Archive

Archive for April, 2009

મહિલા નેતાઓનો રસોઇ શો- યશવંત ઠક્કર

સુશ્રી મમતા બેનરજી રજૂ કરે છે :  નેનો નિરોધક ફસગુલ્લા

*******************************************

શ્રીમતી સુષ્મા સ્વરાજ રજૂ કરે છે : પરંપરાનો   અર્ધપ્રવાહી શીરો.

[ જે પક્ષના મુરબ્બીઓને પચવામાં સરળ રહેશે.]

***********************************************

સુશ્રી માયાવતી રજૂ કરે છે : સર્વ વર્ગીય સ્વાદિષ્ટ તીખું અને તમતમતું  ઊંન્ધિયું.

*********************************************************

શ્રીમતી શિલા દીક્ષિત રજૂ કરે છે : વિકાસનાં  વડાં

[ જે વાનગી આગલા રસોઇ  શો વખતે અધુરી રહી ગઈ હતી.]

********************************************************

સુશ્રી ઉમા ભારતી રજૂ કરે છે : સ્વાદિષ્ટ રસિયાં  રીસામણાં

[આ વાનગી તેઓ અનેક વખત રજૂ કરી ચૂક્યાં છે. એમનું કહેવું છે કે આ છેલ્લી વખત રજૂ કરે છે.]

****************************************************

શ્રીમતી વસુંધરા રાજે  જરૂરી સામગ્રીના અભાવે કોઈ વાનગી રજૂ કરી શક્તાં નથી તો ક્ષમા કરશો.

************************************************************************

સુશ્રી જયલલિતા રજૂ કરે છે: જૂનો ને જાણીતો ઠસ્સો. [સાથે  પ્રાદેશિક ચટણી સંભાર તો ખરાં જ]

**************************************************************************

શ્રીમતી સોનિયા ગાંધી રજૂ કરે છે : સ્વાદિષ્ટ હિન્દી લોચા.

[સોહામણી છબીઓ: google imaage પરથી ]

હિંદુસ્તાન બોલ રહા હૈ….યશવંત ઠક્કર

[તસવીરો : ગૂગલના પટારામાંથી]                   ——- યશવંત ઠક્કર

કોઈ બોલ્યું આમ ને કોઈ બોલ્યું તેમ.

કોઈના બોલવાનો વિરોધ  કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિરોધનો વિરોધ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિરોધના વિરોધનો બચાવ કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના બચાવનો ખુલાસો  કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના ખુલાસાનો  વિશેષ ખુલાસો કોઈએ કર્યો આમ ને કોઈએ કર્યો તેમ.

કોઈના વિશેષ ખુલાસાનો પ્રતિભાવ કોઈએ આપ્યો આમ ને કોઈએ આપ્યો તેમ.

કોઈના પ્રતિભાવને ટેકો  કોઈએ આપ્યો  આમ ને  કોઈએ આપ્યો તેમ.

કોઈના ટેકાનો આભાર કોઈએ માન્યો આમ ને કોઈએ માન્યો તેમ.

કોઈએ માનેલા આભાર બાબત આક્રોશ કોઈએ ઠાલવ્યો આમ ને કોઈએ ઠાલવ્યો  તેમ.

કોઈના આક્રોશને  દંભ કોઈએ કહ્યો આમ ને કોઈએ કહ્યો તેમ.

કોઈના દંભના પરદા  કોઈએ ફાડ્યા  આમ ને કોઈએ ફાડ્યા  તેમ.

કોઈના પરદા ફાટવાના બનાવને કોઈએ ચગાવ્યો આમ ને કોઈએ ચગાવ્યો ઓ તેમ.

કોઈએ ચગાવેલા બનાવને નીચે ઉતારવા માટેનો ઉકેલ કોઈએ દર્શાવ્યો આમ ને કોઈએ દર્શાવ્યો તેમ.

કોઈએ દર્શાવેલા ઉકેલને ગતકડું કોઈએ કહ્યું આમ ને કોઈએ કહ્યું તેમ.

કોઈએ કહેલાં  ગતકડાંનો વરઘોડો કોઈએ કાઢ્યો આમ ને કોઈએ કાઢ્યો તેમ.

