Home > ચપટી ભરીને વાર્તા > મુખવટો- યશવંત ઠક્કર

મુખવટો- યશવંત ઠક્કર

બિરજુનો આજે નોકરી મટેનો  ઇન્ટર્વ્યૂ  હતો.  આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.

એને   M.C.A.માં સાઈઠ  ટકા હતા.   PRACTICAL  જ્ઞાન  પણ સારું હતું.   છતાં એને  પોતાની લાયકાત પુરવાર કરવાની તકો  ઓછી મળતી હતી કારણ કે  એને બારમાં  ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં   સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ   ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી.  જે થોડીઘણી તકો મળી હતી એમાં એને સફળતા મળી નહોતી.  હરિફાઈ અને સ્ટાફની જરૂરિયાત  જેવાં પરિબળો પણ ભાગ ભજવતાં હતાં.  આ હકિકત બિરજુ પણ  સમજતો હતો. પરંતુ હવે એની ધીરજ ખૂટી ગઈ હતી.   લાયકાત સાબિત કરવાનું કાર્ય આટલું  કપરું  હશે એવું એણે પહેલાં ધાર્યું નહોતું.  એને દુનિયાની કડવી વાસ્તવિકતા હવે સમજાવા લાગી હતી.

એ હવે મોટાભાગે ઉદાસ રહેતો હતો. કોઈ પ્રવૃત્તિમાં એનું મન લાગતું ન હતું.મમ્મી-પપ્પા તરફથી કોઈ જાતનું દબાણ ન હતું.  એ તો ઉલટાના કહેતાં હતાં કે  “ અમને વિશ્વાસ છે કે બધાં સરાં વાનાં થશે.”  પરંતુ મધ્યમ  પરિવારના સંસ્કાર હેઠળ  ઉછરેલ  હોવાથી એને જલ્દી કમાતા થવાની અને પપ્પાને રાહત આપવાની ઉતાવળ હતી. …અને બારમાં ધોરણના બાવન ટકા એનો પીછો છોડતા નહોતા!

ઘેરથી નીકળ્યો ત્યારે  મમ્મી-પપ્પાએ   દરવખતની માફક આજે પણ  “ બેસ્ટ ઓફ લક”  કહ્યું હતું.  પોતે જવાબમાં   “થેંક્યુ ”   કહ્યું હતું.  એ  જાણે કે વેરાઈ ગયેલાં હિંમત અને વિશ્વાસ એકઠાં કરીને નીકળ્યો હતો!  એણે  હૃદયમાં આશાનો  દીવો ફરીથી પ્રગટાવ્યો હતો.

એનાં મમ્મી-પપ્પાનાં   હ્રદયમાં આશાના  ટમટમતા    દીવા તો ક્યારેય હોલવાયા  જ નહોતા.  એટલે તો આખો દિવસ એ રાહ જોતાં રહ્યાં કે ‘ હમણાં  ટેલિફોન રણકશે ને બિરજુ હોંશે હોંશે શુભ    સમાચાર આપશે.’

પરંતુ ટેલિફોન ન રણક્યો તે ન જ રણક્યો!

….ને     ઇન્ટર્વ્યૂ  આપીને સાંજે એ ઘેર પછો આવ્યો.  એનું મોઢું પડી  ગયેલું હતું.  એનાં મમ્મી-પપ્પાએ તો નક્કી જ કરેલું હતું કે એ આજે આવે ત્યારે  એને   ઇન્ટર્વ્યૂ  બાબત કશું જ પૂછવું નહીં કારણ કે દર વખતે  પોતે પસંદ ન થયાનું કહેતી વખતે  એ ખૂબ જ નિરાશ થઈ જતો હતો.  ઊગીને ઊભા થયેલા દીકરાની નિરાશા  એમનાથી જોવાતી નહોતી.

બિરજુએ પાણી પીધું.   એનાં મમ્મી-પપ્પાની ધારણા હતી કે એ હવે કશું કહેશે. પણ એ ધરણા ખોટી પડી. બિરજુ કશું જ બોલ્યો નહીં. હવે તો એ લોકો જ બિરજુને પૂછે તો જ ખબર પડે કે શું થયું. પણ કશું પૂછવાની તો વાત જ ક્યાં રહી? એમનાંમાં તો બિરજુના ચહેરા પર નજર નાખવાની હામ નહોતી રહી. ઘરમાં જાણે કે  હવા વહેતી બંધ થઈ ગઈ. નર્યું મૌન વહેવા લાગ્યું!  છાતીમાં મૂંઝારો લાવી દે એવું મૌન!

