એક એમ.પી. ભગારામ..

એક એમ.પી. ભગારામ ..

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

એ સરકારની તરફેણમાં છે કે વિરુદ્ધમાં?

એ સવાલના જવાબમાં…

એ મગનું નામ મરી લેતા નથી.

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

ચૂંટાયા પછી મતવિસ્તારમાં એમની હાજરી?

હાજરી કેવી ને વાત કેવી?

ખેલ પૂરો થયા પછી

ડુગડુગી વગાડવાની વાત કેવી?

ચૂંટાયા પછી સંસદમાં એમની હાજરી?

ખરી..ખરી. થોડીઘણી પણ ખરી.

પણ એમના થકી પ્રશ્નોની રજૂઆત ?

ખાસ નહીં.

એમના થકી પ્રધાનશ્રીને કશી તકલીફ?

ખાસ નહીં.

એમના થકી અધ્યક્ષશ્રીને કશી તકલીફ?

ખાસ નહીં.

સંસદમાં એમની આંખો બંધ.

એમના કાન બંધ.

એમના હોઠ બંધ.

જેમ કોઈ તલવાર હોય મ્યાનમાં

એમ તેઓશ્રી બેસી રહે ધ્યાનમાં.

જેમ કમળનાં પાનને જળ સ્પર્શ કરતું નથી

એમ એમને સંસદની ચર્ચા સ્પર્શ કરતી નથી.

પણ હવે?

હવે એ વાતનું શું છે?

હવે તો ફેંસલાની ઘડી છે.

નથી ખબર શી આફત પડી છે!

ખબર છે માત્ર એટલી કે

સંસદમાં હાજર રહેવાની હાકલ પડી છે!

પણ તોય..

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

એ જમણવારમાંય હાજર રહેતા નથી.

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

કરદાતાઓ …મતદાતાઓ ..

ચૂંટણી વખતે તમોને કહેવામાં આવ્યું હતું કે-

મતદાન કરો ..નવ ઢીલ કરો..

મતદાન કરી નયને નીંદ ધરો.

તમે એ વાતને ઘણી કાને ધરી

તમે નયને અતિશય નીંદ ધરી.

પણ હવે..

તમારા નયનોથી નીંદને દૂર કરો.

ને જુઓ.ધ્યાનથી જુઓ.

જોવાના પૈસા નથી.

જુઓ કે -

તમારા એક એમ.પી. ભગારામના

એક મતની કીંમત કેટલી છે!

પણ જોજો હો

મીંડાં ગણવામાં ભૂલ ન કરતાં

કિસ્મત કરાવે એ ભૂલો બધી થઈ ગઈ.

હવે શું?

હવે તો ફેંસલાની ઘડી છે.

નથી ખબર કે શી આફત પડી છે!

ખબર છે માત્ર એટલી કે -

સરકાર તો

શોલેની ટાંકી પર ચડી છે.

પણ તોય…

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

કોઈ પણ સવાલનો જવાબ

એ સીધો ને સરળ દેતા નથી.

ખળ ખળ

ખળ ખળ…

વહેતા નથી.

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.

એક એમ.પી. ભગારામ હજુ પણ કશું કહેતા નથી.