કોઈએ કાઢેલા વરઘોડામાં ગીત કોઈએ  ગાયાં આમ ને કોઈએ ગાયાં તેમ.

કોઈએ ગાયેલાં ગીતોની સાથે કોઈ નાચ્યું આમ ને કોઈ નાચ્યું તેમ.

કોઈના નાચને આચારસંહિતાનો ભંગ કોઈએ ગણાવ્યો આમ ને કોઈએ ગણાવ્યો તેમ.

આચારસંહિતાના ભંગની ફરિયાદ કોઈએ કરી આમ ને કોઈએ કરી તેમ.

ફરિયાદનો ચુકાદો તો આવતા આવશે પણ એ પહેલાં ….

ત્રાસેલા આમઆદમીએ બૂમ પાડી કે ………..

એ………..બકવાસ બંધ કર……….!!!!!!!!!!!!

ટ્રક ડ્રાઈવર- વાર્તા- યશવંત ઠક્કર

મિત્રો,  ‘નવનીત સમર્પણ ’ માં 1996  માં પ્રગટ થયેલી મારી ‘ ટ્રક ડ્રાઈવર’ વાર્તા  તાજેતરમાં  ’ રીડગુજરાતી.કોમ’ પર પણ પ્રગટ થઈ હતી.  જેની link અત્રે મૂકું છું.  આપ સૌને વાર્તા ગમશે એવી આશા રાખું છું.

વાર્તા વાંચવા માટે અહીં  click કરો.   http://www.readgujarati.com/sahitya/?p=3109?

મુખવટો- યશવંત ઠક્કર

બિરજુનો આજે નોકરી મટેનો  ઇન્ટર્વ્યૂ  હતો.  આ પાંચમો ઇન્ટરવ્યુ હતો. આગળના ચારમાં એને સફળતા મળી નહોતી.

એને   M.C.A.માં સાઈઠ  ટકા હતા.   PRACTICAL  જ્ઞાન  પણ સારું હતું.   છતાં એને  પોતાની લાયકાત પુરવાર કરવાની તકો  ઓછી મળતી હતી કારણ કે  એને બારમાં  ધોરણમાં ફક્ત બાવન ટકા ગુણ આવ્યા હતા. મોટાભાગની કંપનીઓ બારમાં ધોરણમાં   સાઈઠ ટકા કે તેથી વધારે હોય એ ઉમેદવારોને જ   ઇન્ટર્વ્યૂ માટે બોલાવતી હતી.  જે થોડીઘણી તકો મળી હતી એમાં એને સફળતા મળી નહોતી.  હરિફાઈ અને સ્ટાફની જરૂરિયાત  જેવાં પરિબળો પણ ભાગ ભજવતાં હતાં.  આ હકિકત બિરજુ પણ  સમજતો હતો. પરંતુ હવે એની ધીરજ ખૂટી ગઈ હતી.   લાયકાત સાબિત કરવાનું કાર્ય આટલું  કપરું  હશે એવું એણે પહેલાં ધાર્યું નહોતું.  એને દુનિયાની કડવી વાસ્તવિકતા હવે સમજાવા લાગી હતી.

એ હવે મોટાભાગે ઉદાસ રહેતો હતો. કોઈ પ્રવૃત્તિમાં એનું મન લાગતું ન હતું.મમ્મી-પપ્પા તરફથી કોઈ જાતનું દબાણ ન હતું.  એ તો ઉલટાના કહેતાં હતાં કે  “ અમને વિશ્વાસ છે કે બધાં સરાં વાનાં થશે.”  પરંતુ મધ્યમ  પરિવારના સંસ્કાર હેઠળ  ઉછરેલ  હોવાથી એને જલ્દી કમાતા થવાની અને પપ્પાને રાહત આપવાની ઉતાવળ હતી. …અને બારમાં ધોરણના બાવન ટકા એનો પીછો છોડતા નહોતા!

ઘેરથી નીકળ્યો ત્યારે  મમ્મી-પપ્પાએ   દરવખતની માફક આજે પણ  “ બેસ્ટ ઓફ લક”  કહ્યું હતું.  પોતે જવાબમાં   “થેંક્યુ ”   કહ્યું હતું.  એ  જાણે કે વેરાઈ ગયેલાં હિંમત અને વિશ્વાસ એકઠાં કરીને નીકળ્યો હતો!  એણે  હૃદયમાં આશાનો  દીવો ફરીથી પ્રગટાવ્યો હતો.