લાં…બી  લાં…બી ક્ષણો પસાર થવાનું નામ જ નહોતી લેતી! ને એક ક્ષણ એવી આવી કે એના પપ્પથી મૌન જીરવાયું નહીં.  એમનાથી પૂછાઈ ગયું  કે  “  બેટા, આજે કેવું રહ્યું?  ”

ને તરત જ એમને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળ કરી બેઠા છે.  પણ હવે શું થઈ શકે? હવે તો જે કાંઈ સાંભળવું પડે એ હિંમતપૂર્વક  સાંભળવું જ રહ્યું.  મમ્મી- પપ્પા  બેઉ જણાંએ જે કાંઈ સાંભળવું પડે એ સાંભળી લેવાની પૂરી તૈયારી  સાથે બિરજુના ચહેરા તરફ નજર નાંખી.

ને બિરજુએ મૌન તોડ્યું.  “આજે તો થઈ ગયું.”

એ શબ્દોનો અર્થ તાત્કાલિક સમજવાનું કઠિન હતું.  એની મમ્મીએ અધીરાં થઈને પૂછ્યું કે “ થઈ ગયું એટલે?”

“  થઈ ગયું એટલે નોકરીનું પાકું થઈ ગયું. મમ્મી,  આજે હું  ઇન્ટર્વ્યૂ માં પાસ થઈ ગયો.”  બિર જુએ પોતાના ચહેરા પરથી ઉદાસીનો મુખવટો ઉતારી નાખીને  કહ્યું.

એના પપ્પાને તો શું બોલવું એની જ સમજ ન પડી. એ છાતીમાં ચોંટેલા મૂંઝારાને ઉખેડવા લાગ્યા.

“ ગાંડા. ક્યારનો કહેતો કેમ નથી? ફોન તો કરવો હતો!!”  બિરજુને એની મમ્મીએ ઠપકો આપવાના ભાવથી કહ્યું.

“હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ”  બિરજુએ ચોખવટ કરી.

પછી તો ઘરમાંથી મૌન ઊભી પૂંછડીએ ભાગ્યું છે કાંઈ!!!!

********************

  1. dhufari
    April 10, 2009 at 4:34 pm | #1

    ભાઇશ્રી યશવંત,
    આપની રચના “મુખવટો” વાંચી અને મનને શ્પર્શી ગઇ,ભલે સરપ્રાઇસ આપવાના બહાને પણ એ વાર્તાના પાત્રે મુખવટો ધારણ કરેલ,પણ જ્યારે એ મુખવટો દૂર કર્યો ત્યારે અચાનક મળેલી એ સુખદ પળોનો આનંદ એના ઘરના સભ્યોને કેટલો થયો હશે,એની કલ્પના કરવી મુશ્કેલ છે કારણ એ કહેવાની નહિ માણવાની પળ છે.આ વાર્તા પરથી હાલમાં આવનાર ચુંટણીના પ્રચાર માટે આપણા આ કહેવાતા નેતાઓ પણ એવા કેવા કેવા મુખવટા પહેરીને પ્રજાના મન(મત) જીતવા મરણિયા પ્રયાસ કરી રહ્યા નથી? એમના મુખવટા પણ જ્યારે ઉતરશે ત્યારે પ્રજાને કેવા આંચકા આવસે? ખાત્રીથી કહી શકું છું કે સુખદ તો નહિ જ હોય.
    અસ્તુ
    પ્રભુલાલ ટાટારીઆ”ધુફારી”

    સમય મળે મારા બ્લોગની મુલાકાત લઇ આપના અભિપ્રાય જણાવશો
    http://dhufari.wordpress.com

  2. April 10, 2009 at 8:52 pm | #2

    A good short story.Keep it up.Best of luck
    Wafa
    10April009

  3. April 11, 2009 at 9:36 pm | #3

    યશવંતભાઇ બહુજ સરસ રચના છે. ખાસ કરીને જ્યારે યુવાનો આજની આ દોડ ધામમાં કંટાળીને આ મુખવટો દૂર કરવા માટે જે મથતા હોય છે અને અંતે કંટાળી જતા હોય છે. તે દરેક ને આ પ્રેરણારૂપ બનશે.

    –અનાયાસ ઝિંઝુવાડીયા
    http://www.herbu1.wordpress.com

  4. April 29, 2009 at 7:46 am | #4

    મારે બારમામાં ૬૦ ટકા અને MCAમાં ૫૨ ટકા હતા (એટલે કે હજી પણ છે!). ક્યાંક મારી પરથી તો લખી નથીને ;)

  5. May 19, 2009 at 3:32 pm | #5

    મજાની વાર્તા.

  6. May 28, 2009 at 1:38 pm | #6

    short & sweet story.

  7. Mansi
    June 13, 2009 at 5:24 am | #7

    Respected Sir,

    Here its really one of the best ever article i read.

    Will surely share with mine other friends.

    Health Care Tips | Health Tips | Health Fitness Tips | Sasan Forest

    Thank You Very Much For Sharing.

    -Mansi Tripathi

    Fashion Designer