COPY PASTEની ભવાઈ—યશવંત ઠક્કર
[પરદો ખુલે ત્યારે રંગલો નાચી નાચીને ગાતો હોય અને રંગલી કપાળે હાથ દઈને બેઠી હોય]
રંગલો—-
કૉપિ પેસ્ટ … કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
ધંધો આ છે કેવો બેસ્ટ … કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
ફ્રોમ ઈસ્ટ કે ફ્રોમ વેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
જે કાંઈ લાગે જ્યાંથી બેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
એનર્જી કરવી શાને વેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
કોનાં એગ્ઝ ને કોનો નેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
થોડી મહેનત ને ઝાઝો રેસ્ટ… કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
છપ્પનની રાખવી ચેસ્ટ……. કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટ
રંગલી—- એ રંગલા. તને પગે લાગું. તારું આ કૉપિ પેસ્ટ …કૉપિ પેસ્ટ બંધ કર. જ્યારથી તેં બ્લોગ ચાલુ કર્યો છે ત્યારથી તને કૉપિ પેસ્ટ… કૉપિ પેસ્ટનું ભૂત વળગ્યું છે.
રંગલો—- એ ભૂતના કારણે તો મારો બ્લોગ જામી ગયો છે રંગલી. હજારોએ મુલાકાત લીધી. પ્રતિભાવોનો પાર નથી. તેં અને મેં સાથે બ્લોગ શરુ કર્યા હતા. આજે તું ક્યાં ને હું ક્યાં? આજે મારો બ્લોગ નંબર વન છે.
રંગલી— હવે મૂછો છે નહીં ને વળ દેવા રહેવા દે. ને આ કૉપિ પેસ્ટ ના ધંધા બંધ કર.
રંગલો— મને એજ નથી સમજાતું કે કૉપિ પેસ્ટની સગવડતાનો લાભ લોકોને આપવામાં વાંધો શો છે?
રંગલી—- જો તને સમજ પાડું. રંગલા, હું તારા માટે રસોઇ ન બનાવું અને આપણા પાડોશી નીતાબેનની રસોઇ લાવીને તારા ભાણાંમાં મૂકું એ બરાબર કહેવાય?
રંગલો— મને શો વાંધો હોય? મારે તો ખાવા સાથે કામ. આમેય તારાં કરતાં આપણી તમામ પાડોશણોની રસોઇ સારી હોય છે.
રંગલી— જા તારી સાથે વાત જ નથી કરવી.
રંગલો— અરે રંગલી. હું તો મજાક કરતો હતો. બાબા માફ કર દે.
રંગલી— મારો કહેવાનો મતલબ એ છે કે હું તને બીજાની રસોઇ જમાડતી હોઉં ત્યારે મારે તને કહેવું જોઈએ કે આ રસોઇ ફલાણા બેનની છે.
રંગલો— કેમ? એવો કાયદો છે?
રંગલી— બધી બાબતોમાં કાયદા નથી હોતા. રંગલા, એ મારી નૈતિક ફરજ છે.
રંગલા – તો બજાવ તારી નૈતિક ફરજ. મને કોઈ ફરક નથી પડતો. ને રહી બ્લોગની વાત. તો સમજી લે કે વાચકોને કોઈ ફરક નથી પડતો. એને વાંચવા સાથે મતલબ છે.લખનાર સાથે નહીં.
રંગલી— અરે પણ જેણે મહેનત કરીને પોતાનું લખાણ તૈયાર કર્યું હોય એના નામનો ઉલ્લેખ તો કરવો જોઈએ કે નહીં?
રંગલો— કોઈ જરૂર નથી. એણે રેઢી મૂકી તો મેં ઉઠાવીને? એ એના મનમાં સાચવીને બેઠો હોત તો હું . કૉપિ પેસ્ટ કરવાનો હતો? ચાલ જવાબ દે.
રંગલી— રંગલા. બીજાની રચના આપણા બ્લોગ પર મૂકીએ ત્યારે એના નામનો ઉલ્લેખ ન કરીએ તો એ બેઈમાની કહેવાય.
રંગલો — [ગીત ગાય] ના ઇજ્જતકી ચિંતા ના ફિકર કોઈ અપમાનકી
જય બોલો બેઈમાનકી .. જય બોલો.
રંગલી — એટલે તેં લાજ શરમ સાવ નેવે મૂકી છે એમને? તો કર તારે જેમ કરવું હોય એમ. હું આ ચાલી.