એનાં મમ્મી-પપ્પાનાં   હ્રદયમાં આશાના  ટમટમતા    દીવા તો ક્યારેય હોલવાયા  જ નહોતા.  એટલે તો આખો દિવસ એ રાહ જોતાં રહ્યાં કે ‘ હમણાં  ટેલિફોન રણકશે ને બિરજુ હોંશે હોંશે શુભ    સમાચાર આપશે.’

પરંતુ ટેલિફોન ન રણક્યો તે ન જ રણક્યો!

….ને     ઇન્ટર્વ્યૂ  આપીને સાંજે એ ઘેર પછો આવ્યો.  એનું મોઢું પડી  ગયેલું હતું.  એનાં મમ્મી-પપ્પાએ તો નક્કી જ કરેલું હતું કે એ આજે આવે ત્યારે  એને   ઇન્ટર્વ્યૂ  બાબત કશું જ પૂછવું નહીં કારણ કે દર વખતે  પોતે પસંદ ન થયાનું કહેતી વખતે  એ ખૂબ જ નિરાશ થઈ જતો હતો.  ઊગીને ઊભા થયેલા દીકરાની નિરાશા  એમનાથી જોવાતી નહોતી.

બિરજુએ પાણી પીધું.   એનાં મમ્મી-પપ્પાની ધારણા હતી કે એ હવે કશું કહેશે. પણ એ ધરણા ખોટી પડી. બિરજુ કશું જ બોલ્યો નહીં. હવે તો એ લોકો જ બિરજુને પૂછે તો જ ખબર પડે કે શું થયું. પણ કશું પૂછવાની તો વાત જ ક્યાં રહી? એમનાંમાં તો બિરજુના ચહેરા પર નજર નાખવાની હામ નહોતી રહી. ઘરમાં જાણે કે  હવા વહેતી બંધ થઈ ગઈ. નર્યું મૌન વહેવા લાગ્યું!  છાતીમાં મૂંઝારો લાવી દે એવું મૌન!

લાં…બી  લાં…બી ક્ષણો પસાર થવાનું નામ જ નહોતી લેતી! ને એક ક્ષણ એવી આવી કે એના પપ્પથી મૌન જીરવાયું નહીં.  એમનાથી પૂછાઈ ગયું  કે  “  બેટા, આજે કેવું રહ્યું?  ”

ને તરત જ એમને ખ્યાલ આવ્યો કે પોતે ઉતાવળ કરી બેઠા છે.  પણ હવે શું થઈ શકે? હવે તો જે કાંઈ સાંભળવું પડે એ હિંમતપૂર્વક  સાંભળવું જ રહ્યું.  મમ્મી- પપ્પા  બેઉ જણાંએ જે કાંઈ સાંભળવું પડે એ સાંભળી લેવાની પૂરી તૈયારી  સાથે બિરજુના ચહેરા તરફ નજર નાંખી.

ને બિરજુએ મૌન તોડ્યું.  “આજે તો થઈ ગયું.”

એ શબ્દોનો અર્થ તાત્કાલિક સમજવાનું કઠિન હતું.  એની મમ્મીએ અધીરાં થઈને પૂછ્યું કે “ થઈ ગયું એટલે?”

“  થઈ ગયું એટલે નોકરીનું પાકું થઈ ગયું. મમ્મી,  આજે હું  ઇન્ટર્વ્યૂ માં પાસ થઈ ગયો.”  બિર જુએ પોતાના ચહેરા પરથી ઉદાસીનો મુખવટો ઉતારી નાખીને  કહ્યું.

એના પપ્પાને તો શું બોલવું એની જ સમજ ન પડી. એ છાતીમાં ચોંટેલા મૂંઝારાને ઉખેડવા લાગ્યા.

“ ગાંડા. ક્યારનો કહેતો કેમ નથી? ફોન તો કરવો હતો!!”  બિરજુને એની મમ્મીએ ઠપકો આપવાના ભાવથી કહ્યું.

“હું તમને લોકોને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. ”  બિરજુએ ચોખવટ કરી.

પછી તો ઘરમાંથી મૌન ઊભી પૂંછડીએ ભાગ્યું છે કાંઈ!!!!

