહીં જૂઓ:
http://heenaparekh.wordpress.com/2009/05/04/ગઝલુ-લખ-મા/
અને મુકુલભાઈએ કહ્યું છે:
http://layastaro.com/?p=824
વિવેકભાઈ પણ કહે છે કે:
http://vmtailor.com/archives/363
Enjoyed..maja aavi..
રંગલો-રંગલી.વાહ વાહ!મજા પડી.
વાહ વાહ… આ તો મજા આવી જાય છે આ શ્રેણી બંધ ના કરતા .
વાહ, maja avi !!