રંગલા— એ.. એ… એ.. રંગલી. ઊભી રહે.. ઊભી રહે. ઈન્ટરનેટનો બ્લોગ તો આજ છે ને કાલ નથી. તું તો મારો જીવતો ને જાગતો … હરતો ને ફરતો… બ્લોગ છે.
રંગલી— ઊભી રહું. પણ એક શરતે. આજથી કૉપિ પેસ્ટ બંધ.
રંગલા— – થોડી દયા ખા.રંગલી. વરસોની આદત એમ એક ધડાકે કેમ છુટે? ને કૉપિ પેસ્ટ તો કેટલાંય કરે છે. તું મને એકલાને જ ભાળી ગઈ છે.
રંગલી— જે લોકો એવું કરે છે એ બધાં જ તારા જેવું નથી કરતા. એ લોકો જ્યાંથી કૉપિ પેસ્ટ કર્યું હોય એનો ઉલ્લેખ કરે છે. જેણે મહેનત કરીને પોસ્ટ તૈયાર કરેલ હોય એ વ્યક્તિને જશ આપે છે. સમજ્યો?
રંગલો— સમજ્યો મારી મા સમજ્યો. હવેથી કૉપિ પેસ્ટ કરીશ ત્યારે જે તે લેખક કે કવિનું નામ લખીશ. ભલે એ પણ બિચારો રાજી થતો. ને મને યાદ કરતો.
રંગલી— એમ માત્ર નામ લખ્યે નહીં ચાલે.રંગલા, એની લિંક પણ આપવી જોઈએ.
રંગલો—આ તારી દાદાગીરી છે.રંગલી.
રંગલી- આ દાદાગીરી નથી. ઈમાનદારી છે.
રંગલો— એટલે કે હું બેઠો બેઠો બીજાની ઘરાકી વધારું?
રંગલી—એમાં તારી પણ કિંમત વધશે.
રગલો— ચાલો.જેવો રંગલીનો હુકમ.
રંગલી— અને સાંભળ. હજી એક વાત..
રંગલો— હવે આવતા અંક માટે કશું રહેવા દેવું છે કે નહીં?
રંગલી—ચાલ. આટલી વાત યાદ રાખજે.પછી જોજે ને તારા બ્લોગના વખાણ હું પણ કરીશ.
રંગલો—કેવા વખાણ કરીશ?
રગલી— એ તો ત્યારે તું જોઈ લેજેને.
રંગલો— આવું ના કરને રંગલી. એક જલક તો દેખાડ.
રંગલી— તો સાંભળ રંગલા.
રંગલાનો બ્લોગ જામ્યો રે રાજાના કુંવર.
હાલોને કોમેન્ટ કરીએ રે રાજાના કુંવર.
બ્લોગનું મજાનું થીમ રે રાજાના કુંવર.
મજાની રંગલાની રીત રે રાજાના કુંવર.
રંગલો— અરે અટકી કેમ ગઈ રંગલી?
રંગલી— કેમ? આવતા અંક માટે બાકી નથી રાખવું?
રંગલો—-અરે રંગલી,શું કહું? તું જો આવી રીતે જ નાચતી રહે ને તો તો હું યુગો ના યુગો સુધી આમ જ તને જોયા કરું હોં.
રંગલી– હવે જા જા હરખપદુડા. તું નવરો છે . હું નહીં. મારે તો બ્લોગ લખવો છે.
રંગલો— તો મારેય કૉપિ પેસ્ટ કરવો જ છે ને? પણ નામ ઠામ સા થે હો.
રંગલી— હવે તે મુદ્દાની વાત કરી. ચાલ હવે જાતાં જાતાં તા થૈયા થૈયા ને તા થૈ કરી નાખીએ .તો જરા બ્લોગ મિત્રોને સારું લાગે.
રંગલો– સૌથી વધારે તો એ.. પેલાં પિન્કીબેનને સારું લાગશે.
[બંને જણાં નાચે અને ગાય]
કૉપિ પેસ્ટના કરવાવાળા કરજો એટલું કામ
કરજો એટલું કામ કરજો એટલું કામ
જે ના જેના લીધા લેખ લખજો એનું નામ
લખજો એ નું નામ લખજો એનું ઠામ
ઉપરથી વાલીડાં મારાં કરજો એને સલામ
તા થૈયા થૈયા ને તા થૈ …
એ હાલો…હાલો…
[બંને જણાં અસર ના મુલાકાતીઓની વિદાય લે ]
વળતા પડકારા