********************

સડકની વચ્ચોવચ્ચ સાવ તેં મને કાકો કહ્યો! ખૂલેખૂલો બન્યો બનાવ તેં મને કાકો કહ્યો!

‘પોલિસે એક યુવાનને લાફા  માર્યા.’ આ વિધાન સમાચાર બનતું નથી. કારણ કે પોલીસની મુખ્ય  ફરજ જ   જે ઝપાટે ચડે એને  મારવાની!  એણે એની ફરજ બજાવી. પરંતુ સમાચાર ત્યારે બન્યા કે જ્યારે એ વિધાન કારણ સહિત લખાયું કે ‘ એક  પોલીસે  એક યુવાનને લાફા માર્યા કારણ કે એ યુવાને  પોલીસને કાકા કહ્યું.’

આ બનાવે તો મને સમાજ બાબતે વિચારતો  કરી મૂક્યો છે.  કારણ કે આપણા સમાજમાં તો કાકા સંબોધન પાણીના પાઉચની માફક વપરાય છે.  અને આમ જો કાકા સંબોધન માત્રથી જો બધા લાફાવાળી કરવા માંડે તો તો એક નવી સામાજિક સમસ્યા  ઊભી થઈ જાય!  ડોસી મરે એનો વાંધો નથી. વાંધો જમ ઘર ભાળી જાય એનો છે.

સૌરાષ્ટ્રનાં ગામડાંમાં પોતાના પિતાથી નાની ઉંમરના લોકોને માનપૂર્વક  કાકા કહેવાનો રિવાજ છે.  ત્યાં કાકા સંબોધનમાં મીઠાશ હોય છે. ગુજરાતમાં કાકા સંબોધન મોટેભાગે તોછડાઈથી કરવામાં આવે છે.  આથી સરસ મજાનો શબ્દ વગર વાંકે વગોવાઈ ગયો છે. એને વગોવવામાં મિમિક્રી,જોક્સ,હાસ્યલેખ દ્વારા પણ  બળતામાં ઘી હોમવાનું કામ થાય છે.   [ જે અત્યારે જાણ્યે અજાણ્યે હું કરી રહ્યો છું.]

આ  લાફાવાળી ઘટના  કેમ બની ગઈ? મારી સમજ પ્રમાણે બેમાંથી એક શક્યતા હોવી જોઈએ.

શક્યતા નંબર [1]: એ યુવાનને એ પોલીસમાં ખરેખર કાકાપણું દેખાયું હોય! વળી  એ યુવાનની ખરેખર સમજ જ એવી હોય કે કાકા શબ્દ  પ્રેમથી  છલોછલ ભરેલો છે.  એવી સમજ પ્રમાણે એ યુવાને  પોલીસ  પ્રત્યે ખરેખર પ્રેમ વ્યક્ત કર્યો હોય! પણ દરેક ઘટનાને શંકાથી જોવા ટેવાયેલા પોલીસ મહાશય એ યુવાનની ભાવના સમજવામાં નિષ્ફળ ગયા હોય અને યુવાને પોતાનું અપમાન કર્યું હોવાની ગેરસમજ  કરી બેઠા  હોય.

શક્યતા નંબર [2] એ યુવાને યુવાનીના જોશમાં જ પોલીસને ચીડવવા કાજે કાકા કહી દીધું હોય   અને પોલીસજીની ખરેખર સમજ જ એવી હોય કે કાકા શબ્દ ઝેરથી છલોછલ ભરેલો છે!  જે સંબોધન  પોલીસજીથી જીરવાયું ન હોય! અત્રે અમને એક કાઠિયાવાડી  કહેવત યાદ આવે છે કે    “ માર ખાધો પણ  ફોજદાર તો જોયો!”  આ બનાવ માટે એવું કહી શકાય કે   “ માર ખાધો પણ પોલીસને કાકો તો કહ્યો! ”

ઘણાં લોકોને એવો વિચાર પણ આવે કે  “ કાકા કહ્યું એમાં શું થઈ ગયું?  ”  સાચી વાત છે કારણ કે  કોઈને કાકા કહેવું એ કાનૂની અપરાધ ગણાતો નથી. એ કદાચ નૈતિક અપરાધ બનતો હશે! પણ નૈતિકતાને  વળી ક્યો કાકો પૂછે છે!    [ જોયુંને? કાકો શબ્દ કેવો સ્વભાવિકતાથી વપરાઈ ગયો?]   મારી જ વાત કરું તો ખાનગી કે જાહેરમાં  મને કોઈ કાકા કહે તો મને  આભ  તૂટી  પડ્યા જેવું લાગતું નથી.  ક્યાંથી લાગે?  જીવનની સત્તાવન દિવાળીઓ  [અને હોળીઓ પણ]  જોઈ લીધાં પછી!!!!!!!   આટલું જીવનવન વટાવ્યાં પછી તો મારા જેવા  કેટલાય લોકો ગીતા પર હાથ મૂકીને સોગંદપૂર્વક એવું કહેવા તૈયાર હશે  કે  ” હા,અમે કાકા છીએ એ વાત અમને સ્વીકાર્ય છે. કોઈ અમને કાકા તો શું પણ દાદા કહે તો પણ રતીભર પણ  દુ:ખ લાગતું નથી.”

પણ… પણ… પણ  એ તો હવેને? ત્યારની વાત  તો જૂદી હતી કે  જ્યારે કોઈ કાકા કહેતું હતું ને એને ઢાળી દેવાનું મન થતું હતું! હા , દરેકના જીવનમાં એક સમય એવો આવે છે  કે સાવ અચાનક એના કાને કાકા શબ્દ અથડાય છે અને એનું હૃદય વીંધાય જાય  છે.  એ ઘેર આવીને રાજા દશરથની માફક દર્પણમાં જૂએ છે.  એને કાકાપણું નજરે ચડતું નથી!  એ મન મનાવે છે  કે ‘ હશે! કાકા કહેનારની નજર નબળી હશે.’  પરંતુ એ ઘા ભુલાય ન ભુલાય ત્યાંતો  ફરીથી કાકા શબ્દ કાને અથડાય છે!  … પછી  તો “કાકાની જ પરંપરા જગત એવું દીસે છે પિતા!”

તમને કાકા સંબોધન શબ્દ અળખામણું લાગતું હોય  ને  કોઈ તમને કાકા કહે તો તમે કરી કરી ને શું કરી શકો?  ગમે તેટલા ધમપછાડા કરો છેવટે તો તમારે હાથ હેઠા કરવા જ પડે.  ચાલો એ વાત પર રમેશ પારેખની એક રચના પર નજર કરીએ…

*****

નથી

તમે હાથ હેઠા કરી દ્યો હવે

કે સંબંધ તોડી શકાતા નથી.

ઘણા પાળિયાઓ નજરમાં તરે

અને ક્યાંય ખોડી  શકાતા નથી.

તમે ફોડી શકો અરીસા કદી

ચહેરાઓ ફોડી શકાતા નથી.

નથી સાથે ચાલી શકાતું હવે

કે દિવસોને છોડી શકાતા નથી.

તમે હાથ હેઠા કરી દ્યો હવે

કે સંબંધ તોડી શકાતા નથી.

******

પેલા પોલિસભાઈ આજે નહીં તો કાલે હાથ હેઠા કરી દેશે.  આજે કાકા કાકા કરતા જેની જીભ નથી સુકાતી એ તમામ યુવાનો ભવિષ્યમાં કાકા થઈ જશે. સવાલ સમજણ નો છે. કોઈને વહેલી સમજણ  પડે છે તો કોઈને મોડી. સમાજમાં આવી સમજણ નો ફેલાવો થાય એ માટે  ઠેરઠેર  સૂત્રો મૂકાવા જોઈએ કે-

” આજનો યુવાન આવતીકાલનો કાકો છે.”

“ગર્વથી  કહો કે અમે કાકા છીએ.”

કાકા વિન્યા બાંકડા સુના ..સુનો આ સંસાર”

ભગાએ આ સમાચાર જ્યારે બાપુને સંભળાવ્યા ત્યારે બાપુએ આભિપ્રાય આપ્યો કે : “પોલિસે લાફાવાળી કરવાને બદલે આ દુહો લલકારવો જોતોતો” ….

પીપળ પાન ખરંતી ને હસતી કૂંપળિયાં

અમ વીતી તમ વીતશે ધીરી બાપુડિયાં .